મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવેની જમીન સંપાદનમાં વળતર મુદ્દે છેતરપિંડી, મામલતદારની ખોટી સહી કરી કરોડોની ઉચાપત

નવસારી : મુંબઈ-વડોદરા (Mumbai-Vadodara) એક્સપ્રેસ હાઇવેના (Express Highway) જમીન સંપાદનના વળતર બાબતે થયેલી છેતરપિંડી (Fraud) મામલે ખૂંધ ગામના જમીન માલિકે નાયબ કલેક્ટર, ચીખલી પ્રાંત, ક્લાર્ક, આલીપોર તલાટી અને બરોલીયા સરપંચ સહિત 13 લોકો સામે નવસારી જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે.

ખૂંધ ગામના જમીન માલિક દીપક પટેલે જિલ્લા પોલીસ વડાને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, ખૂંધની મિલકતમાં ખેતી કરી 70 વર્ષથી પરિવારનું ભરણપોષણ કરે છે. ખૂંધની ખાતા નં. 60, સર્વે નં. 332/2-3, બ્લોક નં. 663 મિલકતની ખરીદ કિંમત નક્કી કરવા કૃષિપંચ મામલતદાર સમક્ષ અરજી કરી હતી. જે મિલકતની ખરીદ કિંમત નક્કી કરી અને જે ભરપાઈ થતા પ્રમાણપત્ર એનાયત કરી રકમ ભરપાઈ થતા દિપકભાઇના વડવાને ખરીદીનું પ્રમાણપત્ર એનાયત થયું હતું.

રેકર્ડમાં થયેલી ચૂકનો ગેરફાયદો લઈ સંપાદન હેઠળ 1,27,35,226 રૂપિયાની ઉચાપત કરવા ષડયંત્ર બનાવ્યું હોવાના આક્ષેપ
દીપકભાઈના વડવાઓ ભગ મંગા અને ઝીણા સોમાના નામ 7/12 ની નકલમાં ચઢતા મૂળ માલિક ઇસપ મુસા મટવાડિયાનું નામ દૂર થયું હતું. ગામમાં એકત્રીકરણ યોજનાના રેકર્ડ દફ્તરે શરતચુક થતા મિલકતમાંથી દીપકભાઈના વડીલોના નામો દૂર થઈ ગયા હતા અને મૂળ જમીન માલિકનું નામ રેકર્ડ દફ્તરે દાખલ થયું હતું. પરંતુ તે સમયે એકત્રીકરણના તખ્તામાં મિલકતોના સર્વે નંબર નોંધણી તથા ક્ષેત્રફળમાં શરતચુક થઈ છે. જે રેકર્ડમાં થયેલી ચૂકનો ગેરફાયદો લઈ મોહમદ અહમદ સલીમ અને તેના કુલમુખત્યારોએ મુંબઈ-વડોદરા એક્સપ્રેસ-વે ના સંપાદન હેઠળ 1,27,35,226 રૂપિયાની ઉચાપત કરવા ષડયંત્ર બનાવી પ્રાંત અધિકારી સાથે વલી પટેલ સાથે મેલાપીપણું કરીને ઉચાપત કરી હોવાના આક્ષેપો કર્યા હતા.

ઇસમે ખોટા પુરાવા ઉભા કરી ચીખલી નાયબ કલેક્ટર સમક્ષ અપીલ કરી નોંધ નામંજૂર કરાવી
જેની મિલકત સાથે કોઈ લેવા દેવા નથી તે મુસા મટવાડિયાના ખરા વારસદારો નહીં હોવા છતાં ખોટા પુરાવા ઉભા કરી નોંધ નં. 6466 વિરૂદ્ધ ચીખલી નાયબ કલેક્ટર સમક્ષ અપીલ કરી નોંધ નામંજૂર કરાવી હતી. પરંતુ શુદ્ધિ હુકમ કરાવ્યા બાદ તુરંત વરસાઇની નોંધ રેકર્ડ દફ્તરે કાચી પડી ગઈ અને વળતરની રકમ કોઈ ત્રાહિત પક્ષકાર ઉચાપત કરી ઉપાડી ન લે તે માટે પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી. તેના પગલાં રૂપ શુદ્ધિ હુકમની નોંધ નાયબ કલેક્ટરે નામંજૂર કરતા નવસારી કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી કરી હતી. જેની પ્રથમ સુનાવણીમાં મિલકત સાથે લેવા દેવા નહીં તેવા ઈસમોએ હાજર થઈ પોતે વળતરની રકમ ઉપાડી લીધેલાની કબૂલાત કરી હતી અને રેકર્ડ ઉપર વધુ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે કલેક્ટરે રેકર્ડ કોઈપણ ફેરફાર ન થવા માટે મનાઈ હુકમ કર્યો હતો.

