Entertainment

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, સીરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન

મુંબઈ: (Mumbai) લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) માં નટુકાકાની (Natu Kaka) ભૂમિકા ભજવતા અભિનેતા ધનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. ઘનશ્યામ નાયક ((Ghanshyam Nayak) છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને કેન્સરની બીમારી હતી. નાયકે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. ઘનશ્યામ નાયક છેલ્લાં એક વર્ષથી કેન્સરની સારવાર કરાવતા હતા. કેન્સરની સારવારની વચ્ચે તેમણે સિરિયલનું શૂટિંગ કર્યું હતું.

 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના કલાકાર 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.

ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે, 1945ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયો હતો. તેમણે આશરે 100 જેટલાં નાટક અને 223 ચલચિત્રોમાં અભિનય કર્યો છે. ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેઓ નાનપણમાં શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવતા હતા અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું. તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા.

ઘનશ્યામ નાયકે થોડાં મહિના પહેલાં ગુજરાતની નેચરલ ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું. આ જાહેરાત ઘનશ્યામ નાયકની છેલ્લી જાહેરાત હતી. નટુકાકાએ છેલ્લીવાર કેમેરા સામે એક્ટિંગ કરી હતી. તારક મહેતા.. શોમાં નટુકાકાનું પાત્ર ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકને ગયા વર્ષે કેન્સર થયું હતું. તેઓ દોઢ વર્ષમાં માત્ર 4-5 એપિસોડ શૂટ કરી શક્યા હતા. જોકે, તેમના અકાઉન્ટમાં દર મહિને સેલરી જમા થતી હતી.

Most Popular

To Top