એક જમાનામાં ગુનાઓ ઉકેલવામાં જે પોલીસની સરખામણી વિશ્વની નંબર 1 સ્કોટ્લેન્ડયાર્ડ પોલીસ સાથે થતી હોય એવી મુંબઈ પોલીસની ‘વોલ ઑફ ફેમ’ પર લટકાવવામાં આવેલી છેલ્લી 3 તસવીરોમાંથી 2 મહાનિર્દેશક (DG) રેન્કના IPS અધિકારીઓ પરમબીર સિંહ અને સંજય પાંડેની છે, જેઓ ખંડણી અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપોની તપાસના સ્કૅનરમાં આવી ચૂક્યા છે! આ એ જ મુંબઈ પોલીસ છે, જેણે દેશ અને મુંબઈ પર થયેલા પહેલા ટેરર એટેક 1993ના શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકા કેસને ત્રીજા દિવસે જ ઉકેલી નાખ્યો હતો, આ એ જ પોલીસ છે જેણે મુંબઈમાંથી અંડરવર્લ્ડનો ખાત્મો બોલાવી દીધો હતો, આ એ જ પોલીસ છે જેના જાંબાઝ જવાનો હથિયારો વગર પાકિસ્તાની ટેરરિસ્ટ સામે લડ્યા હતા, જેના એક નાનકડા કોન્સ્ટેબલ તુકારામ ઓમ્બળેએ પાકિસ્તાની ટેરરિસ્ટ અજમલ કસાબની ગોળીઓ સામી છાતીએ ઝીલી લીધી હતી પણ તેને છોડ્યો નહતો. આવા તો કેટલાય દાખલાઓ ગર્વભેર આપી શકાય એમ છે, પણ છેલ્લા થોડા વર્ષોમાં ‘રાજકીય દખલગીરી’ ને કારણે ધોઈ શકાય નહીં એવા ડાઘ ભારતની ‘સ્કોટલેન્ડ યાર્ડ’ની વર્દીને લાગ્યા છે.
એક સમય એવો હતો જ્યારે મહારાષ્ટ્રનું પોલીસદળ કાર્યક્ષમ અધિકારીઓ સાથે દેશના શ્રેષ્ઠ પોલીસ દળોમાંનું એક ગણાતું હતું પણ છેલ્લા થોડા વર્ષોમાં મુંબઈ પોલીસની પ્રતિષ્ઠા ગંભીર રીતે કલંકિત થઈ ગઈ છે. મુંબઈ પોલીસના બે આઉટગોઇંગ કમિશનર – પરમબીર સિંહ અને સંજય પાંડે, ADG રેન્કના અધિકારી રશ્મિ શુક્લા અને ડેપ્યુટી કમિશનર સૌરભ ત્રિપાઠી, એવા અધિકારીઓમાં સામેલ થઈ ચૂક્યા છે, જેમની વિરુદ્ધના વિવિધ ગુનાઓની હાલમાં તપાસ થઈ રહી છે!
એડિશનલ ડિરેક્ટર જનરલ રેન્કના IPS અધિકારી રશ્મિ શુક્લા સામે કથિત ગેરકાયદેસર ફોન ટેપિંગ મામલે તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર સૌરભ ત્રિપાઠી વિરુદ્ધ આંગડિયા પાસેથી બળજબરીથી વસૂલીના મામલે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે! મહારાષ્ટ્ર પોલીસના ભૂતપૂર્વ અધિકારીઓનું કહેવું છે કે – મુંબઈ પોલીસની પ્રતિષ્ઠા હવે સવાલોના દાયરામાં આવી ગઈ હોવા છતાં તેમાં કથિત રીતે સડો થવાની પ્રક્રિયા બે દાયકાથી વધુ સમયથી ચાલી રહી હતી. તેઓ મુખ્યત્વે પોલીસ દળમાં વધતી જતી રાજકીય દખલને જવાબદાર માને છે. તેઓ એમ પણ કહે છે કે આ સિવાય રાજધાની મુંબઈનું ગ્લેમર અને પૈસાની રેલમછેલના કારણે ખાખીને ડાઘ લાગ્યા છે.
