Sports

દિલ્હી કેપિટલ્સને હરાવી મુંબઇ ઇન્ડિયન્સ WPLની પ્રથમ ચેમ્પિયન બની

વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ની પ્રથમ સિઝનની આજે અહીં રમાયેલી ફાઇનલમાં રાધા યાદવ અને શિખા પાંડેની અંતિમ જોડીએ કરેલી નોટઆઉટ અર્ધશતકીય ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સે 9 વિકેટે 131 રનનો સ્કોર બનાવીને મૂકેલા 132 રનના લક્ષ્યાંકને નતાલી સ્કીવર બ્રન્ટની નોટઆઉટ અર્ધસદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ ઓવરમાં કબજે કરીને મહિલા પ્રીમિયર લીગનું પ્રથમ ટાઇટલ જીતી લીધું હતું.

મુંબઇ ઇન્ડિયન્સના રનચેઝ દરમિયાન 19મી ઓવર મેચ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. અંતિમ બે ઓવરમાં 21 રનની જરૂર હતી. ત્યારે નતાલી સ્કીવરે 19મી ઓવર ફેંકવા આવેલી જેસ જોહન્સનની ઓવરમાં 16 રન બનાવતા અંતિમ ઓવરમાં પાંચ રન કરવાના આવ્યા હતા, જે ત્રણ બોલમાં કરી લઇને મુંબઇ ઇન્ડિયન્સે 7 વિકેટે જીત મેળવીને ચેમ્પિયન થઇ હતી.

આ પહેલા દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી તેમની શરૂઆત ખરાબ રહી હતી અને તેઓ નિયમિત સમયાંતરે વિકેટ ગુમાવતા રહ્યા હતા અને તેના કારણે એક તબક્કે તેમની ટીમ 100ના સ્કોરની અંદર જ સમેટાઇ જાય તેવી સંભાવના તોળાઇ હતી. જો કે તે પછી રાધા અને શિખાની જોડીએ અંતિમ 4 ઓવરમાં જોરદાર બેટીંગ કરીને 52 રનની નોટઆઉટ ભાગીદારી કરી હતી.

શિખાએ 17 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 27 જ્યારે રાધાએ 12 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 27 રન બનાવીને નોટઆઉટ રહી હતી. આ બંને સિવાય કેપ્ટન મેગ લેનિંગે 29 બોલમાં 35 રન બનાવ્યા તા. જ્યારે મેરિઝેન કેપ 18 અને શેફાલી વર્માએ 11 રન કર્યા હતા. મુંબઈ તરફથી ઈસાબેલ વોંગ અને હેલી મેથ્યુઝે 3-3 વિકેટ જ્યારે એમેલિયા કેરે 2 વિકેટ લીધી હતી.

Most Popular

To Top