નાયબ કલેક્ટર, ચીખલી પ્રાંત, ક્લાર્ક, આલીપોર તલાટી અને બરોલીયા સરપંચ સહિત 13 સામે ફરિયાદ
ગત 23મી ફેબ્રુઆરી 2021માં દીપકભાઈએ પ્રાંત કચેરીમાં જઇ તપાસ કરતા મહમદ અહમદ સલીમ, ઇલ્યાસ મુલ્લા, ઇબ્રાહિમ લોરગત અને મહેશ પટેલે એકબીજાના મેલાપીપણામાં વળતરની રકમની ઉચાપત કરી લીધી હતી. ઈસમ મુસા મટવાડિયાના વારસો હોવાનો દાવો કરી ફ્રોડ ઈસમ મોહમદ અહમદ સલીમ સીદાતના ફ્રોડ વારસદાર ઇલ્યાસ ઇસ્માઇલ મુલ્લાએ વળતરની રકમ મેળવવા માટે અરજી કરી હતી. જ્યાં પાવરદાર ઇલ્યાસ મુલ્લાએ ફ્રોડ પેઢીનામું આલીપોર તલાટી કમ મંત્રી ખુશ્બુબેન પટેલે બનાવી પેઢીનામામાં ગામના રહીશો માસૂમ અહમદ, સલીમ અબ્દુલ, ઐયુબ આકુજીએ ખોટી સાક્ષી આપી ખોટું પેઢીનામું બનાવવામાં મદદગારી કરી છે. ઐયુબ આકુજી સીદાત જે આલીપોરના રહેવાસી પણ નથી તથા ઇલ્યાસ ઇસ્માઇલ મુલ્લાએ બનાવટી મરણ દાખલાઓ ઈસમ મુસા, ફાટમા, અહમદ સલીમ, ખતીજા અને આઇશાબીબીના રજૂ કર્યા હતા. જે તમામ દાખલાઓ બનાવટી છે. કન્સલ્ટન્ટ લેટર વળતરની રકમની ચુકવણી બાદ સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરી વળતરની રકમ મેળવવા કરેલક સોગંધનામામાં મિલકત જે ગામમાં આવેલાનું વર્ણન ખોટું છે. અને 67,35,226 રૂપિયા ઇબ્રાહિત લોરગતના બેન્ક ખાતામાં જમા થયા તે રકમની ઉચાપત થઈ છે. જેમાં પ્રાંત અધિકારી અને ક્લાર્ક વળવીએ પણ રકમની ઉચાપત કરી હોવાના આક્ષેપો કર્યા હતા. તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઇલ્યાસ મુલ્લાએ ચીખલી મામલતદારના ખોટા સહી સિક્કા કરી રકમની ઉચાપત કરી
ઇલ્યાસ મુલ્લાએ ચીખલી મામલતદારના ખોટા સહી સિક્કા કરી રકમની ઉચાપત કરી છે. તેમજ તેમણે આલીપોરની ખાતા નં. 29, બ્લોક નં. 2040 માં પણ ખોટા ડોક્યુમેન્ટ બનાવી વારસાઈ કરી ખોટા મરણના દાખલા અને બોગસ પાવર બનાવી મોહમદ ઇસ્માઇલ સીદાત નામના ઇસમને વારસદાર તરીકે ઉભો કર્યો છે. જ્યારે ચીખલી પ્રાંત ડી.ડી. જોગીયાએ અપીલ હુકમ પહેલા જ મહમદ સલીમ અને ઇલ્યાસ મુલ્લાને કન્સલ્ટ લેટર બનાવી મોકલી દીધા હતા. એ.એ. શેખ અને જફર શેખ ઘણા ખેડૂતો સાથે કપટ કરી વળતરની રકમ પણ ઉપાડવામાં મદદ કરી છે. તેઓએ રેવન્યુ કેસ બાદ કલેક્ટર કચેરીમાં જમીન બાબતે કેસ પાછો ખેંચી લેવા જણાવ્યું હતું.

Most Popular

To Top