મુંબઈ: (Mumbai) મુંબઈ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન (Bail) મળ્યા બાદ હવે ફેશન મોડલ મુનમુન ધામેચાને (Munmun Dhamecha) ક્રૂઝ નાર્કોટિક્સ કેસમાં જામીન મળ્યાના ત્રણ દિવસ બાદ રવિવારે અહીંની ભાયખલા મહિલા જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. ધામેચાની 3 ઓક્ટોબરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકૉર્ટે ગુરુવારે અભિનેતા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર અને સહ-આરોપી આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટની સાથે તેને જામીન આપ્યા હતા. શુક્રવારે બપોરે કૉર્ટે આદેશમાં આર્યન ખાન, મર્ચન્ટ અને ધામેચાના જામીન માટે 14 શરતો મૂકી હતી. સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શનિવારે મોડી સાંજે ભાયખલા જેલની બહાર જામીન પેટીમાં ધામેચાની મુક્તિનો આદેશ આપવામાં આવ્યો હતો.
ધામેચાના વકીલ અલી કાશિફ ખાને રવિવારે જણાવ્યું હતું કે, તેને તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. હવે અમે એનસીબી સમક્ષ એક અરજી દાખલ કરી રહ્યા છીએ અને તેણીને મધ્યપ્રદેશ જવાની પરવાનગી આપવા વિનંતી કરી રહ્યા છીએ. કારણ કે, તે મૂળ ત્યાંની છે. હાલમાં, સહ-આરોપી અરબાઝ મર્ચન્ટને હજુ છોડવામાં આવ્યો નથી. હાલ તે આર્થર રોડ જેલમાં બંધ છે.
બીજી તરફ આર્યન ખાન જેલમાંથી મુક્ત થઈ ઘરે પહોંચી ગયો છે. આર્યન ખાન આર્થર રોડ જેલમાંથી ઘરે આવ્યો પછી તરત જ પેરેન્ટ્સને ભેટીને રડી પડ્યો હતો. અબરામ પણ ભાઈને જોઈને ઘણો જ ખુશ થઈ ગયો હતો. જોકે, તેને એ ખ્યાલ નહોતો કે ઘરમાં કેમ બધા રડે છે. સુહાનાએ વીડિયો કોલથી ફોન પર વાત કરી હતી અને તેની આંખમાંથી અશ્રુઓ સરી પડ્યા હતા. આર્યન ખાનનો જન્મદિવસ 13 નવેમ્બરે છે. દીકરાનો જન્મદિવસ સેલિબ્રેટ કરીને શાહરુખ ખાન પોતાની ફિલ્મના શૂટિંગ શરૂ કરશે. શાહરુખ ખાન પહેલાં ડિરેક્ટર એટલીની ફિલ્મનું શૂટિંગ કરશે. ત્યારબાદ તે ‘પઠાન’ ફિલ્મનું શૂટિંગ સ્પેનમાં કરશે.
આર્યન ખાનના જામીન મંજૂર થતાં સુહાના ખાને સોશિયલ મીડિયામાં પિતા શાહરૂખ સાથે પોતાની અને આર્યનની નાનપણની તસવીરો શેર કરી હતી. સુહાના ખાન હાલમાં ન્યૂ યોર્કમાં છે. દરમ્યાન આર્યનના ઘરે આવવાની ખુશીમાં તેણે મિત્રો સાથે હેલોવીન પાર્ટી સેલિબ્રેટ કરી હતી. બીજી તરફ દીકરો ઘરે આવતા શાહરુખ-ગૌરીએ રાહતનો શ્વાસ લીધો છે. જણાવી દઈએ કે શાહરુખનો 2 નવેમ્બરે જન્મદિવસ છે. આ વર્ષે પણ શાહરુખ ખાન જન્મદિવસ ધામધૂમથી નહીં મનાવે. જોકે, શાહરુખ મન્નતની બહાર ઉભા રહેલા ચાહકોનું અભિવાદન કરશે.