મુંબઈ: (Mumbai) ચોમાસાના (Monsoon) પહેલા જ વરસાદમાં (Rain) મુંબઈ પાણી પાણી થઈ ગયું છે. રસ્તાઓ ડૂબી જતા ભારે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયા હતાં. ઘણી ટ્રેનો ટ્રેક ઉપર પાણી ભરાવાના કારણે મોડી દોડી રહી છે, જ્યારે ઘણી ટ્રેનોના પૈડાં બંધ થયા છે. ભારત વિજ્ઞાન હવામાન વિભાગ (આઇએમડી) ના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક સુધી મુંબઈમાં આજ રીતે ભારે વરસાદ પડશે. મુંબઈમાં હાઇ ટાઇડની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. બીએમસી (BMC) અને પોલીસ વિભાગના કર્મચારી રસ્તા પર તહેનાત કરવામાં આવ્યા છે. વર્કિંગ દિવસ હોવાને કારણે લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી થઈ રહી છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ડૉ. જયંતા સરકારે દાવો કર્યો છે કે મુંબઈમાં બુધવારથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે 10થી 12 જૂન સુધી મુંબઈમાં ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ આ વખતે સમય કરતાં પહેલાં ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે. મુંબઈમાં બુધવાર સવારથી શરૂ થયેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુંબઈના બાંદ્રા, ચેમ્બુર, સાયન જેવા વિસ્તારો પાણીમાં ડૂબાડૂબ છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ થયેલો જોવા મળી રહ્યો છે.
મુંબઈમાં ભારે વરસાદના પગલે સાયન રેલવે સ્ટેશન અને જીટીબી નગર રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. સુરક્ષા કારણોસર મુંબઈ લોકલ ટ્રેન સેવાઓ કુર્લા અને સીએસએમટી વચ્ચે રોકવામાં આવી છે. ટ્રેક પર પાણી ઓછા થયા પછી લોકલ ટ્રેન સર્વિસ ફરીથી શરૂ કરાશે. ટ્રેનો બંધ થવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. જોકે ચોમાસુ શરૂ થતાંજ મુંબઈવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. મુંબઈગરાઓને ગરમીથી રાહત મળી છે. વાતાવરણ પણ ખુશ્નુમા બન્યું છે. પરંતુ સાથેજ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
હવામાન ખાતાએ અનેક રાજ્યોમાં યલો અલર્ટ જાહેર કર્યુ છે. 11 જૂન સુધીમાં મોનસૂન મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં પહોંચી જશે. ઉપરાંત તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં પણ મોનસૂન પહોંચી જશે. જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં 13 જૂન સુધીમાં ચોમાસુ શરૂ થાય તેવી સંભાવના છે.