અમેરિકા અને ચીન પછી વિશ્વમાં સૌથી વધારે અબજપતિઓની સંખ્યા ભારતમાં છે એમ પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિનની નવી યાદી જણાવે છે. આ યાદી અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનિક તરીકે એમનું ટોચનું સ્થાન પુન: પ્રાપ્ત કરી લીધું છે અને એક વર્ષ અગાઉ એશિયાના સૌથી ધનિક બનેલા ચીની બિઝનેસ ટાયકૂન જેક મા હવે એમની પાછળ છે.
વિશ્વના અબજપતિઓની ફોર્બ્સની 35મી વાર્ષિક યાદીમાં એમેઝોનના સીઇઓ અને સ્થાપક જેફ બેઝોસ સતત ચોથા વર્ષે નંબર વન પર છે. એમની નેટવર્થ એક વર્ષ અગાઉ હતી એના કરતા 64 અબજ ડૉલર વધીને 177 અબજ ડૉલર થઈ છે. બીજા સ્થાને સ્પેસ એક્સના સ્થાપક એલન મસ્ક છે, જેમની સંપત્તિ ડૉલર સંદર્ભમાં સૌથી વધારે વધી છે. મસ્કની નેટવર્થ એક વર્ષ અગાઉ 24.6 અબજ ડૉલર હતી અને ત્યારે તેઓ યાદીમાં 31મા સ્થાને હતા પણ એક વર્ષમાં એમની સંપત્તિ 126.4 અબજ ડૉલર વધીને 151 અબજ ડૉલર થઇ છે. આનું મુખ્ય કારણ ટેસ્લા કંપનીના શૅર્સ છે. એમાં 705%નો ઉછાળો આવ્યો છે એમ ફોર્બ્સે જણાવ્યું હતું.
ભારતના અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીનો વૈશ્વિક અબજપતિઓની યાદીમાં 10મો નંબર છે. એમની નેટવર્થ 84.5 અબજ ડૉલરની છે. ગયા વર્ષે એશિયાના સૌથી ધનિક બનેલા જેક મા વૈશ્વિક યાદીમાં 17મા સ્થાનેથી પાછળ ધકેલાઇને 26મા સ્થાને પહોંચી ગયા છે. જો કે એમની નેટવર્થ 10 અબજ ડૉલર વધીને 48.4 અબજ ડૉલર થઇ છે.
ભારતના બીજા ક્રમના સૌથી ધનિક એવા અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી વૈશ્વિક અબજપતિઓની યાદીમાં 50.5 અબજ ડૉલરની નેટવર્થ સાથે 24મા સ્થાને છે. વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદક અને સિરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના ચેરમેન અને સ્થાપક સાયરસ પૂણાવાલા 12.7 અબજ ડૉલરની નેટવર્થ સાથે વિશ્વમાં 169મા ક્રમે છે. ભારતના સૌથી ધનિકોની યાદીમાં એમનો ક્રમ સાતમો છે. દેશના ત્રીજા ક્રમના સૌથી ધનિક અને એચસીએલ ટેકનોલોજીઝના સ્થાપક શિવ નડાર 23.5 અબજ ડૉલરની નેટવર્થ સાથે વિશ્વમાં 71મા નંબરે છે. ફોર્બ્સે જણાવ્યું કે ભારતના ત્રણ સૌથી ધનિકોએ એકલાએ 100 અબજ ડૉલરથી વધુનો ઉમેરો કર્યો છે.
હવે સૌથી વધારે અબજપતિઓ ન્યૂ યોર્ક નહીં, બીજિંગમાં
કુલ 724 અબજોપતિઓ સાથે અમેરિકામાં વિશ્વમાં સૌથી વધારે અબજપતિઓ છે. ચીનમાં ગયા વર્ષે 456 અબજોપતિઓ હતા પણ એય હવે 698 અબજોપતિઓ સાથે અમેરિકાની નજીક આવી ગયું છે. ચીનમાં આ વધારાને કારણે બીજિંગમાં હવે દુનિયાના અન્ય કયાંય કરતા સૌથી વધારે અબજોપતિઓ રહે છે. પહેલા આ સ્થાન ન્યૂ યોર્કનું હતું., એમ ફોર્બ્સે જણાવ્યું હતું. ત્યારબાદ સૌથી વધારે અબજપતિઓ ભારતમાં 140, જર્મનીમાં 136 અને રશિયામાં 117 છે. ફોર્બ્સે કહ્યું કે એશિયા-પેસિફિક દેશોના 1149 અબજોપતિઓની એકત્ર સંપત્તિ 4.7 લાખ કરોડ ડૉલરની છે જ્યારે અમેરિકાના અબજોપતિઓની કુલ નેટવર્થ 4.4 લાખ કરોડ ડૉલર છે.
106 ધનિકો 40 વર્ષની નીચેના
વૈશ્વિક યાદીમાં 106 જણા 40 વર્ષની નીચેના છે. સૌથી યુવા અબજપતિ જર્મનીના કેવિન ડેવિડ લેહમેન છે જેમની ઉમર માત્ર 18 વર્ષની છે. એમના પિતા ગુએન્થર લેહમેને ડ્રગસ્ટ્રોર ચેન ડીએમ-ડ્રોજેરીમાં પોતાનો હિસ્સો એમના નામે તબદીલ કર્યો હતો. એમની નેટવર્થ 3.3 અબજ ડૉલરની છે અને યાદીમાં એમનો ક્રમ 925મો છે. સૌથી વૃદ્ધ અબજપતિ 99 વર્ષના અમેરિકી વીમા ટાયકૂન જ્યોર્જ જૉસેફ છે.
ગયા વર્ષ કરતા 660 અબજપતિઓ વધ્યા, 493 નવા
ફોર્બ્સની 35મી વાર્ષિક યાદીમાં અબજપતિઓની સંખ્યા પણ અભૂતપૂર્વ રીતે વધીને 2755 થઈ છે અને એ ગયા વર્ષ કરતા 660 વધારે છે. આ બધાની ભેગી નેટવર્થ 13.1 લાખ કરોડ ડૉલરની છે. આ યાદીમાં રેકોર્ડ 493 નવોદિતો છે. એટલે એમ કહેવાય કે દર 17 કલાજે એક નવા અબજપતિ મળ્યા છે જેમાં 210 ચીન અને હૉંગકૉંગના અને 98 અમેરિકાના છે.
ભારતના ટોપ 10માં દામાણી, લક્ષ્મી મિત્તલ, દિલિપ સંઘવી
ભારતના ટોચના 10માં ડી માર્ટના સ્થાપક રાધાકૃષ્ણ દામાણી, કોટકના ઉદય કોટક, આર્સેલર મિત્તલના લક્ષ્મી મિત્તલ, આદિત્ય બિરલાના કુમારમંગલમ વિરલા, સન ફાર્માના દિલિપ સંઘવી અને ભારતી એન્ટરપ્રાઇઝના સુનિલ મિત્તલનો સમાવેશ થાય છે.