રાજપીપલા: (Rajpipla) મધ્યપ્રદેશમાં ભારે વરસાદના (Rain) પગલે ત્યાંના ડેમો હવે ભરાઈ જવાથી મધ્યપ્રદેશના ઓમ કારેશ્વર ડેમના 18 ગેટ ખોલી 3,25,000 ક્યુસેક પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં ધરખમ વધારો થયો. સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક દોઢ લાખ ક્યૂસેક સુધી થઈ જતા જળ સપાટીમાં (Water Level) જબરજસ્ત વધારો થયો હતો. આજે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક ખૂબ જ વધી ગઈ છે, બપોર બાદ પાણીની આવક 138560 ક્યુસેક થઈ જતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124.77 મીટર થઈ ગઈ છે. પાણીની (Water) આવક વધવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ છેલ્લા ચાર દિવસથી 24 કલાક ચલાવવામાં આવી રહ્યા છે. જેના કારણે રોજની ઍવરેજ 5 કરોડથી વધુ રૂપિયાની વીજળી ઉત્પાદન થઈ રહી છે.
સતત પાણીની આવક વધવાના કારણે નર્મદા ડેમ હવે ધીરે-ધીરે તેના સંપૂર્ણ જળ સપાટી 138.68 મીટર તરફ વધી રહ્યો છે. ત્યારે હાલના સંજોગો જોતા લાગી રહ્યું છે કે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ શકે તેમ છે. ગત વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો હતો પરંતુ આ વખતે નર્મદા ડેમ પર પાણીની આવકમાં સતત વધારો થયો છે. મધ્યપ્રદેશમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવકમાં સતત વધારો થતા નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે અને હાલની સ્થિતિ જોતાં લાગે છે કે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય ઉપરાંત નર્મદા ડેમના દરવાજા ખોલી ખોલવા પડે એવી સ્થિતિ થાય એવું અત્યારે લાગી રહ્યું છે. તેની તૈયારીના ભાગરૂપે તંત્ર દ્વારા નર્મદા કાંઠે નર્મદા લેસર શોનો સામાન ઉઠાવી લેવાયો છે. એક શક્યતા એવી પણ દેખાઇ રહી છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ છે ત્યારે આ વખતે એવી સ્થિતિનું નિર્માણ બની શકે એમ છે કે નર્મદા ડેમના દરવાજા ખોલી ને પાણી મેળવવું પડે તેવી પણ શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. ઉલ્લેખનીય હજુ સરદાર સરોવર નર્મદા 13.92 મીટર ખાલી છે.