2011 ની સાલમાં તે સમયના ભારતીય જનતા પક્ષના શાસકો ઇમ્પેક્ટ ફીનું તૂત લાવ્યા. ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને કોર્પોરેટરો મકાનોમાં ફરી વળ્યાં અને દાબદબાણ કરીને અને તમારું બાંધકામ ગેરકાયદે છે એવું જણાવીને ઇમ્પેક્ટ ફી ભરવાને મજબૂર કર્યાં અને કહેવા માંડ્યા કે ઇમ્પેક્ટ ફી ભરી દો પછી તમે અપીલ કરીને પાછી મેળવી શકો છો. જેને કારણે હજારોની સંખ્યામાં ઢગલેબંધ અપીલો ગૃડા એક્ટ., 2011 હેઠળ સરકારમાં થતા,વર્ષોનાં વર્ષો સુધી તેની સુનાવણી થઈ નહીં અને છેવટે ગુજરાત રેગ્યુલાઇઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલપમેન્ટ ઓર્ડિનન્સ સને 2022 નો લાવી અને તેને તારીખ.17/10/2022 થી અમલમાં મૂકીને, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પત્ર ક્રમાંક : અનધ / 112013 / 1288 / લ, તારીખ.02/11/2022 અન્વયે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતનો અધિનિયમ., સને 2011 નો રદ કરી પડતર અપીલો સંબંધિત સતા મંડળોને જે તે સ્થિતિએ સરકારે પરત ધકેલી દીધી !
આમ થયેથી સંબંધિત મહાનગરપાલિકા એટલે કે, સત્તા મંડળ તેવાં બાંધકામ ગેરકાયદે છે એવું પુરવાર નહીં કરી શક્યા. અલબત્ત, હવે ભરાયેલ ઇમ્પેક્ટ ફી પાછી લેવા માટે કોર્ટના રસ્તા બતાવ્યા પણ ઇમ્પેક્ટ ફી પાછી નહીં આપી. આમ કાયદો બદલાયો, જે મુજબ ઇમ્પેક્ટના તમામ કાગળ મ્યુનિસિપલ કમિશનર પાસે ગયા અને હવે તેની સાથે કાનૂની દાવ પેચ રમવાના નવેસરથી અરજી કરવાની અને તેમાં જો હારી જાય તો સિવિલ કોર્ટ અથવા હાઇકોર્ટમાં જવાની ફરજ પડે અને ઇમ્પેક્ટ ફી ની પાછી મળેલી રકમ બીજી પેઢીને પણ મળે કે કેમ તે પ્રશ્ન છે. શાસનને સહકાર આપવાની નાગરિકની ફરજ છે પણ તે સમયે જેમણે ઇમ્પેક્ટ ફી ભરવામાં ઉત્સાહ નહિ બતાવ્યો તેમને કંઈ જ થયું નથી અને જેણે શાસનને સહકાર આપવા માટે ફરજ ગણી તેને કાકા મટી ભત્રીજા થવાનો વારો આવ્યો. એ છે કે શાસક પૈસા ઉઘરાવવા માટે આવા અતાર્કિક માર્ગો અપનાવે છે તેને સહકાર આપી નાગરિકોને પસ્તાવાનો વારો આવે તો શાસનને સહકાર આપવામાં કોણ આગળ આવશે?!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તહેવારોમાં જ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ મોંઘી કેમ
2024ની ચૂંટણી પહેલાં અને તહેવારોમાં જ જનતાની મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓમાં મોટો વધારો થયો છે જેમકે તુવેરદાળ 1 વર્ષમાં 38 ટકા મોંઘી, અડદ દાળ 10 ટકા, મગની દાળ 11.66, ચોખાના ભાવમાં 13 ટકા અને ખાંડના ભાવમાં 3.32 ટકાનો વધારો થયો છે અને તેલ તો પહેલાંથી જ ભડકે બળે છે. હવે જે જનતા પહેલાંથી જ મોંઘવારીના મારથી પીડિત છે તેના પર આ વધારો શું યોગ્ય છે ખરો?
હવે જનતાએ સમજવામાં અને વિચારવાનો વિષય એ છે કે તમે ચૂંટણી પહેલાં જ તમે આ મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ પર ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તો પછી ચૂંટણી પછી મોંઘવારી કઇ મર્યાદાઓ ઓળંગશે એ વિચારવાયોગ્ય પ્રશ્ન છે. જનતા હિતનું ધ્યાન રાખીને સરકારની જવાબદારી અને ફરજ છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ અંકુશમાં રહે તે માટે જરૂરી પગલાં તાત્કાલિક ભરે નહીં તો પછી 2024ની ચૂંટણી આવી રહી છે જનતા જનાર્દને વિચારવું પડશે!
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.