મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. મરાઠા આરક્ષણની (Maratha Reservation) માગણી કરતું શાંતિપૂર્ણ આંદોલન (Movement) સોમવારે અચાનક હિંસક બન્યું હતું. સોમવારે બીડમાં એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના કાર્યાલય પર પહેલા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પછી આગ લગાવવામાં આવી હતી. ત્યાં પાર્ક કરેલા વાહનો સળગી ગયા હતા. જાલના શહેરમાં પણ છેલ્લાં 12 કલાકમાં ત્રણ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અહીં પણ છેલ્લા 13 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આંદોલનના પગલે મંગળવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર 6 કિમી લાંબો જામ લાગી ગયો હતો. બીડ, માંજલગાંવ, આહમદનગર, પૂણે જેવા શહેરોમાં આગજનીની મોટી ઘટનાઓ સામે આવી રહી છે. બીડમાં કફર્યું લગાવી દેવામાં આવ્યું છે. અહીં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
મરાઠા આંદોલનકારીઓએ ઘણી જગ્યાએ રસ્તાઓ પર ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો. આંદોલનકારીઓની આક્રમકતાને જોતા શાસક પક્ષના અનેક ધારાસભ્યો અને સાંસદોના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાંજ સુધીમાં બીડમાં અનિશ્ચિત સમય માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઉસ્માનાબાદમાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ દરમિયાન સીએમ શિંદે રાજ્યપાલ રમેશ બૈસને મળ્યા હતા. આ પહેલાં એમવીએ પ્રતિનિધિમંડળ પણ રાજ્યપાલને મળવા ગયું હતું.
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મરાઠા આરક્ષણને લઈને ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું છે. જિલ્લામાં પાંચથી છ સ્થળોએ આગચંપીનાં બનાવો બન્યા છે. એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકે, ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગર, જયદત્ત ક્ષીરસાગરના બંગલાને આગ ચાંપવામાં આવી હતી. આ સિવાય માજલગાંવ મ્યુનિસિપલ કાઉન્સિલની ઓફિસને આગ ચાંપવામાં આવી હતી. ફાયર એન્જિનને પણ આગ લગાવવામાં આવી હતી. બીડ-છત્રપતિ સંભાજીનગર રોડ પરની એક હોટલમાં પણ આગ લગાડવામાં આવી છે. આવી સ્થિતિમાં કલેક્ટર દીપા મુધોલ મુંડેએ મોટો નિર્ણય લીધો છે. બીડ જિલ્લામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
સરકાર મરાઠા સમુદાયને અનામત આપવા માટે પ્રતિબદ્ધ- એકનાથ શિંદે
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આંદોલનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે સરકાર મરાઠા સમુદાયને અનામત આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગેને અપીલ કરી છે કે તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને આંદોલનને હિંસક માર્ગ પર ન લઈ જાય. જવાબમાં જરાંગે એવો આક્ષેપ કર્યો હતો કે સત્તામાં રહેલા લોકોનો આ હિંસા પાછળ હાથ છે. તેમણે કહ્યું કે પહેલાથી જ કેમને આવું થવાની આશંકા હતી.
મહારાષ્ટ્રના નાસિક અને હિંગોલીના શિવસેનાના સાંસદોએ મરાઠા સમુદાયની અનામતની માંગના સમર્થનમાં રાજીનામું આપ્યું હતું. બંનેને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નજીકના માનવામાં આવે છે. હિંગોલીના સાંસદ હેમંત પાટીલે સોમવારે નવી દિલ્હીમાં લોકસભા સચિવાલયમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.જ્યારે નાસિકના સાંસદ હેમંત ગોડસેએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી શિંદેને મોકલી આપ્યું હતું.