‘દો સિતારોં કા ઝમીં પર હે મિલન આજ કી રાત’ ગીત રણબીર – આલિયા માટે લખાયું હતું એમ કહી શકો. આ વર્ષમાં જેની સૌથી વધુ પ્રતિક્ષા હતી તે આ બન્નેના લગ્નની. રણબીર એક એકટર તરીકે તો કયારનો મેચ્યોર થઇ ચૂકયો છે પણ વ્યકિત તરીકે પણ એવો જ મેચ્યોર છે. દિપીકા સાથે ડેટ કરતો હતો ત્યારે પણ તેણે તેના મમ્મીનું (નીતુ કપૂર)ના મન અને મતનું મહત્વ ખૂબ જોયું હતું અને આલિયા જયારે રણબીરના જીવનમાં આવી તો રિષીકપૂરની પણ પસંદગી બની ગયેલી. રણબીર – આલિયા બન્ને માટે પોતપોતાના માતા-પિતાની ‘હા’ ખૂબ મહત્વની હતી. આલિયાની પસંદગીમાં સોની રાઝદાન અને મહેશ ભટ્ટ બન્નેની હા હતી. મહેશ ભટ્ટની પોતાની લવલાઇફ અને મેરેજ લાઇફ તો અનેક પાત્રો સાથેની છે.
આલિયા તેના પિતા નહીં, માતાના મિજાજની છે. હા, અભિનય બાબતે તેનામાં જે સહજ ગાંભીર્ય છે તે પિતામાં પાત્રોને જોવા – મૂલવવાની ઇન્ડે-થ સેન્સ છે તેનું પરિણામ જોઇ શકો. રણબીર અને આલિયા બન્ને પોતાના પાત્રોનું નૈસર્ગિક પ્રતિભાથી ઊંડાણ શોધી લે છે. બંને પ્રતિભાશીલ છે અને એટલા જ પ્રયોગશીલ છે. રણબીરે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘સાંવરિયા’થી હીરો તરીકેની કારકિર્દી આરંભી હતી અને આલિયાએ એજ ભણશાલીની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ફિલ્મ પૂરી કરી પછી બંને પરણ્યા છે.
પૃથ્વીરાજ કપૂર અને રાજકપૂર કુટુંબનું પ્રતિનિધિત્વ કરવા રણબીર પૂરતો સક્ષમ છે અને તે તેના પિતાની જેમ અભિનેતા રહેવામાં જ પોતાને યોગ્ય જુએ છે. આલિયા મહેશ ભટ્ટ – સોની રાઝદાનની દિકરી ભલે હોય પણ ફિલ્મોની પસંદગી પોતાની રીતે કરતી આવી છે અથવા એમ કહી શકો કે તેની પ્રતિભા જ તેની માર્ગદર્શક છે. રણબીર અને આલિયા બંને ખરા અર્થમાં ફિલ્મીકુટુંબના છે અને પોતાના કામની સ્વતંત્રતાને સમજે છે. આ કારણે જ રણબીર જો દિપીકા સાથે કામ કરે તો પણ આલિયાને વાંધો નથી હોતો.રણબીર – આલિયા બંને હવે મેજર ફિલ્મોમાં જ કામ કરે છે બલ્કે તેઓ જે ફિલ્મમાં કામ કરે તે મેજર બની જાય છે. રણબીરની ‘શમશેરા’ ૨૨મી જુલાઇએ અને ‘બ્રહ્માસ્ત્ર’ ૯ મી સપ્ટેમ્બરે રજૂ થવાની ધારણા છે.
આ વર્ષની તે ખરેખર મોટી ફિલ્મો હશે અને અત્યારે સાઉથના સ્ટાર્સ જે નામ – દામ કમાય રહ્યા છે તેની સામે બેલેન્સ થશે. હિન્દી ફિલ્મસ્ટાર્સમાં રણબીર સિવાય ઋતિક, રણવીરસીંઘમાં જ આ બેલેન્સ કરવાની તાકાત છે. રણબીરની ‘એનિમલ’ અને લવરંજન દિગ્દર્શીત ફિલ્મો તો આવતા વર્ષે રજૂ થવાની છે. રણબીરે હજુ પાંત્રીસેક ફિલ્મોમાં જ કામ કર્યું છે ને આલિયાની આવી રહેલી ફિલ્મો પણ ગણો તો ૩૫-૩૫ જ છે.
તેની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ને ‘આર.આર.આર.’ આ વર્ષે જ રજૂ થઇ છે ને ‘તખ્ત’ હવે રજૂ થશે. તેની પાસે રણવીરથી વધારે ફિલ્મો છે – ‘જી લે જરા’, ‘બૈજુ બાવરા’, ‘ડાર્લિંગ્સ’, ‘એનટીઆર-૩૦’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘રોકી ઓર રાજા કી પ્રેમકહાની’ ઉપરાંત ‘જિલ્લિઆસ્મેન ટ્રિનીટી ૨.૫: પાસપોર્ટ’. અત્યારે તે અને દિપીકા સૌથી વધુ ડિમાંડમાં છે. આલિયા કામ અને સંબંધના મેનેજમેન્ટમાં ખૂબ જ સારી છે. તેની ફિલ્મો કયારેય વિવાદોમાં સપડાતી નથી. પોતાનું કામ તે સમર્પિત ભાવે કરે છે. હવે ‘મિસ્ટર એન્ડ મિસીસ કપૂર’ નામની ફિલ્મ રણબીર – આલિયાને લઇને બનાવી શકાય. આલિયા તો નેટફિલકસની ‘હાર્ટ ઓફ સ્ટોન’માં પણ આવી રહી છે.
રણબીરના પિતા હિન્દુ પઠાણ અને મા પંજાબી, આલિયાના પિતા આમ ગુજરાતી પણ તે તો તેના પિતા નાનાભાઇ ગુજરાતી હતા એટલે બાકી મુંબૈયા ફિલ્મી કુટુંબના ગણવા જોઇએ પણ આલિયાની મા સોની યુકેના બર્મિંગહામમાં જન્મી છે. તેના પિતા નરેન્દ્રનાથ રાઝદાન કાશ્મીરી પંડિત ખરા પણ મા ગેર્તુડ હોલ્ઝેર તો બ્રિટીશ-જર્મન છે. આલિયાનો જન્મ પણ લંડનમાં જ થયો છે. રણબીર – આલિયા પંજાબી વિધીથી પરણ્યા તે આર.કે. કુટુંબમાં ઘણા વખતથી અપેક્ષિત એક મોટો પ્રસંગ હતો. અલબત્ત, બંને કુટુંબોએ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નિમંત્રયા નહીં ને ગૌરવપૂર્વક લગ્ન ઉજવ્યા. આલિયાનું વહુ તરીકે ઘરમાં સ્વાગત કરનાર નીતુ કપૂર નચિંત હશે ને રિશીકપૂર પણ કે જે આ લગ્ન જોઇ ન શકયા. કપૂર કુટુંબમાં રાજ, શમ્મી, શશી યા રણધીર, રિશીએ જે લગ્ન કર્યા છે તે નિભાવ્યા છે. ત્યાં ડાયવોર્સ જેવું કદી બન્યું નથી. (કરીશ્મા કપૂરની વાત જૂદી છે) આ કપૂર પરંપરા રણબીર – આલિયાથી આગળ વધશે. •