તાજેતરની વાત કરીએ તો, 2021માં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકથી મળેલા વિસ્ફોટકોના કેસમાં એક જમાનાના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા અને સચિન વાઝેના નામ વિવાદમાં આવ્યા હતા. આ કેસમાં આ બંને ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટની રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની ભૂતપૂર્વ મહા વિકાસ આઘાડી સરકારે શરૂઆતમાં શિવસેનાના ભૂતપૂર્વ સભ્ય સચિન વાઝેને બચાવવા માટે ધમપછાડા કર્યા હતા. જો કે, પાછળથી તેને સસ્પેન્ડ કરી દીધો હતો અને ત્યાર પછી પરમબીર સિંહને મુંબઈના પોલીસ કમિશનર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. સરકારના આવા પગલાથી ઘાયલ થયેલા પરમબીરે તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે ખંડણી અને રાજકીય દખલગીરીના આરોપો મૂક્યા હતા! જે પાછળથી તેમની સામે હાથ ધરવામાં આવેલી તપાસનો આધાર બન્યો હતો. ઉપરાંત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
તે પછી પરમબીર સિંહે તેમની જ પોલીસે તેમની વિરુદ્ધ નોંધેલા બળજબરીથી વસૂલીના ઘણા કેસોનો સામનો કરવો પડી રહ્યો છે. અલબત્ત, મહારાષ્ટ્ર પોલીસ એક રીતે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર અને BJPની કેન્દ્ર સરકાર વચ્ચે પ્રોક્સીવોરમાં પીસાઈ ગઈ છે! 3 દાયકાથી વધુ સમયથી મહારાષ્ટ્ર પોલીસનો હિસ્સો રહેલા પરમબીરે સુપ્રીમ કોર્ટમાં એવું જણાવ્યું હતું કે, તેમને હવે મુંબઈ પોલીસદળમાં કોઈ વિશ્વાસ રહ્યો નથી. તે એક નેરેટિવ હતું, જે મહાવિકાસ અઘાડી સામે BJPના આરોપને સમર્થન આપતું હતું.
આ ઉપરાંત તત્કાલીન વિપક્ષના નેતા BJPના દેવેન્દ્ર ફડણવીસે પોલીસ બદલીઓમાં ભ્રષ્ટાચાર અંગે IPS અધિકારી રશ્મિ શુક્લા દ્વારા તૈયાર કરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ અહેવાલને દબાવવા માટે મહાવિકાસ અઘાડી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્ર પોલીસે શુક્લા સામે કથિત ગેરકાયદે ફોન ટેપિંગનો કેસ નોંધી દીધો હતો! મતલબ કે, રાજકીય કિન્નાખોરીનો ભોગ અધિકારીઓ બનતા રહ્યા છે. કાર્યવાહક પોલીસ મહાનિર્દેશક તરીકે IPS અધિકારી સંજય પાંડેએ પરમબીર વિરુદ્ધ FIR નોંધવામાં અને શુક્લા વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સંજય પાંડે ‘ઠાકરે’ વહીવટીતંત્ર દ્વારા મુંબઈ પોલીસ વડા તરીકે નિયુક્ત થયા તે પહેલાં બોમ્બે હાઈકોર્ટે પણ તેમને મહાવિકાસ અઘાડી સરકારના મનપસંદ અધિકારી કહી દીધા હતા.
સંજય પાંડે હવે નિવૃત્તિ બાદ NSE કો-લોકેશન કૌભાંડના સંબંધમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે! 30 જૂનના રોજ મુંબઈ પોલીસ વડા તરીકે નિવૃત્ત થયેલા સંજય પાંડેની જુલાઈની શરૂઆતમાં EDએ નેશનલ સ્ટોક એક્સચેંજના કર્મચારીઓના ફોન ટેપ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી, જેના સંદર્ભમાં ED માને છે કે આ મામલો શંકાસ્પદ મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત હોઈ શકે છે. મતલબ કે, આ અધિકારીઓ કેન્દ્રની BJP સરકાર અને રાજ્યની ઉદ્ધવ સરકારની ચડસાચડસીનો ભોગ બનતા રહ્યા છે!
નિવૃત્ત અધિકારી એમ.એન સિંહનું પણ કહેવું એવું જ છે. તેઓ કહે છે, હવે એક અધિકારી રાજકારણીની માગણીઓ ત્યાં સુધી પૂરી કરતો રહે છે, જ્યાં સુધી તેના નાક નીચે પાણી ન આવી જાય. પરમબીર કેમ ફૂટી પડ્યા? આ જ કારણ! કેમ કે તેઓએ ખુદને એક મુશ્કેલ પરિસ્થિતિમાં અટવાતા જોઈ! તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. તેઓએ વધુમાં કહ્યું, પરમબીર પાસે છુપાવવા માટે ઘણું બધું હોઈ શકે છે પરંતુ રાજકીય વર્ગ દ્વારા બળજબરીથી વસૂલીની જે વાત તેમણે કરી એને ફગાવી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું કે, તપાસ એજન્સીઓએ એ પણ ખુલાસો કરવાની જરૂર છે કે વિસ્ફોટકોથી ભરેલી કાર એન્ટિલિયાની બહાર શા માટે પાર્ક કરવામાં આવી હતી? અને રશ્મિ શુક્લા જ્યારે રાજ્યના ગુનાહિત ગુપ્તચર વિભાગના વડા હતા ત્યારે તેમણે આપેલા અહેવાલમાં જે તથ્યો બહાર આવ્યા હતા તે પણ પબ્લિશ કરવા જોઈએ.
