Sports

ધોની નવી કારમાં આ બે ક્રિકેટરોને લઈ રાંચીના રસ્તાઓ પર ફરવા નીકળ્યો, જુઓ વીડિયો

રાંચી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (MSDhoni) વાહનોનો ઘણો શોખ છે. તેની પાસે ઘણી સુપર-બાઈક, વિન્ટેજ અને લક્ઝરી કાર પણ છે. આ વિન્ટેજ વાહનો લઈ અનેકોવાર ધોની રાંચીના રસ્તાઓ પર ફરતો જોવા મળે છે. તાજેતરમાં જ ધોનીએ Kiaનું નવું EV6 વાહન ખરીદ્યું છે, જે પાંચ સીટર ઇલેક્ટ્રિક SUV કાર છે. તેની કિંમત 59.95 થી 64.95 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કારમાં તાજેતરમાં તે ફરવા નીકળ્યો હતો. ટ્વિટર પર ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો રાંચીનો છે. ધોની તેની ચેન્નાઈ સુપર કિંગ્સના સાથી ખેલાડીઓ ઋતુરાજ ગાયકવાડ અને કેદાર જાધવ સાથે તેની નવી કારમાં લોન્ગ ડ્રાઈવ પર ગયો હતો. ધોની હવે IPLની આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. તે હાલમાં રાંચીમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તેની છેલ્લી IPL હશે. જોકે, તેણે પોતે આ વાતની પુષ્ટિ કરી નથી. ધોની IPLના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેણે પોતાની કપ્તાનીમાં CSK માટે ચાર વખત IPL ટાઇટલ જીત્યું છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

ધોનીને તાજેતરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદીમાં મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને પણ ટીમે જાળવી રાખ્યો હતો. એવું માનવામાં આવે છે કે CSK અને જાડેજા વચ્ચે હવે બધું બરાબર છે. જો કે, ફ્રેન્ચાઇઝીએ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને 11 વર્ષ સુધી ટીમમાં રાખ્યા બાદ તેને મુક્ત કર્યો હતો. CSKએ આઠ ખેલાડીઓને બહાર કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે 23મી ડિસેમ્બરે કોચીમાં યોજાનારી મીની હરાજીમાં CSK કયા ખેલાડીઓ પર દાવ લગાવશે. 

એવું માનવામાં આવે છે કે CSK ટીમ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પર દાવ લગાવી શકે છે, કારણ કે ટીમને ધોની પછી કેપ્ટનની જરૂર પડશે. આવી સ્થિતિમાં વિલિયમસન શ્રેષ્ઠ વિકલ્પ હશે. ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને આગામી આઈપીએલ તેની છેલ્લી હોઈ શકે છે. તેણે કહ્યું હતું કે તે IPLમાં તેના હોમ ગ્રાઉન્ડ પર અને ઘરના દર્શકોની સામે IPLને અલવિદા કહેવા માંગે છે. 

Most Popular

To Top