આણંદ : શિક્ષણનગરી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ વલ્લભ વિદ્યાનગર એકાએક રાજકીય અખાડો બની ગયું છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયેલા ચારૂતર વિદ્યામંડળે અલગ ખાનગી યુનિવર્સિટી બનાવ્યા બાદ પોતાની ગ્રાન્ટેડ પાંચ કોલેજનો પણ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી છેડા ફાડતાં વિવાદ ઉભો થયો છે. આ વિવાદમાં વિદ્યાનગર પાલિકાએ પણ ઝંપલાવ્યું છે અને આ નિર્ણયનો વિરોધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારતાં હલચલ મચી ગઈ છે.
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની ગયા સપ્તાહે યોજાયેલી સિન્ડીકેટ બેઠકમાં સીવીએમની પાંચ ગ્રાન્ટેડ કોલેજ હોમ સાયન્સ, વીપી સાયન્સ, નલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બીજેવીએમનું એસપી યુનિવર્સિટી સાથે જોડાણ રદ કરવાનો ઠરાવ કરાયો હતો. જોકે, તેની સામે સિન્ડીકેટ સભ્યોએ વિરોધ કર્યો હતો. પરંતુ વાઇસ ચાન્સેલરે તે મંજુર રાખ્યો નહતો. જોકે, આ વિવાદમાં હવે વિદ્યાનગર પાલિકાએ ઝંપલાવ્યું છે. પાલીકાના પ્રમુખ પ્રકાશ માછીએ જણાવ્યું હતું કે, પાલિકા હંમેશા પ્રજા હિતમાં કામ કરે છે. પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જે પાલિકાની ફરજ છે. માટે સીવીએમની પાંચ ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીમાં ભેળવવાનો વિરોધ કરી રહ્યાં છીએ.
આ વિરોધમાં વિદ્યાનગર પાલીકાએ જાહેરમાં જણાવ્યું હતું કે, ચારૂતર વિદ્યા મંડળના તત્કાલિન ચેરમેન સી.એલ. પટેલે લગભગ 25 વર્ષ સુધી મંડળમાં સમાજના તમામ વર્ગોને સાથે રાખીને સુચારૂ સંચાલન કર્યું હતું. તેઓએ ભુતકાળમાં ડીસ્ડ યુનિવર્સિટી સ્થાપવાની યોજના બનાવી હતી. પરંતુ આગેવાનો અને શિક્ષણવિદ્દોએ સમજાવતાં તેઓએ વિચાર પડતો મુક્યો હતો. પરંતુ ચારૂતર વિદ્યામંડળે ગત વર્ષે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી મંડળની તમામ સેલ્ફ ફાયનાન્સ કોલેજોને અલગ કરી અને સીવીએમ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ સમયે મંડળના વહીવટ કર્તા આગેવાનોએ વચન આપ્યું હતું કે, રાજ્ય સરકાર તથા યુજીસી અનુદાન (ગ્રાન્ટ)થી ચાલતી કોલેજોને આર્થિક રીતે નબલા અને ગરીબ વિદ્યાર્થીઓને ધ્યાને રાખી પ્રાયવેટ યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવશે નહીં.
આ નિર્ણય સમાજના હિતમાં લેવામાં આવ્યો હતો. પરંતુ હાલ સીવીએમ સંસ્થાની ગ્રાન્ટેડ કોલેજોને પણ ખાનગી યુનિવર્સિટીમાં જોડવામાં આવશે. તેવો નિર્ણય સંસ્થાએ લીધો છે. આ બાબતે મંડળના સ્થાપકો, ચરોતરના રહિશો, સંસ્થાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓમાં નારાજગી હોવા છતાં નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી સંસ્થા પર પણ આર્થીક બોજો પડશે અને સમાજના ગરીબ અને મધ્યવર્ગના માતા – પિતા પોતાના બાળકોની અસહ્ય ફી ભરવા મજબુર બનશે. આ બાબતનું પાલન નહીં થાયો તસમાજના તમામ વર્ગોનો સાથ – સહકાર લઇ ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.