મુંબઈ: (Mumbai) મુંબઈમાં કોરોનાના કેસ (Corona Case) ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે હવે કોરોનાએ બોલીવુડ ટેલીવુડને પણ શકંજામાં લીધુ છે. બોલીવુડમાં સોમવારે એક સાથે ઘણા બધા કલાકારોના રિપોર્ટ (Report) પોઝિટિવ આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી બોલીવુડમાં કલાકારો કોરોના સંક્રમિત થયાના સમાચારથી હવે બોલીવુડ ટેલીવુડ બાનમાં મુકાયું છે.
એકતા કપૂરનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ
ફિલ્મ અને ટેલિવિઝન નિર્માતા એકતા કપૂરનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 46 વર્ષીય ફિલ્મ-ટેલિવિઝન નિર્માતા એકતા કપૂરે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણ કરી હતી. કપૂરે તેણીની પોસ્ટમાં લખ્યું હતું કે, ”તમામ સાવચેતી રાખવા છતાં મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. હવે હું ઠીક છું અને મારા સંપર્કમાં આવનાર દરેકને વિનંતી કરુ છુ કે કૃપા કરીને તમારી જાત સંભાળશો અને વહેલી તકે તપાસ કરાવી લેશો. મુંબઈમાં ગયા મહિનાના ઉત્તરાર્ધથી COVID-19ના કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.
જ્હોન અબ્રાહમ, પત્ની પ્રિયાનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ
અભિનેતા જ્હોન અબ્રાહમે સોમવારે જણાવ્યું હતું કે તે અને તેની પત્ની પ્રિયા રુંચલનો COVID-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, બન્નેને કોવિડના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. 49 વર્ષીય અભિનેતા જ્હોનએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, દંપતીને વાયરસનો ચેપ લાગ્યો હોવાથી તેઓ હોમ ક્વોરેન્ટાઇન છે. ત્રણ દિવસ પહેલા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ પત્ની પ્રિયા અને જ્હોને COVID માટે રિપોર્ટ કરાવતાં બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તાજેતરમાં જ બોલિવૂડમાં પીઢ અભિનેતા પ્રેમ ચોપરા તેમની પત્ની, અભિનેતા મૃણાલ ઠાકુર, નોરા ફતેહી, પીઢ ફિલ્મ નિર્માતા રાહુલ રવૈલ, નિર્માતા રિયા કપૂર અને તેના ફિલ્મ નિર્માતા-પતિ કરણ બુલાની સહિત અબ્રાહમ અને રૂંચલ સહિતના કલાકારોના COVID-19ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
પ્રેમ ચોપરા અને પત્નીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ
પીઢ અભિનેતા પ્રેમ ચોપરા અને તેમની પત્ની ઉમા ચોપરાનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે અહીંની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમ દંપતીની સારવાર કરી રહેલા એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું. ડૉ. જલીલ પારકરના જણાવ્યા અનુસાર, ”86 વર્ષીય પીઢ અભિનેતા પ્રેમ ચોપરાને તેમની પત્ની સાથે અહીં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંનેને એક-બે દિવસમાં રજા આપવામાં આવે તેવી શક્યતા છે.