તમારા સર્કલમાં કોઈ મલ્ટિલેવલ માર્કેટિંગનો વ્યવસાય કરતું હોય તો તમને ખબર હશે કે એમ્વે, ટપ્પરવેર અને મોદીકેર જેવી કંપનીઓ કરોડો રૂપિયાની કમાણી કરવાનું પ્રલોભન આપીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે. મધ્યમ વર્ગની ગૃહિણીઓને કહેવામાં આવે છે કે તમે ઘેર બેઠાં ઘરગથ્થુ ઉપયોગની ચીજોનું માર્કેટિંગ કરીને રમતાં રમતાં કરોડપતિ બની શકો છો. માર્કેટિંગ શીખવવાના સેમિનારો ફાઇવ સ્ટાર હોટેલોમાં યોજવામાં આવે છે, જેમાં કરોડપતિ બનેલા તથાકથિત એજન્ટો પોતાની સફળતાની કહાની વર્ણવીને નવા લોકોને ચેઈનમાં જોડવાની પ્રેરણા કરતા હોય છે. આ કંપનીઓ દ્વારા જે પ્રોડક્ટ વેચવામાં આવે છે તે બજારમાં મળતી પ્રોડક્ટ કરતાં દસ ગણી મોંઘી હોય છે, પણ તેને સ્ટેટસ સિમ્બોલ તરીકે લોકોના ગળામાં પહેરાવી દેવામાં આવે છે. કરોડપતિ બનવાના મોહમાં તેમાં નવા નવા લોકો જોડાતા જાય છે અને કંપનીની કમાણી વધતી જાય છે.
તાજેતરમાં ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૧૦૦ દેશોમાં પોતાની શાખાઓ ધરાવતી અમેરિકાની એમ્વે કંપનની ૭૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી તેની સાથે આ કંપની દ્વારા લાખો લોકો સાથે કરવામાં આવેલી ઠગાઈ ચર્ચાનો મુદ્દો બની છે. આ કંપની મલ્ટિલેવલ માર્કેટિંગના ઓઠા હેઠળ પોન્ઝી સ્કિમ ચલાવતી હતી, જેમાં જૂના મેમ્બરોની કમાણીનું મુખ્ય સાધન પ્રોડક્ટોનું વેચાણ નહોતું પણ નવા મેમ્બરો પાસેથી ઉઘરાવવામાં આવતી ફી હતી. આ કંપનીનું મુખ્ય ધ્યેય પ્રોડક્ટનું વેચાણ વધારવાનું નહોતું પણ પિરામીડ પદ્ધતિથી મેમ્બરોની સંખ્યા વધારવાનું હતું. જેમ જેમ મેમ્બરોની સંખ્યા વધતી જાય તેમ પિરામીડમાં સૌથી ઉપર રહેલા સભ્યની કમાણી વધતી જાય છે. જે નવા મેમ્બર બને તેમને પ્રલોભન આપવામાં આવે છે કે તમે જેટલા નવા મેમ્બર બનાવશો તેટલી તમારી કમાણી વધશે. આ કારણે તેઓ નવાં નવાં બકરાંઓને ફસાવતા જાય છે.
કોઈ પણ નવી વ્યક્તિ મલ્ટિલેવલ માર્કેટિંગ કંપનીમાં જોડાય ત્યારે તેને સમજાવવામાં આવે છે કે આ કંપની જાહેરાત અને ડિસ્ટ્રીબ્યુશન પાછળ બિલકુલ ખર્ચો કરતી નથી; પણ જે નફો થાય છે તે ડાયરેક્ટ માર્કેટિંગ કરનાર મેમ્બરનાં ખાતાંમાં જમા થાય છે. આ નફો પિરામીડની ટોચથી તળિયાં સુધી રહેલા એજન્ટો વચ્ચે વહેંચી લેવામાં આવે છે. હકીકત કાંઇક અલગ જ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આપેલી માહિતી મુજબ એમ્વે કંપની દ્વારા ૨૦૦૨ અને ૨૦૨૧ વચ્ચે ૨૭,૫૬૨ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો, પણ તેના એજન્ટોને કમિશનના રૂપમાં માત્ર ૭,૫૮૮ કરોડ રૂપિયા જ ચૂકવ્યા હતા. બાકીના ૧૯,૯૭૪ કરોડ રૂપિયા કંપનીનો ચોખ્ખો નફો હતો.
એમ્વે કંપનીની ભાગીદારીમાં બ્રિટ વર્લ્ડવાઇડ ઇન્ડિયા અને નેટવર્ક ટ્વેન્ટી વન નામની કંપનીઓ કામ કરે છે, જેઓ ફાઇવ સ્ટાર હોટેલોમાં ‘શૈક્ષણિક’સેમિનારોનું આયોજન કરીને નવા નવા લોકોને કંપનીના એજન્ટ બનવા લોભાવે છે. જે વ્યક્તિ અગાઉ એમ્વેની એજન્ટ બની હોય તે ગાંઠના ગોપીચંદ કરીને પોતાના મિત્રોને અને સ્વજનોને સેમિનારમાં લઈ જાય છે. તેમાં કરોડપતિ બનેલા એજન્ટો પોતાની સફળતાની કથા કહેતા હોય છે અને ટ્રિકો શીખવતા હોય છે. તેમાંની એક ટ્રિક એવી હોય છે કે તમારે એમ્વેની પ્રોડક્ટનું માર્કેટિંગ કરતાં પહેલાં જાતે તમારા ઘરમાં તેની વધુમાં વધુ પ્રોડક્ટ વાપરવાનું શરૂ કરી દેવું જોઈએ. તમને જોઈને તમારા મિત્રો પણ તે વાપરતા થઈ જશે. વળી તમે આ મોંઘીદાટ પ્રોડક્ટ વાપરતા થશો ત્યારે તમારી લાઇફસ્ટાઇલ તો સુધરી જશે. મધ્યમ વર્ગનો માનવી કરોડપતિ બનવાના મોહમાં પોતે છેતરાય છે અને બીજાને પણ શીશામાં
ઊતારે છે.
