SURAT

સુરતના રહીશોને 24 કલાક પાણી મળી રહે તે માટે મનપાએ લીધો આ મહત્વનો નિર્ણય

સુરત(Surat) : મનપા (SMC) દ્વારા મોટા વરાછા ઇન્ટેકવેલથી કોસાડ સ્થિત 212 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Water Treatment Plant) સુધી ટ્રાન્સમિશન લાઇન નાખવાના કામના અંદાજને શનિવારે મંજૂરી આપવામાં આવી હતી. 9.55 કિમી લાંબા રૂટ પર આશરે 64.87 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. મોટા વરાછામાં 360 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી મોટા વરાછા અને ઉત્રાણ વિસ્તારને 24 કલાક પાણી પુરું પાડવામાં પાડવામાં આવશે.

  • સુરત મનપા 64.78 કરોડના ખર્ચે 9.55 કિ.મી. લાંબા રૂટ પર પાણીની લાઈન નાંખશે
  • મોટાવરાછામાં 360 એમએલડી અને કોસાડમાં 212 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી વરાછા, રાંદેર અને અઠવા ઝોનમાં પાણી અપાશે
  • ખજોદ, આભવા, ભીમપોર જેવા છેવાડાના ગામોને પણ 24 કલાક પાણી મળતું થશે

કોસાડના 212 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી અઠવા અને રાંદેર ઝોનને પાણી સપ્લાય મળશે. જેમાં અઠવા ઝોનમાં આભવા, ખજોદ, ભીમપોર, સુલતાનાબાદ, સરસાણા, ભીમરાડ, ભરથાણ વેસુ, રુંઢ, મગદલ્લા, ગવિયર, વાંટા, ડુમસ અને રાંદેર ઝોનમાં પાલ પાલનપુર વિસ્તારમાં 24 બાય 7ના ધોરણે પાણી સપ્લાય મળશે. એટલે કે સાત દિવસ અને 24 કલાક સુધી પાણી મળશે. આ પ્રોજેક્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 15 માં નાણા પંચ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આર્થિક સહાય મળશે તેમ પાણી સમિતિના ચેરમેન રાકેશ માળીએ જણાવ્યું હતું.

કોઝવેના એપ્રોન રીપેરિંગ માટે પીએમસી નિયુક્ત કરવાનો અંદાજ મંજૂર
વીયર કમ કોઝવેના સિંગણપોર તરફની ગાર્ડનની દિવાલને અડીને બનેલા લોન્ચિંગ એપ્રોન બ્લોકને વધુ મજબુત બનાવવા માટે કુલ 11.46 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ નક્કી કરાયો હતો. કારણ કે, પાણીના મારને કારણે આ એપ્રોન બ્લોક નબળો પડ્યો હોવાનો રિપોર્ટ મળ્યો હતો. પરંતુ જે-તે સમયે આ પ્રોજેક્ટમાં કેટલીક ટેક્નિકલી ગૂંચ દૂર કરવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટ્ન્સી નિયુક્તિની સલાહ આપવામાં આવી હતી. જેથી હવે આ પ્રોજેક્ની કુલ કોસ્ટના 1.33 ટકા લેખે એટલે 15.24 લાખના ખર્ચે ગ્રીન ડિઝાઇન એજન્સીને કામ સોંપવાનું નક્કી કરાયું છે જે માટેના અંદાજ આજે પાણી સમિતિમાં મંજૂર કરાયા હતા. કોઝવેને ફ્લડ વખતે હાઇડ્રોલિક જમ્પની સ્થિતિથી થતા નુકસાનને નિવારવા વીયરના ડાઉન સ્ટ્રીમમાં લોન્ચિંગ એપ્રોન મદદરૂપ સાબિત થાય છે.

Most Popular

To Top