રાજ્યમાં (Gujarat) આજે રસીકરણના (Vaccination) બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. જેમાં કુલ 752 કેન્દ્રો ઉપર 54825 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યભરમાં આજે રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો હતો. જેમાં હેલ્થ વર્કર (Health Workers) સિવાય ફ્રન્ટલાઈન વર્કરોને પણ રસીકરણમાં આવરી લેવાયા છે. જેમાં રાજ્યના ત્રણ મ્યુનિસિપલ કમિશનર, 19 કલેકટર, (Collector) 11 જિલ્લાના વિકાસ અધિકારીઓ અને 23 જિલ્લા પોલીસ વડા દ્વારા રસી લેવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ રસી લીધી હતી. અમદાવાદ ખાતે શહેર પોલીસ કમિશનર, અમદાવાદ શહેર કલેકટર સહિત અનેક કર્મચારીઓએ રસી લીધી હતી. સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધી પાની, સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અને સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર સહિતના મોટા અધિકારીઓએ વેક્સિનનો ડોઝ લીધો હતો.
ગાંધીનગરમાં પોલીસ વડા આશિષ ભાટિયા એ પ્રથમ વેક્સિન લઈને શરૂઆત કરી છે. અમદાવાદ પોલીસને સિવિલ હોસ્પિટલમાં વેક્સિન આપવાની શરૂઆત કરી દેવાઈ છે. અમદાવાદ સિવિલ સંકુલના મંજુશ્રી કમ્પાઉન્ડમાં આવેલી આંખની હોસ્પિટલમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
વેક્સિન લીધા બાદ સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે ગુજરાતમિત્રના પત્રકાર સાથે વાતચીત કરતાં કહ્યું કે, વેક્સિન સંપૂર્ણ રોગપ્રતિકારક અને અસરકારક છે જેની કોઇ ખાસ આડઅસર નથી. આજે મે અને જિલ્લા વિકાસ અધિકારીએ સાથે વેક્સિન લીધી છે અને સુરતના તમામ લોકોને પોતાનો વારો આવે તો તેમને વેક્સિન લેવી જ જોઇએ.
એ જ રીતે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધી પાનીએ પણ વેક્સિન લેવા માટે શહેરીજનોને આગળ આવવાં અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મે હમણાં જ વેક્સિનનો ડોઝ લીધો છે અને તે સંપૂર્ણ સ્વસ્થ છે. વેક્સિનની કોઇ આડઅસર નથી અને તે સંપૂર્ણ રોગપ્રતિકારક છે. કમિશ્નર બંછાનિધી પાનીએ એસએસીના તમામ આરોગ્ય કર્મચારીઓને પોતાનો વારો આવવાં પર રસી લેવા માટે કહ્યું છે.
વડોદરા શહેરમાં વેક્સિનેશન અભિયાન અંતર્ગત આરોગ્ય અને પોલીસ સહિતના વિવિધ વિભાગોના મોખરાના કોરોના લડવૈયાઓને રસી મૂકવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં આજે 4 કેન્દ્રોમાં 330 લોકોને રસી મૂકવામાં આવી હતી. વડોદરા જિલ્લાની 11 સરકારી અને ખાનગી તબીબી સંસ્થાઓ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈનના માર્ગદર્શન હેઠળ રસી મુકવામાં આવી હતી.