નવી દિલ્હી: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અબજોપતિ મુકેશ અંબાણીને એક સપ્તાહમાં ત્રીજી વખત જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ અંબાણી પાસેથી 400 કરોડ રૂપિયાની રકમ માંગી છે. વીતેલા પાંચ દિવસમાં અંબાણીને ત્રીજી વાર ધમકી મળી છે.
સોમવારે 30 ઓક્ટોબર 2023 ના રોજ મુકેશ અંબાણીને ફરીથી એક મેઈલ મળ્યો હતો જેમાં તેમને ધમકી આપવામાં આવી હતી અને આ રકમની માંગણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલા પણ રિલાયન્સના ચેરમેનને સતત બે વખત આવી જ ધમકીઓ મળી હતી, જો કે તે સમયે ઓછી રકમની માંગ કરવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 30 ઓક્ટોબરે મુકેશ અંબાણીને ફરીથી એક મેઇલ મળ્યો જેમાં 400 કરોડ રૂપિયાની રકમ માંગવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે આ પહેલા મુકેશ અંબાણીને આ મેઈલ આઈડી પરથી બે વખત ધમકીઓ મળી હતી અને બંને વખત ખંડણીની માંગ કરવામાં આવી હતી. પહેલી ખંડણી 27 ઓક્ટોબરે મેઈલ દ્વારા માંગવામાં આવી હતી અને તેની માંગ 20 કરોડ રૂપિયા હતી, જ્યારે બીજી ખંડણી મેલ 28 ઓક્ટોબરે આવ્યો હતો, જેમાં ખંડણીની રકમ વધારીને 200 કરોડ રૂપિયા કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં શું બહાર આવ્યું?
સતત ત્રીજી ધમકી મળ્યા બાદ પોલીસે પણ આ મામલે તપાસનીઝડપ વધારી દીધી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે જે મેઈલ આઈડી દ્વારા મુકેશ અંબાણીને ધમકી આપવામાં આવી રહી છે તે શાદાબ ખાન નામના વ્યક્તિનું છે અને આ મેઈલ બેલ્જિયમથી આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિનું સાચું આઈડી છે કે પછી આ મેઈલ નકલી આઈડી દ્વારા મોકલવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસ બેલ્જિયમની મેઈલ પ્રોવાઈડર કંપનીનો પણ સંપર્ક કરી રહી છે અને તેમની પાસેથી આ મેઈલ આઈડી વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
મેઈલમાં લખ્યું હતું, અમારો એક સ્નાઈપર્સ પૂરતો છે
મુકેશ અંબાણીને મોકલવામાં આવેલા ત્રીજા મેઈલમાં માત્ર ખંડણીની રકમમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ મેઈલમાં ધમકીનો સૂર પણ કડક કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે તમે અમારી વાત ન સાંભળી, હવે રકમ 400 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તમારી સુરક્ષા ગમે તેટલી કડક હોય, અમારો એક સ્નાઈપર પૂરતો છે.