Vadodara

MSUની હંસા મહેતા લાઈબ્રેરીનું એસી ચાલુ કરવા વીસી અથવા રજિસ્ટ્રારની લેવી પડશે મંજૂરી

એસી સહિતની સમસ્યા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો

પરીક્ષા ટાણે લાઈબ્રેરીમાં કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર :

( પ્રતિનિધિ ) વડોદરા તા.24

એમએસ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં એસી સહિતની સમસ્યા મુદ્દે ત્રાહિમામ પોકારી ઊઠેલા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે રજૂઆત કરતા લાઇબ્રેરીયન પ્રોફેસર મયંક ત્રિવેદી આ સંદર્ભે કશું નહીં કરી શકતા હોવાની લાચારી વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને ચાન્સેલર સમક્ષ રજૂઆત કરવાની સલાહ આપી હતી.

વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ની મધ્યમાં હંસા મહેતા લાઈબ્રેરી આવેલી છે. હાલ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. જેથી હંસા મહેતા લાઈબ્રેરી ખાતે વાંચન અને અભ્યાસ માટે વિદ્યાર્થીઓનો ઘસારો વધુ માત્રામાં જોવા મળી રહ્યો છે. તેવા સમયે હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં એસી કાર્યરત નહીં હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ દિવસેને દિવસે ગરમી નો પારો વધી રહ્યો છે. જેથી હંસા મહેતા લાઇબ્રેરીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને બફારા ભરી પરિસ્થિતિમાં અભ્યાસ પ્રવૃત્તિ કરવાની ફરજ પડી રહી છે. હંસા મહેતા લાઇબ્રેરીમાં એસી બંધ હોવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે. જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત હંસા મહેતા લાઇબ્રેરી ખાતે બારીઓના કાચ તૂટી ગયેલા છે અને પીવાના પાણીની પણ સમસ્યા છે. ત્યારે આ સમસ્યાથી ત્રસ્ત વિદ્યાર્થીઓએ હંસા મહેતા લાઇબ્રેરી ખાતે લાઇબ્રેરીયન પ્રો. મયંક ત્રિવેદી સમક્ષ રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો અને એસી કાર્યરત કરવાની માંગણી કરી હતી.

વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની સૌથી મોટી કહેવાતી લાઇબ્રેરી હંસા મહેતા લાઈબ્રેરીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં વાંચવા માટે આવે છે. લાયબ્રેરી કાર્ડના પણ અહીંયા પૈસા લેવામાં આવે છે અને એ પૈસાની સામે સુવિધા આપવામાં આવે છે. પરંતુ હાલ ગરમીનું તાપમાન ખૂબ વધી ગયું છે. સખત ગરમી પડી રહી છે. જેના કારણે લાઈબ્રેરીની અંદર વિદ્યાર્થીઓ વાંચી રહ્યા છે, તેઓનો ગરમીના કારણે અભ્યાસ બગડી રહ્યો છે. જેથી લાઇબ્રેરીયનને રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી લાઇબ્રેરીનું એસી બંધ છે. એસી લાગેલા છે પણ ચાલુ કરતા નથી. રજૂઆત કરવા ગયા ત્યારે લાઇબ્રેરીયન પોતાની જિમ્મેદારીથી છટકી જતા હોય તેવું લાગી રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ મારી ઓથોરિટીમાં નથી આવતું. એસી ચાલુ કરવાની પરવાનગી જો રજીસ્ટ્રાર આપે વીસી આપે તો અમે એસી ચાલુ કરીશું તેઓ જવાબ આપ્યો હતો. જોકે લાઇબ્રેરીયન પ્રોફેસર મયંક ત્રિવેદી આ સંદર્ભે તેઓ કશું નહીં કરી શકતા હોવાની લાચારી વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને ચાન્સેલર સમક્ષ રજૂઆત કરવાની સલાહ આપી હતી.

Most Popular

To Top