કામરેજ: કઠોદરામાં ફ્લેટ ખાલી કરાવવા માટે સાસુ-વહુએ ફ્લેટમાં રહેતી મહિલાને લાકડીના સપાટા મારી બેભાન કરી નાંખી હતી. ઘર ખાલી કરાવવા માટે પીડિતા અને તેનાં બાળકોને પણ હેરાન કરવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
- કઠોદરાના એચ.આર.પી. એપાર્ટમેન્ટમાં રહેતા મંજુલા કુંભાર અને તેમની વહુ દક્ષા ત્રણ માસથી શારદા ગજેરાને ફ્લેટ ખાલી કરવા ધમકીઓ આપતા હતા
મૂળ અમરેલીના ગજેરાપરાના રહેવાસી અને હાલ કામરેજના કઠોદરા ગામે એચ.આર.પી. રેસિડન્સીમાં ફ્લેટ નં.બી-6 202માં શારદા ઉર્ફે અસ્મીતા તેજસ ગજેરા પતિ તેમજ બે બાળકો તક્ષી અને તક્ષ સાથે રહે છે. ત્રણ માસ અગાઉ બાળકી તક્ષી એપાર્ટમેન્ટમાં નીચે રમતી હતી, ત્યારે એપાર્ટમેન્ટમાં જ ફ્લેટ નં.501માં રહેતા મંજુલાબેન અને તેમની વહુ દક્ષા કુંભારે તક્ષીને વગર વાંકે મારી હતી. જે બાબતે દક્ષાબેનના ઘરે કહેવા જતાં ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતાં.
બાદમાં પંદર દિવસ અગાઉ બાળકી તક્ષી લિફ્ટમાંથી સાઈકલ બહાર કાઢતી હતી, ત્યારે મંજુલાબેને બાળકીને ધક્કો મારી નીચે પાડી દીધી હતી. ફ્લેટ આગળ આવીને ‘તમે મકાન ખાલી કરી દો, નહીંતર તમને અહીં રહેવા નહીં દઈએ’ તેવી ધમકી આપીને જતા રહ્યા હતા.
બે દિવસ અગાઉ શારદાબેન પુત્રી તક્ષી અને પુત્ર તક્ષ સાથે માર્કેટમાંથી શાકભાજી લઈને ઘરે આવી રહ્યા હતા. ત્યારે રાત્રે 7.30 કલાકે એપાર્ટમેન્ટની લિફ્ટ પાસે મંજુલાબેન અને દક્ષાબેન આવીને શારદાબેનને લાકડીના સપાટા મારવા લાગ્યા હતા. વાળ પકડીને નીચે પાડી ઘર ખાલી કરવા ધમકીઓ આપી હતી.
બંને સાસુ-વહુએ શારદાબેનને માથામાં લાકડીનો સપાટો મારી દેતાં બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાસુ-વહુ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.