મુંબઈ: મહારાષ્ટ્રના (Maharastra) થાણેમાં સમૃદ્ધિ એક્સપ્રેસ કંન્સ્ટ્રકશન સાઈટ પર મોટી હોનારત સર્જાઈ હતી જેમાં 16 મજૂરોની મોત (Death) થયાં હતાં. થાણેના શાહપુર પાસે ગર્ડર મશીન (Girder Machine) આશરે 100 ફૂટની ઉંચાઈએથી પડવાના કારણે આ દુર્ધટના ઘટી હતી. આ ઘટનામાં ઘણાં લોકો ફસાયા હોવાની જાણકારી મળી આવી છે. હાલ રેસ્કયુ કામગીરી ચાલી રહી છે.
મહારાષ્ટ્રના થાણેમાં રાત્રીના સમયે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર શાહપુર નજીક સરલામ્બે ખાતે હાઈવે પર પુલના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું તે સમયે એકાએક 100 ફૂટની ઉંચાઈએથી ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં 16 મજૂરોનાં મોત થયાં હતાં. જ્યારે આ ઘટનામાં ત્રણ ઘાયલ થયાં હતા. હાલ આ ઘટનામાં રેસ્કયુ કામગીરી ચાલી રહી છે તેમજ આ ઘટનામાં હજું ઘણાં લોકો દટાયા હોવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. શાહપુર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લગભગ 15 મૃતદેહો લાવવામાં આવ્યા છે.
ગર્ડર મશીનનો ઉપયોગ હાઇવે અને રેલ બ્રિજના નિર્માણમાં થાય છે
બ્રિજના બાંધકામમાં ગર્ડર લોન્ચિંગ મશીનનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ હાઇવે અને રેલ પુલના નિર્માણમાં થાય છે. સમૃદ્ધિ હાઇવેનું નિર્માણ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે મુંબઈ અને નાગપુરને જોડતો 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે છે. સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. તેનું નામ ‘હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે’ મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ છે.
બીજા તબક્કાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું
હાઈવે બનાવવાનું કામ ત્રણ તબક્કામાં થઈ રહ્યું છે. બે તબક્કાનું કામ પૂર્ણ થયું છે. બીજા તબક્કાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. જેમાં નાગપુરથી ઇગતપુરી તાલુકાના ભરવીર ગામ સુધીનો કુલ 600 કિમીનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર 6 મહિનામાં 39 દુર્ઘટનાઓ ઘટી છે જેમાં આશરે 88 લોકોએ જીવ ગુમાવ્યા છે. 11 ડિસેમ્બર, 2022ના રોજ પ્રથમ દુર્ઘટના ઘટી હતી.