અમેરિકાની એમ્વે કંપની હેલ્થ, બ્યુટી અને હોમકેર પ્રોડક્ટોનું વેચાણ કરે છે. તે ડાયરેક્ટ માર્કેટિંગ કરવા ઉપરાંત પરંપરાગત રીતે પણ પોતાના સામાનનું વેચાણ કરે છે. તેણે ૧૯૯૫માં ભારતમાં પોતાનો ધંધો શરૂ કર્યો હતો. એમ્વે કંપની પોતાના એજન્ટોને દલાલ નથી કહેતી પણ તેમને ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ ઓનર તરીકે ઓળખાવે છે. જે તેમના એજન્ટ બને તેમને નવા એજન્ટ બનાવવાનું કહેવામાં આવે છે. આ રીતે ચેઇન વિસ્તૃત બનતી જાય છે. નવા એજન્ટ પાસેથી ચાર હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી લેવામાં આવે છે, જે કંપનીની કમાણીનું મુખ્ય સાધન છે. આ કમાણીનો કેટલોક હિસ્સો જૂના એજન્ટને પણ મળે છે. કેટલાક લોકો તો કંપનીનો માલ વેચવાને બદલે નવા નવા બકરાંઓ પકડીને જ કમાણી કરતા થઈ જાય છે. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશને છેક ૧૯૭૫ માં કહ્યું હતું કે ‘‘આ કંપની મોટાં અને ખોટાં વચનો આપીને લોકોને પોતાના દલાલ બનાવે છે.’’
૨૦૧૧ માં એમ્વે ઇન્ડિયા કંપનીના સીઈઓ વિલિયમ પિન્કની, વાઇસ પ્રેસિડન્ટ સંજય મલહોત્રા અને ચીફ ફાઇનાન્સ ઓફિસર અંશુ બુદ્ધિરાજાની કેરળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઉપર વસ્તુઓની કિંમત વધુ વસૂલ કરવાનો, મેમ્બરોને છેતરવાનો અને ઠગાઇ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોઝિકોડેની એક મહિલાએ એમ્વે પાસેથી વેચાણ માટે કેટલીક વસ્તુઓ ખરીદી હતી. વસ્તુઓ બહુ મોંઘી હોવાથી તે વેચી નહોતી શકી. તેણે આ વસ્તુઓ કંપનીને પાછી આપી તો તેણે રૂપિયા પાછા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ૨૦૧૪ માં સીઈઓ વિલિયમ પિન્કનીની આંધ્ર પ્રદેશમાં પણ ઠગાઈના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
ભારતમાં ડાયરેક્ટ માર્કેટિંગની છૂટ આપવામાં આવી છે, પણ પિરામીડ જેવું સ્ટ્રક્ચર બનાવીને લોકોને તેમાં જોડવાની અને કમાણી કરવાની છૂટ આપવામાં આવી નથી. આ માટે ૧૯૭૮ માં ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કિમ (બેનિંગ) એક્ટ નામનો કાયદો ઘડવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં નારદા અને શારદા જેવી કંપનીઓ સામે પણ આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કંપનીઓ ટૂંકી મુદ્દતમાં લોકોને એકના ડબલ રૂપિયા કરવાનું પ્રલોભન આપીને લૂંટે છે. તેમાં શરૂઆતમાં જે લોકો જોડાય છે તેમને નાણાં બમણાં કરી દેવામાં પણ આવે છે, જેને કારણે નવા નવા લોકો જોડાતા જાય છે. નવા જોડાનાર લોકોના રૂપિયા જૂનાને આપીને સ્કિમ આગળ વધારવામાં આવે છે, પણ નવા રૂપિયા આવતા બંધ થાય ત્યારે જૂનાના રૂપિયા ડૂબી જાય છે. છેવટે સ્કિમના સંચાલકો લોકોના કરોડો રૂપિયા લઈને રફુચક્કર થઈ જાય છે.
મલ્ટિલેવલ માર્કેટિંગ અને પિરામીડ પોન્ઝી સ્કિમ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે. મલ્ટિલેવલ માર્કેટિંગ કરતી કંપનીઓ પોતાના નેટવર્કમાં પિરામીડના મોડેલ મુજબ જ નવા એજન્ટોની ભરતી કરતી હોય છે. તેમની પાસેથી જે રજિસ્ટ્રેશન ફી લેવામાં આવે છે તે હકીકતમાં એક પ્રકારના રોકાણ જેવી જ હોય છે. આ ફી ભરીને લોકો નવા એજન્ટો બનાવે છે. તેમની ફીમાંથી જૂના એજન્ટોને કમિશન મળે છે, જે તેમના દ્વારા કરવામાં આવેલાં રોકાણનું વળતર હોય છે.
જો તેઓ નવા એજન્ટોની ભરતી કરવામાં નિષ્ફળ જાય તો તેમના રૂપિયા ડૂબી જાય છે. આ રીતે કરોડો લોકોને ઠગવામાં આવ્યા છે. જેઓ ઠગાયા હોય તેઓ તેની જાહેરાત કરતા નથી; પણ જેઓ કમાયા હોય તેઓ જોરશોરથી જાહેરાત કરે છે, જેને કારણે નવા નવા લોકો કંપનીનો શિકાર બનતા જાય છે. ‘જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’, તે કહેવત આવી બધી કંપનીઓને લાગુ પડે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.