Columns

મધર ટેરેસા અને ગાંધીજીમાં કેટલીક સામ્યતાના અદ્દભૂત કિસ્સાઓ

મધર ટેરેસા અને ગાંધીજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા, આપણે ઉદાહરણ સાથે જોઈ. આ જ બાબતે હવે થોડી વધુ વિગતો જોઈએ. મધર ટેરેસા અને ગાંધીજી બન્ને પ્રાર્થનામાં ગળાડૂબ રહેતાં. મધર તો સદા પ્રાર્થનામય રહેતા. કામ કરતાં કરતાં પણ તેઓ પ્રાર્થના કરતાં. તેઓ કહેતાં કે તેમનાં બધાં કાર્યો ઈશ્વર જ કરે છે. તેઓ તો માત્ર ઈશ્વરના હાથના instrument -સાધન જ છે. લોકોને તેમની શિખામણ હતી કે, દરરોજ સવારે કમસેકમ અર્ધો કલાક અને રાતે એક કલાક પ્રાર્થનામાં ગાળવો જોઈએ. કામ કરતાં કરતાં પણ‌ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. કામ પ્રાર્થનાને રોકતું નથી અને પ્રાર્થના કોઈ કામને અટકાવતી નથી. ‘ઈશ્વરને પ્યાર કરો’ એ એમના જીવનનો મંત્ર હતો. ગાંધીજી દરરોજ અચૂક પ્રાર્થના કરતા. પ્રાર્થના પ્રત્યેની તેમની લગનનો એક પ્રસંગ અત્રે પ્રસ્તુત છે.

એક વાર પ્રાર્થના કરવાનું તેઓ ચૂકી ગયા. રાતે દોઢ -બે વાગ્યે તેઓ અચાનક જાગી ઊઠ્યા. એકદમ બોલી ઊઠ્યા, ‘મારો માલિક, લૂણનો દેનારો, શ્વાસોચ્છવાસનો સ્વામી- તેને મેં આજે યાદ ન કર્યો ! પ્રાર્થના કર્યા વિના સૂઈ ગયો ! તેઓ લખે છે કે: મારું આખું શરીર ધ્રૂજવા લાગ્યું. પરસેવે હું રેબઝેબ થઈ ગયો’ ગાંધીજી અને મધર ટેરેસા પૈસાના લાલચુ પણ ન હતાં. ગાંધીજીએ કોઈની પાસે પૈસોયે માંગ્યો હોય તેવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. જ્યારે મધર ટેરેસા ખપ પૂરતા જ પૈસા લેતાં હતાં. તેને પુષ્ટિ આપતો એક પ્રસંગ અત્રે પ્રસ્તુત છે.

ખ્રિસ્તી ધર્મના વૈશ્વિક વડા, રોમ સ્થિત, મહાશ્રી પોપ, એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપવા 1964માં ભારત આવેલા ત્યારે તેમની સગવડ માટે એક ખાસ બનાવેલી કાર અમેરિકાના લોકોએ એમને ભેટ આપેલી. સંમેલન પૂરું થયે પોપ સાહેબે એ મહાકાય ગાડી મધર ટેરેસાને ભેટ આપી દીધી. મધરને તો આવી મોંઘીદાટ ગાડી પરવડે તેમ ન હતી. તેને વેચે તો ખૂબ મોટી રકમ આપીને ખરીદવા લોકો તૈયાર હતા. પણ મધરને વધુ નાણાં લેવા ન હતા. તેમણે આસનસોલમાં કુષ્ટરોગીઓ માટે શાંતિનગર નામનું ધામ બાંધવું હતું, તે માટે 4 લાખ રૂપિયાની જરૂરત હતી.

આ ગાડી ઑકશનથી વેચીને 4 લાખ રૂપિયા મેળવવા તેમણે વિચાર્યું પણ તેમાં ઘણા પૈસાદાર લોકો ઊંચી બોલી બોલીને તે ખરીદે તેમ હતા. એમને વધારે રકમ જોઈતી ન હતી . એટલે તેમણે એક યુક્તિ કરી. તેમણે 100-100 રૂપિયાના દાનની ગણતરી મુજબની 4000 દાનની કુપનો છપાવી અને લોકો પાસેથી એટલા પૈસા માગ્યા. 400000 રૂપિયા પૂરા મળી જતાં કુપનનું વેચાણ બંધ કર્યું. કેટલાક લોકોએ 400000 રૂપિયા આપી ગાડી ખરીદવા ઓફર કરી પણ મધરે એ ઓફર ફગાવી દીધી !

અસહકાર અને સત્યાગ્રહ એ અંગ્રેજ સરકાર સામે આઝાદી માટેની લડાઈ માટેનાં ગાંધીજીનાં મુખ્ય અને ધારદાર હથિયારો હતાં. ‘સત્યાગ્રહ’ શબ્દ એ ગાંધીજીની શોધ હતી. ઈન્ડિયન ઓપીનિયન નામના છાપામાં જાહેરાત આપી, લોકોનાં સૂચનો મેળવીને આ શબ્દ બનાવ્યો હતો. સત્ + આગ્રહ એટલે સત્યાગ્રહ. તેમણે અનેક વાર સત્યાગ્રહ કરીને સફળતા મેળવી હતી. જેલ પણ ભોગવી હતી. બારડોલીનો સત્યાગ્રહ અને દાંડીનો સત્યાગ્રહ જાણીતા છે. મધર ટેરેસા પણ સત્યાગ્રહી માનસ ધરાવતાં હતાં. એક દિવસ મધર અને તેમનાં સાથી સિસ્ટર આગ્નેસ કલકત્તાની શેરીમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે
ચીંથરાના ઢગલા પર તેમની નજર પડી.

