રાજપીપળા: નર્મદા જિલ્લાના વરખડ ગામની સીમમાંથી 25-30 વર્ષની અજાણી મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ (Deadbody) મળી આવતાં આમલેથા પોલીસે (Police) તપાસ હાથ ધરી છે. જયેશ વિઠ્ઠલ પટેલના ખેતરની (Farm) બાજુની ખાડીમાંથી તા.27 ફેબ્રુઆરીએ સવારે 11.30 વાગે આશરે 25-30 વર્ષની ઉંમરની સ્ત્રીની લાશ રેતીમાં દટાયેલી હાલતમાં મળી આવી હતી. આ લાશ ઉપર લાલ કલરનું ટોપ કાળા ટપકાવાળી તથા લાલ કલરની લેંગીસ છે. એના મોં પરની ચામડી ઉખડી ગઈ હોવાથી એની ચોક્કસ ઓળખ થઈ શકી ન હતી. ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલી લાશ મામલે આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવતીની હત્યા કેમ થઈ, કોણે કરી એ બાબતની તપાસ નર્મદા જિલ્લા એલ.સી.બી.ને સોંપાઈ હતી. તપાસમાં મૃતક યુવતી વરખડ ગામના મનહર મંગા વસાવાની પુત્રી કાજલ હોવાનું બહાર આવ્યું હતું. નર્મદા એલ.સી.બી. અને અમલેથા પોલીસની અલગ અલગ ટીમોએ આ મામલે તપાસ હાથ ધર્યા છતાં આ હત્યા પાછળ કોઈ ચોક્કસ કારણ જણાયું ન હતું. દરમિયાન પોલીસ ટીમે આસપાસના લોકોની સાથે મૃતક યુવતીની માતા નયનાબેન તથા ભાઈ રાહુલની પૂછતાછ કરતાં આ હત્યા એમણે જ કરી હોવાનું કબૂલ્યું હતું. એમણે ગુનો કબૂલાત જણાવ્યું હતું કે, બનાવના દિવસે બંનેનો પુત્રી કાજલ સાથે ઝઘડો થયો હતો. એ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પુત્રી કાજલનું ગળું દબાવી બંનેએ હત્યા કરી હતી. અને પુત્રીની લાશને વરખડના જ સંજય પટેલ સાથે મળી નજીકના ખેતરની સીમમાં દાટી દીધી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક કાજલ ગુસ્સાવાળા સ્વભાવની હતી. આ બનાવને દિવસે એની માતા અને ભાઈ લગ્નમાં ગયાં હતાં. લગ્ન પતાવી જ્યારે ઘરે આવ્યા ત્યારે કાજલ એના ભાઈ રાહુલને ઘરની બહાર કાઢી મૂકવા જીદે ચઢી હતી. આ જ ઝઘડો કાજલની મોતનું કારણ બન્યો હતો.