સુરત : શહેરના મોસ્ટ વોન્ટેડ (Most Wanted) ટોપ 15 આરોપીઓ પૈકી લિંબાયત, ઉમરા, સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડર લૂંટ, ધાડ અને બળાત્કાર જેવા ગુનાઓમાં છેલ્લા 22 વર્ષથી વોન્ટેડ 3 આરોપીઓને (Accuases) પીસીબી પોલીસે (Police) ઝડપી પાડ્યા હતા.પોલીસ કમિશનર અજયકુમાર તોમરે છેલ્લા દાયકાઓથી ગંભીર ગુનાના વોન્ટેડ ટોપ 15 આરોપીઓને પકડી પાડવા માટે ઇનામ જાહેર કર્યા હતા. સાથે જ આ આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરાયા હતા. પીસીબી પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.સુવેરાએ તેમની ટીમને આવા આરોપીઓને પકડવા માટે કામે લગાડ્યા હતા. ત્યારે પી.સી.બીના હે.કો અશોકભાઇ લુણીને મોસ્ટ વોન્ટેડ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓની બાતમી મળી હતી. જેમાં તેમને ઉમરા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી પોતાનું નામ બદલીને ડિંડોલી ખાતે ગોવર્ધનનગર સોસાયટીમાં રહેતો હોવાની બાતમી મળી હતી.
સાઇકલ ચલાવવા બાબતે અલથાણ નહેર પાસે ઝઘડો થયો હતો
બાતમીના આધારે પીસીબીએ આરોપી આદીકાંત ઉર્ફે અધિકાર રામ પ્રધાન (ઉ.વ.૪૫) ને ઝડપી પાડ્યો હતો. આ વોન્ટેડ આરોપી ઉપર રોકડ રૂ.40 હજાર નુ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપીની પુછપરછ કરતા ર્વષ 2002 માં તે તથા તેનો મિત્ર, પ્રભુ ઉર્ફે રવિ દિગમ્બર પાત્ર અલથાણ ખોડીયારનગર ખાતે ભાડેથી રહેતા હતા. ત્યારે તેમના ઘર પાસે રહેતા શંકર બહેરા તથા રંજન ગૌડ નામની વ્યક્તિઓ સાથે નવી સાઇકલ ચલાવવા બાબતે અલથાણ નહેર પાસે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં શંકર બહેરાને ગળાના ભાગે તથા પેટના ભાગે ચપ્પુ મારી ગંભીર ઇજા કરી હતી. અને રંજન ગૌડને ગળાના ભાગે ચપ્પુ મારતા તેનું મોત થયું હતું. અને તેની લાશ નહેરમાં ફેંકી ત્યાથી વતન ભાગી ગયા હતા. જે તે સમયે પોલીસ વતન ઓરિસ્સા ખાતે શોધવા ગઈ ત્યારે તે જંગલમાં ભાગી ગયો હતો. ત્યાર બાદ કામ ધંધો કરવા આન્ધ્રપ્રદેશ અને કેરળમાં મજુરી કામ કરતો હતો. છેલ્લા 6 ર્વષથી સુરતમાં આવી નામ બદલીને રહેતો હતો.
એક આરોપી હાલ કોલ્હાપુર સેન્ટ્રલ જેલ અને બીજો ચિત્રકુટ જીલ્લા જેલમાં બંધ
લીંબાયત પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓમાં વોન્ટેડ આરોપી સુનીલ ઝુંબર કાળે (રહે, આનંદનગર સોસાયટી, નવાગામ તથા મુળ તા.બારામતી જિ.પુણે મહારાષ્ટ્ર) હાલ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના તાસગાંવ પોલીસ સ્ટેશનનાં હત્યાના ગુનામાં કોલ્હાપુરની સેન્ટ્રલ જેલ કાબા ખાતે બંધ હોવાની માહિતી મળી હતી. હાલ તેનો કબજો મેળવવાની કાર્યવાહી ચાલું છે. આ આરોપી ઉપર 40 હજારનું ઇનામ જાહેર કરાયું હતું.
સચીન જીઆઈડીસીમાં હત્યાના ગુનામાં અને સચીન પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી લખન દાદુરામ કુર્મી પટેલ (રહે. વિષ્ણુગુપ્તાની ચાલ પાલીગામ સચીન તથા મુળ બાંદા, ઉત્તરપ્રદેશ) હાલ ઉત્તરપ્રદેશ રાજયના ચિત્રકુટ જિલ્લાના કરવી પોલીસ સ્ટેશનના હત્યાના તથા આર્મ્સ એક્ટલા ગુનામાં ઉત્તરપ્રદેશ રાજયના ચિત્રકુટની જીલ્લા જેલ ખાતે બંધ હોવાની માહિતી મળી હતી. તેનો કબજો મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઉપર 45 હજારનું ઇનામ જાહેર કરાયું છે.