કુતૂહલવશ તેઓ તેની નજીક ગયાં તો એક સ્ત્રી બેહોશ પડી હતી. મૂશળધાર વરસાદ પડી રહ્યો હતો છતાં પણ તેને રિક્ષામાં નાખીને તેઓ નજીકની હોસ્પિટલમાં લઈ ગયાં. ડૉક્ટરને તેને દાખલ કરીને સારવાર કરવા વિનંતી કરી પણ કોઈએ તેમની વિનંતી કાને ધરી નહીં. મધરે ફરી ફરી વિનંતી કરી ત્યારે ડૉક્ટરે કહ્યું કે, ‘ મધર અહીં ખાલી પથારી નથી અને દર્દીઓને નીચે જમીન પર સૂવડાવવા પડ્યા છે.’ મધરે કહ્યું તો તેને નીચે ગાદલું નાખીને સારવાર આપો. ડૉક્ટરે એ વિનંતી પણ ન સ્વીકારી ત્યારે તેમણે કહ્યું તો હું એને ગોદમાં લઈને બેસીશ.

છતાં ડૉક્ટરે તે ન સાંભળ્યું . ડૉક્ટરે કહ્યું, ‘મધર આમેય એ જીવવાની નથી.’ તમે એને જ્યાંથી લાવ્યાં છો ત્યાં મૂકી આવો. તે ત્યાં મરી જશે અને મ્યુનિસિપાલિટીની ગાડી આવીને તેની લાશ લઈ જશે. આ સાંભળીને મધરને આઘાત લાગ્યો. તે મક્કમ રહ્યાં. સાંજ પડતાં ડૉક્ટર ઘરે જવા નીકળ્યા. મધરને પેલી બાઈનું માથું પોતાના ખોળામાં લઈને ત્યાં જ અડીખમ બેસી રહેલાં જોયાં. મધરની ગુસ્સાસભર વેધક દ્રષ્ટિ તેમના પર પડી.

તે પાછા વળ્યા. નીચે ગાદલું નખાવડાવીને સારવાર શરૂ કરી. મધરના સત્યાગ્રહનો વિજય થયો! ગાંધીજી નમ્ર હતા પણ મધર ટેરેસા એથીયે વધુ નમ્ર હતાં. ગાંધીજી શરીર ઢાંકવા મીનીમમ કપડાં પહેરતા હતા જ્યારે મધર ટેરેસા તેમની સંસ્થા માટે તેમણે જ નક્કી કરેલાં તદ્દન સાદાં સુતરાઉ કપડાં જ પહેરતાં હતાં, તે પણ બે જોડ જ રાખતાં. તેમના અનુયાયીઓએ એ જ પ્રમાણે વર્તવું એવો તેમનો આદેશ હતો. આમ બે જોડ જ કપડાં રાખવાનાં હોવા છતાં તે કપડાં સ્વચ્છ અને સુઘડ રાખવાનો આદેશ હતો. આજે પણ એ નિયમ ચાલુ છે. ગમે તેટલો મોટો કાર્યક્રમ દેશ કે વિદેશમાં હોય, નક્કી થયેલ યુનિફોર્મ મુજબનાં જ કપડાં ધારણ કરવાનાં. મધર ટેરેસા ક્યારેય ગાંધીજીને મળ્યાં ન હતાં છતાં, ગાંધીજીની કુષ્ઠ લોકોની, હરિજનો અને દલિતોની સેવાથી વાકેફ હતાં અને તેથી ખૂબ પ્રભાવિત હતાં એટલે તેમણે ટીટાગઢ ખાતેના તેમના હોમ યાને આશ્રમનું નામ ‘ગાંધીજી પ્રેમ નિવાસ’ રાખ્યું હતું!

મધર ટેરેસાની મહાનતા તો જુઓ! 1979માં વિશ્વના સર્વોચ્ચ એવોર્ડ ‘નોબલ શાંતિ’ પુરસ્કારથી સન્માનિત કરવા તેમની પસંદગી કરવામાં આવી઼. આ પુરસ્કાર મેળવવા વિશ્વના અનેક મહાનુભાવો ઝંખતા હોય છે ત્યારે મધરે કહ્યું ‘હુ એના માટે લાયક નથી.’ મધરનાં સિસ્ટરો અને ધર્મના વડાઓએ તેમને સમજાવ્યાં કે મધર, તમારા માટે નહીં પણ જેની તમે સેવા કરો છો તે ગરીબોની સેવા માટે આ પુરસ્કાર સ્વીકારો. (આ એવોર્ડ સાથે મોટી ધનરાશિ પણ મળતી હોય છે) મધર તરત જ પ્રાર્થના માટે ચેપલ- (પ્રાર્થના માટેનો રૂમ) માં ચાલ્યાં ગયાં અને પ્રાર્થના કર્યા પછી થોડી વારમાં આવી આ એવોર્ડ સ્વીકારવા સંમતિ આપી અને એ જ સુતરાઉ કપડાંમાં નોર્વે જઈને એવૉર્ડ સ્વીકાર્યો.

Most Popular

To Top