Comments

મુલાયમની ચિરવિદાય અને ભાવિ પડકારો

સમાજવાદના એક રહ્યા સહ્યા મૂર્તિમંત સ્વરૂપ મુલાયમસિંહ યાદવ આખરે ગુરગાંવની હોસ્પિટલમાં મોતને શરણે થયા. ઘણાને એવી આશા હતી કે આ શૂરવીર રાજકારણી અનેક રાજકીય યુદ્ધોની જેમ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેના યુદ્ધમાંથી પણ જીતીને બહાર આવશે પણ આ અણનમ યોદ્ધાને આખરે મોત સામે નમવું પડયું અને ખાસ કરીને તેમના વતન રાજય ઉત્તરપ્રદેશના રાજકીય ગોળાર્ધમાં એક રાજકીય શૂન્યાવકાશ છોડી ગયા.આ ખાલીપો ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં અને કંઇક અંશે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી માટે વિરોધ પક્ષોની એકતાની આગેવાની લેવાના સંદર્ભમાં ભરવાનો મુશ્કેલ છે. ખાસ કરીને તબિયત અને ઉંમરને હિસાબે તેમની ચેતના મર્યાદિત થઇ ગઇ હતી છતાં રાજકીય મુદ્દા હોય કે સંસદની બેઠકમાં ભાગ લેવાનો હોય તોય તેમની હાજરી હંમેશાં વર્તાતી હતી.

મુલાયમસિંહ યાદવ કૌટુંબિક જાગીર સમાન ઉત્તર પ્રદેશની મણિપુરી લોકસભા બેઠક પરથી સંસદમાં બિરાજયા હતા અને રાજકીય કૌશલ ધરાવવામાં નિપુણ હતા, જે તેમણે રામજન્મ ભૂમિ આંદોલન વખતે મુખ્ય પ્રધાન તરીકે બતાવ્યું હતું અને માંડલ પંચની રચના કરી હતી. તેમને આ કૌશલની ખાસ કરીને તેના દીકરા અને સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવને ખોટ સાલશે; જેણે તેમના પિતાના કૌશલને અજમાવી જોયું હશે; પણ રાજયના લોકો માટે પિતાના જોડામાં પગ નાંખવાનું તેમને માટે મુશ્કેલ હશે.

ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મુલાયમસિંહ યાદવ છેલ્લા કેટલાક વખતથી બીમાર હતા એ સાચું પણ પિતા પાસેથી સમાજવાદી પક્ષની ધુરા સંભાળનાર અખિલેશ યાદવ પોતાના પિતાની નિગરાનીમાં સતત હતા એમ માનવાનું વધુ પડતું છે. આમ છતાં અખિલશ માટે આગળ ખૂબ મોટા પડકાર છે. તેમણે રાજકીય રીતે ટકી રહેવા બે મોરચે લડાઇ આપવી જ પડશે જે તેઓ પોતાના પિતાના વખતથી આપી રહ્યા છે. હવે તેમણે પિતાનું છત્ર ગુમાવ્યું છે ત્યારે તેમના હરીફો તેમને વધુ નબળા પાડી ગયા છે.

અખિલેશ ભારતી જનતા પક્ષ અને બહુજન સમાજ પક્ષ તથા માયાવતી જેવા નેતાઓ સામે રાજકીય જંગ ખેલી જ રહ્યા છે. બીજી તરફ તેણે પોતાના કાકા શિવપાલસિંહ યાદવ અને યાદવ કુળના અન્યોના પડકાર પણ ઝીલવાના છે. બંને મોરચે આ રાજકીય જંગ જીવસટોસટનો બની રહેશે. સૌથી શકિતશાળી હરીફો સામે જંગ ખેલીને તેમજ પોતાની ફરતે રહસ્યની આભા રચીને દાયકાઓ પછી મુલાયમસિંહે જે સમૃદ્ધ સમાજવાદી વારસો ભેગો કર્યો છે તેને કઇ રીતે સાચવીને રાખવો તેમજ આગળ લઇ જવો તે અખિલેશ યાદવ માટે એક સૌથી મોટો પડકાર બની રહેશે. મુલાયમની સફળતાનું રહસ્ય એ હતું કે હરીફો સાથે રાજકીય જંગ ખેલવા છતાં તેમને હરીફ રાજકીય નેતાઓ સાથે સારા સંબંધ હતા.

અખિલેશ આ પશ્ચાદ્‌ભૂ સાથે સમાજવાદી પક્ષની લગામ હાથમાં લઇ રહ્યા છે. તેમની શકિત વિશે તેમના કોઇ ટેકેદારને શંકા ન હોય કે અખિલેશ મુલાયમસિંહ યાદવનું સ્થાન લઇ શકશે. પણ તેમને માટેના જંગમાં તેમણે પોતાના પિતા જેટલી કાબેલિયત બતાવવાની થશે, સાથે સમાજવાદને નવો ઓપ આપવાનું કામ પણ તેમણે કરવાનું છે.
વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કપરા સમયનો સામનો સમાજવાદી પક્ષ કરી રહ્યો છે. માયાવતીને કોરાણે મૂકો તો ય યોગી-મોદીની જોડીનો પડકાર કંઇ નાનો સૂનો નથી.

અખિલેશ માટેનો તત્કાળ પડકાર તો તેના પિતાના અવસાનથી ખાલી પડેલી મણિપુરની સંસદીય પેટા ચૂંટણી જીતવાનો રહેશે. તેમાં શરૂઆત પક્ષમાં વ્યાપક રીતે સ્વીકૃત ઉમેદવાર શોધી તેને જીતાડવાનો રહેશે. આ પહેલાં આઝમગઢ અને રામપુરની લોકસભાની બેઠકની ત્રણ મહિના પહેલાં થયેલી પેટા ચૂંટણીમાં સમાજવાદી પક્ષને પછડાટ ખાવી પડેલી. આઝમગઢ યાદવ-મુસલમાનોના સંયુકત વર્ચસ્વની બેઠક હતી જેના પર મુલાયમસિંહનો કબજો હતો અને રામપુરમાં મુલાયમસિંહના નિકટના મિત્ર આઝમ ખાનનું વર્ચસ્વ હતું અને આ બંને બેઠક ભારતીય જનતા પક્ષને ફાળે ગઇ.

મણિપુરની પેટા ચૂંટણીમાં અખિલેશ યાદવનું પાણી મપાઇ જશે. આ પેટા ચૂંટણીમાં તેઓ હારી જશે તો તેમના રાજકીય હરીફો અને શિવપાલસિંહ યાદવ જેવા પારિવારિક બળવાખોરો તેમને પીંખી ખાશે. મુલાયમસિંહ યાદવની વિદાયથી આગામી દિવસોમાં રાજકીય સમીકરણો બદલાશે અને અખિલેશ યાદવ માટે કપરાં ચઢાણ છે. મુશ્કેલીના સમયમાં તેમનો પક્ષ જેટલો છે તેટલો અખંડ રહેવો જોઇએ.અખિલેશે પોતાના પિતાની પેઢીના વરિષ્ઠ નેતાઓને સાચવી લેવાના રહેશે. કોંગ્રેસની જેમ આ પક્ષમાં પણ વડીલોનો અહમ્‌ આડે નહીં આવવો જોઇએ. અખિલેશ યાદવ માટે પોતાના પિતાની જેમ કાર્યકરોમાં ભળી જઇ આત્મીયતા કેળવવાનો એક સૌથી મોટો પડકાર છે અને પછી આજના જમાનાને અનુરૂપ લોકસંપર્ક આપશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top