આ વર્ષે માર્ચમાં જ શુક્લાએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવી એવું કહ્યું હતું કે તેમની સામે નોંધવામાં આવેલી ફરિયાદ માત્ર ‘તેમને હેરાન કરવાના ઈરાદાથી’ કરવામાં આવી હતી. પૂર્વ મુંબઈ પોલીસ વડા તેમજ મહારાષ્ટ્રના DGP તરીકે ફરજ બજાવી ચૂકેલા ડી. શિવાનંદનું કહેવું છે કે, છેલ્લા 3-4 વર્ષથી સડો વધ્યો છે, કારણ કે રાજકીય વ્યવસ્થા પોતે જ સડી ગઈ છે, પછી તે BJP-શિવસેના યુતિ હોય કે મહાવિકાસ અઘાડીની તિકડી હોય. અધિકારીઓનું સિલેક્શન હવે સરકાર કે વહીવટીતંત્રની પસંદગીથી નથી થતું, હવેના અધિકારીઓની પસંદગી રાજકીય આકાઓની સેવા કરવા માટેની તેમની ઉપયોગિતા મુજબ કરવામાં આવે છે. 2000 પછીનો પહેલો દસક એવો હતો, જ્યારે મુંબઈ પોલીસના ઘણા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયક, પ્રદીપ શર્મા અને સચિન વાઝેને અપ્રમાણસર મિલકતના આરોપમાં કથિત કસ્ટોડિયલ હત્યાઓના કેસમાં સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો હતો.
2020માં નિવૃત્ત થયેલા મુંબઈ પોલીસ વડા રાકેશ મારિયાએ તેમની આત્મકથામાં લખ્યું છે કે, કેવી રીતે વરિષ્ઠ IPS અધિકારી દેવેન ભારતીના કથિત રીતે એક TV ચેનલના માલિકો ઈન્દ્રાણી અને પીટર મુખર્જી સાથે એકબીજાને ‘તુકારે’ બોલાવવાના સંબંધ હતા. ઈન્દ્રાણી અને પીટર મુખર્જી પર તેમની પુત્રી શીના બોરાની હત્યાનો આરોપ હતો. મારિયાએ તેના પુસ્તકમાં એવો પણ દાવો કર્યો છે કે ભારતીએ તેને બોરાના ગુમ થવા અંગે જાણ કરી ન હતી. જો કે, તેઓને આ વિશે જાણ હતી. જો કે, ભારતીએ મારિયાના આ દાવાઓને ફગાવી દીધા હતા.
તે પછીના વર્ષે મુંબઈ પોલીસે દેવેન ભારતી પર ભારતીય પાસપોર્ટ અધિનિયમ હેઠળ છેતરપિંડી અને બનાવટનો આરોપ મૂક્યો હતો અને કથિત રૂપે એક પોલીસ અધિકારી પર BJPના નેતાની પત્ની વિરુદ્ધ કેસ ન કરવા માટે દબાણ કર્યું હતું. આ મામલે FIR પણ નોંધવામાં આવી હતી. એવું કહેવાય છે કે સ્કોટલેન્ડ યાર્ડ જેવી ગણાતી મહારાષ્ટ્ર પોલીસની ખાખી વર્દી પર પહેલો મોટો ડાઘ વર્ષ 2003માં લાગ્યો હતો, જયારે નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ ઝડપાયું હતું! આ કૌભાંડમાં છેતરપિંડી કરનારો મુખ્ય આરોપી અને બનાવાયેલું પ્યાદું અબ્દુલ કરીમ તેલગી હતો. મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર આર.એસ શર્માનું નામ આ કેસમાં આરોપી તરીકે ખૂલ્યું હતું!
શર્માને વર્ષ 2007માં પોલીસ સેવામાંથી છૂટા કરવામાં આવ્યા હતા. 2003માં આ મામલાની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી SITએ એવું પણ શોધી કાઢ્યું હતું કે કેટલાક પોલીસકર્મીઓએ અગાઉ તેલગીના કોલાબાના ઘરે પાર્ટી યોજી હતી. સ્ટેમ્પ પેપર કૌભાંડના કારણે મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહમંત્રી અને NCPના કદાવર નેતા છગન ભુજબળે ડિસેમ્બર, 2003માં રાજીનામું આપવું પડ્યું હતું. નેતાઓની મેલી મુરાદે દેશના એક જાંબાઝ પોલીસદળને ખતમ કરવાની જાણે ‘સુપારી’ લીધી હોય તેવી હાલત મુંબઈ પોલીસની થઈ ગઈ છે. છાશવારે તેના પોલીસ વડાઓની ગંભીર કેસોમાં સંડોવણીના આરોપ અને ધરપકડ થઈ રહી છે. મહારાષ્ટ્રની રાજનીતિ મુંબઈ પોલીસને ‘કઠપૂતળી’ બનાવીને તેના જોમ, જુસ્સાની ‘ઠંડે કલેજે’ કતલ કરી રહી છે!