મુંબઈ: (Mumbai) મુંબઈમાં રવિવારે ભારે વરસાદના (Heavy Rain) એક દિવસ પછી સોમવારે સવારે વરસાદની તીવ્રતા થોડા સમય માટે ઓછી થઈ હતી. પરંતુ, દિવસ દરમિયાન ફરી વરસાદે જોર પકડ્યું હતું. જેના કારણે કેટલાક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા અને મધ્ય રેલવે માર્ગે લોકલ ટ્રેન (Local Train) સેવાઓ ખોરવાઈ હતી. રવિવારે વરસાદને લગતી ઘટનાઓમાં મહાનગરમાં 30 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં ચેમ્બુરના માહુલ વિસ્તારમાં ભૂસ્ખલન બાદ કેટલાક મકાનોની દીવાલ તૂટી પડતાં મૃત્યુ પામેલા 19 લોકોનો સમાવેશ થાય છે. બીએમસીના અધિકારીએ જણાવ્યું છે કે, સોમવારે કોઈ નવા મૃત્યુની જાણ થઈ નથી.
મુંબઈમાં સોમવારે સવારે થોડી રાહત બાદ વરસાદે દિવસ દરમિયાન ફરીથી જોર પકડ્યું હતું. સેન્ટ્રલ રેલવેના મુખ્ય પ્રવક્તા શિવાજી સુતરે જણાવ્યું હતું કે, નજીકના થાણે જિલ્લાના કલવા અને મુંબ્રા સ્ટેશનો વચ્ચેના ટ્રેક ઉપર પાણી ભરવાના કારણે સોમવારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. આ સેવાઓ બપોરે 3.35 વાગ્યે ફરી શરૂ કરવામાં આવી હતી.
સુતરે જણાવ્યું હતું કે, પરા વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે વહેલી સવારે વિકરોલી અને ભંડુપ રેલ વિભાગ વચ્ચે પાણીનો ભરાવો થઈ ગયો હતો. જેથી, સાવચેતીના પગલા તરીકે આ વિભાગમાં મુખ્ય લાઇનની ઉપનગરીય ટ્રેન સેવા સવારે 10.35થી સવારે 10.50 સુધી સ્થગિત કરવામાં આવી હતી.
બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈના પૂર્વ પરામાં સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થતાં 24 કલાકના સમયગાળામાં સૌથી વધુ 90.65 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે, દ્વીપ શહેરમાં 48.88 મીમી વરસાદ અને પશ્ચિમ પરામાં 51.89 મીમી વરસાદ થયો હતો.
ભારતીય હવામાન વિભાગે (આઇએમડી)એ સોમવારે બપોરે મુંબઈ અને કોંકણ ક્ષેત્રના અન્ય જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યું હતું. જ્યાં આગામી 24 કલાકમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવારના રોજ પડેલા આ ભારે વરસાદને કારણે 09578 જામનગર-તિરૂવનવેલીને વલસાડમાં અટકાવવી પડી હતી. આ ઉપરાંત કચ્છ એક્સપ્રેસને પણ વલસાડમાં રોકવી પડી છે. જ્યારે 02954 મુંબઇ એકસ્પ્રેસને અતુલ ખાતે રોકવી પડી હતી. રાત્રિના સાડા સાત વાગ્યાના સુમારે આ ટ્રેન રોકવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગર બાંદ્રા, રાણકપુર એકસ્પ્રેસ તે દહાણુ પર રોકવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. એકવીસ ટ્રેનોને અપ લાઇન પર દહાણુ રોડ, વલસાડ, ઘોલવડ, ઉમરગામ, બોઇસર, અંધેરી બોરીવલી ખાતે રોકવામાં આવી હતી. સુરત રેલવે એઆરઓ દિનેશ વર્માએ જણાવ્યું કે તેઓ સ્ટેશન પર મોટા ભાગની ટ્રેનો અડધા કલાકથી દોઢ કલાક મોડી ચાલી રહી છે તેઓ પેસેન્જરને સતત આ મામલે એનાઉન્સ કરીને વાકેફ કર્યા છે.