નવી દિલ્હી: નવી દિલ્હીમાંથી (New Delhi) સામે આવેલો શ્રદ્ધા હત્યાકાંડથી સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે ત્યાં હવે નાર્કો ટેસ્ટથી આ કેસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે. જણાવી દઈએ કે દિલ્હી પોલીસે (Police) આ કેસના આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મોટા ખુલાસા સામે આવ્યાં છે. આફતાબે કબૂલ્યુ છે કે શ્રદ્ધાનું મર્ડર (Murder) તેણે જ કર્યું છે આ ઉપરાંત તેના શરીરના ટુકડા કરવા માટે તેણે ચાઈનીઝ ચોપરનો પણ ઉપયોગ કર્યો હતો . આ ઉપરાંત જેનાથી શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કર્યા હતા તે ચાકુને તેણે ગુરુગ્રામમાં પોતાની ઓફિસની પાસે આવેલી ઝાડીઓમાં ફેંકી દીઘું હતું. શ્રદ્ઘાનું માથું મહેરૌલીના જંગલમાં ફેંકયુ હતું. તેમજ તેનો ફોન આફતાબે મુંબઈના ભયંદરમાં આવેલી એક ખાડીમાં ફેંકી દીધો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આફતાબે ફોન ફેંકતા પહેલા સમગ્ર વિસ્તારમાં રેકી કરી હતી. આ દરમ્યાન તેને એક માણસ મળ્યો હતો જેની સાથે વાત કરતા તેને જાણવા મળ્યું હતું કે આ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી નથી. આ જાણકારી મેળવ્યા પછી જ તેણે શ્રદ્ધાનો ફોન અહીં ફેંકયો હતો. જણાવી દઈએ કે શ્રદ્ધાનો ફોન હજુ સુધી પોલીસને મળી આવ્યો નથી.
પોલીસ સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે નાર્કો ટેસ્ટ દરમ્યાન આફતાબે પોલીસ દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલોના યોગ્ય ઉત્તર આપ્યા હતાં. એટલે કે આફતાબ ઉપર કરવામાં આવેલો નાર્કો ટેસ્ટ સફળ રહ્યો હતો. દિલ્હી પોલીસ શ્રદ્ધા હત્યા કેસમાં વહેલી તકે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. જોકે દિલ્હી પોલીસ પાસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા માટે 90 દિવસનો સમય છે.
આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી
આફતાબ પર 18 મેના રોજ શ્રદ્ધાનું ગળું દબાવી હત્યા કરવાનો આરોપ છે. શ્રદ્ધા આફતાબની ગર્લફ્રેન્ડ હતી. બંને મુંબઈના રહેવાસી હતા. અહીં વસઈમાં બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. ત્યાર બાદ બંનેએ દિલ્હીમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. બંને 8 મેથી દિલ્હીના મેહરૌલીમાં લિવ-ઈન ફ્લેટમાં રહેતા હતા. 18 મેના રોજ શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી આફતાબે તેની હત્યા કરી નાખી. આ પછી આફતાબે તેની લાશના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે મૃતદેહનો ટુકડો ફેંકવા માટે મહેરૌલીના જંગલમાં જતો હતો. પોલીસે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી હતી.
શ્રદ્ધા આફતાબ સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા આફતાબ સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી. જેના કારણે આફતાબ ગુસ્સે ભરાયો હતો અને શ્રદ્ધાને નિર્દયતાથી હત્યા કરી હતી. આફતાબના વલણ અને મારપીટથી શ્રદ્ધા કંટાળી ગઈ હતી. આવી સ્થિતિમાં તેણે આફતાબથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. 3-4 મેના રોજ શ્રદ્ધાએ પણ અલગ થવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આફતાબને આ પસંદ ન આવ્યું અને તેણે શ્રદ્ધાને મારી નાખી. જો કે, આ પહેલા આફતાબે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, આ સ્થિતિમાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી.