Madhya Gujarat

આણંદમાં બ્રિજ તૂટવા મુદ્દે પાલિકા–દાંડી માર્ગ સામસામે

આણંદ : આણંદ શહેરમાંથી પસાર થતાં દાંડી માર્ગ પર કરોડોના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનો કેટલોક ભાગ મંગળવારના રોજ તુટી પડતાં ભારે હોહામચી ગઇ છે. બ્રિજના આણંદ તરફના છેડાના રેમ્પ નીચે જ પાણીની લાઇન જતી હતી. જે તૂટી જવાના કારણે આ ઘટના સર્જાઇ હતી. જોકે, તેની જવાબદારીમાંથી કોન્ટ્રાક્ટર અને પાલિકા છટકી રહી છે. આ અંગે કલેક્ટરે પણ ગંભીરતાથી લઇ રિપોર્ટ મંગાવ્યો છે. આ ઉપરાંત સમગ્ર મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ ભાજપને ભીંસમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આણંદ શહેરની બોરસદ ચોકડી પર બની રહેલા રેલવે ઓવરબ્રિજ નીચેથી જ પાણીની પાઇપ લાઇન પસાર થઇ રહી હતી. તેના પર જ કોન્ટ્રાક્ટર દ્વારા આણંદ તરફનો રેમ્પ બનાવી દેવામાં આવ્યો હતો. હજારો ટન માટી પાથરી દેવામાં આવી હતી. જોકે, આ માટીના દબાણના પગલે મંગળવારની વ્હેલી સવારે લાઇન તુટી હતી અને હજારો લીટર પાણી ધસમસતુ નિકળ્યું હતું. જેના કારણે માટી ધોવાતા બ્રિજની દિવાલ માટે બનાવેલા બ્લોકનો ભાગ મોડી સાંજે ધડાકાભેર તુટી પડ્યો હતો. આ ઘટનાના ઘરે પડઘા પડ્યાં હતાં. લોકોએ સમગ્ર કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યાં હતાં. પરંતુ આ મામલો કોન્ટ્રાક્ટર અને પાલિકાની ગંભીર બેદરકારીનો હોવાનું જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે. જોકે, આ ઘટનાની જવાબદારી કોની ? તે બાબતે પાલિકા અને કોન્ટ્રાક્ટર આમને સામને આવી ગયાં છે.

આ પ્રોજેક્ટના સુપરવાઇઝર સુધીર ઘાટેએ જણાવ્યું હતું કે, બ્રિજ નીચેની પાઇપ લાઇન ખસેડવા અંગે છેલ્લા કેટલાય સમયથી પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. અનેક વખત માગણી કરવા છતાં પાલિકા દ્વારા લાઇન ખસેડવામાં આવી નહતી. આમ છતાં આ લાઇન ખસેડવા માટે નવી પાઇપ લાઇનનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. જે આગામી સપ્તાહમાં આવશે. જે આવ્યા બાદ લાઇન બદલવાની હતી. પરંતુ તે પહેલા આ ઘટના સર્જાઇ છે.

આણંદ પાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, સરકારના નિયમ મુજબ જ્યાં સુધી પાલિકાની યુટીલીટી ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી કામ શરૂ કરી શકાતું નથી. દાંડી વિભાગ દ્વારા નીચે પાઇપ હોવા છતાં કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે ગંભીર બાબત છે. આ અંગે દાંડી વિભાગને નોટીસ પણ આપવામાં આવી છે. ખરેખર દાંડી વિભાગ દ્વારા પાલિકાને ફંડ આપ્યા બાદ ટેન્ડરીંગ કરી લાઇન સીફ્ટ કરવાની હોય છે. પરંતુ તેઓ પોતાની એજન્સી દ્વારા જ કામ કરવા માંગતા હતાં. હાલ તેઓએ પાઇપ મંગાવી લીધી છે અને તેઓ કામગીરી કરશે.

ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું
આણંદની બોરસદ ચોકડી પર પોણા ભાગના શહેરને પાણી પહોંચાડતી લાઇન તુટી પડી હતી. જેના કારણે મોટા ભાગના વિસ્તારમાં બીજા દિવસે પણ પાણીનો પુરવઠો પહોંચી શક્યો નહતો. આથી, પાલિકા દ્વારા ટેન્કર દોડાવવામાં આવી હતી. બુધવાર સાંજ સુધી 200 ઉપરાંત ટેન્કરતી બોરસદ ચોકડી, ગણેશ ચોકડી, લોટીયા ભાગોળ, નાનુ અડધ, મોટુ અડધ, ચોપાટા વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવ્યું હતું. જે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું.

Most Popular

To Top