છિંદવાડાઃ મધ્યપ્રદેશમાં (MP) રાજકીય ગરમાવો વધી ગયો છે. પાંઢુર્નાથી કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) નિલેશ ઉઇકે બાદ પોલીસ પૂર્વ સીએમ કમલનાથના ઘરે પહોંચી છે. મોટી સંખ્યામાં પોલીસ શિકારપુરમાં તેમના ઘરે પહોંચી ત્યારે હંગામો મચી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કમલનાથના પીએની પૂછપરછ કરવા પહોંચી હતી. છિંદવાડા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર વિવેક બંટી સાહુએ તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેમનો એક વીડિયો વાયરલ કરવા માટે 20 લાખ રૂપિયાની લાંચ આપવામાં આવી છે.
વિવેક બંટી સાહુનો આરોપ છે કે પીએ મિગલાનીએ તેમનો બનાવટી વાંધાજનક વીડિયો વાયરલ કરવા માટે પત્રકારોને 20 લાખ રૂપિયાની લાલચ આપી હતી. આ પછી રાજકીય આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે. પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ચાર પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી જતાં કોંગ્રેસના નેતાઓએ રોષ વ્યક્ત કર્યો હતો.
બંટી સાહુનો આરોપ છે કે કમલનાથના પીએ આરકે મિગલાની અને એક ખાનગી ચેનલના વીડિયો જર્નાલિસ્ટે અન્ય પત્રકારોને 20 લાખ રૂપિયાની લાલચ આપી તેમનો વાંધાજનક વીડિયો વાયરલ કર્યો હતો. વિવેક બંટી સાહુએ 20 લાખ રૂપિયાની વાતચીતનો વીડિયો પણ જાહેર કર્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે બંટી સાહુએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
આ તરફ કોંગ્રેસના નેતા કે.કે.મિશ્રાએ સવાલ ઉઠાવ્યો હતો કે તમામ રણનીતિ અપનાવવા છતાં હારના ડરથી બીજેપી વધુ કેટલી નીચે જશે? રવિવારે છિંદવાડામાં કોંગ્રેસના ધારાસભ્ય નીલેશ ઉઇકેના ઘર અને અન્ય સ્થળો પર સર્ચ વોરંટ વગરના અસફળ દરોડા પછી સોમવારે અમારા નેતા કમલનાથ જીના નિવાસસ્થાન પર પોલીસે દરોડા પાડ્યા? ચોરકી દાઢીમેં તિનકા, ડરતે ક્યોં હો? અમે ન તો અંગ્રેજોથી ડરીએ છીએ અને ન તો તેમના ગોરખધંધાઓથી ડરીએ છીએ. પોલીસ તો ઠીક વોટિંગ પહેલા સૈન્ય પણ મોકલી આપો છતાં અમે જ જીતીશું.