માતા, મધર, મોમ જે કહો તે પરિવારનું કેન્દ્રબિંદુ છે. કોઇ પણ ઉપમા જેની પાસે ટૂંકી પડે એનું નામ મા. મા તો હંમેશાં મહાન જ હોય છે. કુદરતે તો સ્ત્રીને જન્મથી જ દરેક કામમાં પારંગત બનાવીને મોકલી છે. સમયે સમયે માતાનો રોલ બદલાતો રહે છે. મા તો જુદાં જુદાં માધ્યમો થકી પ્રગટ થતી જ રહે છે. માતાના ખોળામાં સ્નેહ અને વાત્સલ્ય મળે છે. કોઇ પણ વળતરની અપેક્ષા રાખ્યા વિના એના ભાગે આવેલો રોલ એક પણ રિહર્સલ કે રીટેક વગર અફલાતૂન રીતે ભજવી જાય છે. મસ્તી, મજાક, નોંકઝોંક, પ્રેમ, ઠપકો, રમતા, હસતા, રડતા, જીવનના અનુભવો અને નિરીક્ષણમાંથી ટપકતી સંવેદના એટલે જ મા. માના પ્રેમને કયારેય પાનખર નડતી નથી. દરેક મા પાસે જીવાઇ ગયેલી અને જીવવા ધારેલી ક્ષણોની બચત હોય છે. મા પાસે જીવવા જેવું ઓછું, પણ જીવાડવા જેવું ઘણું બધું હોય છે. એક માટે, બીજા માટે, આની માટે, તેની માટે જીવતા જીવતા એ પોતાને માટે કેટલું જીવી એ માએ કદી ગણ્યું જ નહીં. વિશ્વવિજેતા બનવા નીકળેલા સિકંદર જેવા સિકંદરે માની હૂંફ સામે સંપૂર્ણ સામ્રાજયને તુચ્છ ગણાવેલું. પયગંબરે પણ કહ્યું છે કે તારું સ્વર્ગ તારી માતાના પગની પાની હેઠળ છુપાયું છે. સૃષ્ટિમાં માત્ર માતા જ એવું વ્યકિતત્વ છે જે તમારા જન્મ પહેલાં જ તમને પ્રેમ કરવા લાગે છે. કોઇક કવિએ મા વિશે કહ્યું છે કે- ‘તું જ હોડી તું જ હલેસું, નાખુદા પણ તું જ છે હું કશું નહીં બસ, હૃદયનો ધબકાર પણ તું જ છે.’ માતાના સમર્પણની ઊંચાઇને કોઇ પણ કિંમતે કે કોઇ પણ સ્વરૂપે પહોંચી શકવાની ક્ષમતા કોઇએ પણ મેળવી નથી, એ વાતનો સ્વીકાર કરીએ ત્યારે જ મધર્સ ડે સાર્થક થયો કહેવાય. – પ્રવીણ સરાધીઆ (સુરત)
કારણકે જે રાહ જુએ છે તે ‘મા’ છે
જન્મ આપનાર અને આપણું લાલનપાલન કરનાર માતાના ઋણનો બદલો શું આપણે વાળી શકીએ? મા પોતે અનેક કષ્ટો, દુ:ખો વેઠીને અપાર મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના બાળકને ઉછેરે છે, પ્રસૂતિની વેદનાને એક બાજુ હડસેલીને જયારે માતા હસી પડે છે ત્યારે મોટો ચમત્કાર થાય છે. મા એટલે ચિત્કાર અને ચમત્કાર. જેના પ્રેમના લેખાંજોખાં ન થઇ શકે તે મા.
પંઢરપુરના પુંડરિકનો એક પૌરાણિક પ્રસંગ યાદ છે ને? એણે ગુરુગૃહે સાંભળ્યું કે, ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ, અતિથિદેવો ભવ અને પુંડરિકે માતાપિતાની સેવાને જીવનનું વ્રત બનાવ્યું. પ્રભુ એની ભકિતથી પ્રસન્ન થયા અને સામે ચાલીને પુંડરિકને મળવા પંઢરપુર ગયા તો પુંડરિક માતાપિતાની સેવામાં વ્યસ્ત હોવાથી પ્રભુને થોભવા કહ્યું અને એમને ઇંટ પર બિરાજવા કહ્યું. આજે પણ પંઢરપુરના વિઠોબા મંદિરમાં ઇંટ પર ઊભેલા પ્રભુની પ્રતિમા છે. આ પ્રસંગ પણ ‘મા’ને સર્વશ્રેષ્ઠ પ્રસ્થાપિત કરે છે. જો આપણને આપણી માતામાં પ્રભુના દર્શન નહિ થાય તો પ્રભુ કશે જ નહિ દેખાય.
માનું વાત્સલ્ય માનવમાં જ નહિ, પશુપંખીઓમાં પણ જોવા મળે છે. ચકલી આખો દિવસ ચણ ચણીને આવીને પોતાના બચ્ચાંનાં મોંમાં ખવડાવતા જોવાનો લ્હાવો કેટલો હૃદયંગમ છે? ગાય પણ ગોધુલી સમયે (સૂર્યાસ્ત સમયે) સીમમાંથી આવીને તરત જ પોતાના વાછરડાને જોઇને એને જીભથી ચાટવા લાગે છે અને પોતાનો માતૃપ્રેમ વરસાવી દે છે. વાછરડાને ન જુએ તો ધમાલ મચાવી મૂકે છે. પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે મા પોતાનો જીવ પણ આપી દે છે.
પ્રો. અજીતકુમાર નાનુભાઇ નાયક (ધનોરી)