ગોકુળમાં પૂતના વેશ બદલીને નંદ બાવાના ઘરમાં પહોંચી ગઇ. પૂતનાનું એક જ કાર્ય – નવજાત બાળકોને શોધી શોધીને મારી નાખવાં. આમ કરવા જતાં જશોદાને ત્યાં જે શ્રીકૃષ્ણ હતા તેની હત્યા થઇ જાય. એક વાર શ્રીકૃષ્ણ ન રહે એટલે કંસના માથેથી ઘાત જાય, તે નિશ્ચિંત થઇ જાય – અહીં પણ સૂચવાય છે કે મનુષ્યને કે રાક્ષસને – સૌથી મોટો ડર મૃત્યુનો. હવે આ ઘટનાએ વૈજ્ઞાનિક રીતે જોઇએ. સંસ્કૃતમાં પૂતનાનો એક અર્થ શીતળા જેવી મહામરી થાય છે. લુઇ પાશ્ચરે આવા રોગોની રસી શોધી તે પહેલાં લાખો બાળકો શીતળાનો ભોગ બનતાં હતાં. આજે આપણે વિજ્ઞાનની સહાયથી શીતળાનો રોગ સંપૂર્ણપણે જગતમાંથી દૂર કરી દીધો છે. આજે હવે બાળકોને શીતળાની રસી આપવામાં આવતી નથી.
જો પૂતનાનો અર્થ શીતળા ઘટાવીએ તો એ જમાનામાં અસંખ્ય બાળકો શીતળાનો ભોગ બનતાં હતાં. નંદ – જશોદાના ગોકુળમાં શીતળાનો વાવર ફેલાયો, જેમની પ્રતિકારશકિત ઓછી હતી તે બધાં બાળકો શીતળાનો ભોગ બન્યાં પણ શ્રીકૃષ્ણ પોતાની પ્રતિકારશકિતને કારણે ઊગરી ગયા. આ અર્થઘટન સ્વીકારો-ન સ્વીકારો, પણ પ્રજાને ચમત્કારોમાં રસ પડે છે એટલે શ્રીકૃષ્ણની આસપાસ ચમત્કારો ગૂંથી દીધા. એ પણ આપણા અંતરની અનિવાર્યતા છે. આ ઘટનાનું વર્ણન શ્રીમદ્ ભાગવતના શિવ સ્કંધમાં જે રીતે કરવામાં આવ્યું છે તેનો જ આધાર લઇને પ્રેમાનંદ ‘દશમ સ્કંધ’માં કરે છે પણ પોતાની આગવી રીતે.
કંસ સભા ભરીને મૃત્યુની ઘાત કેવી રીતે દૂર થાય તેની મંત્રણા કરતો હતો. નવજાત કન્યાને પણ પગ પકડીને મારી નાંખવા તૈયાર થયો ત્યારે તે કન્યા ‘તારો શત્રુ તો બીજે કયાંક જન્મી ચૂકયો છે.’ એમ બોલીને આકાશમાં ઊડી ગઇ ત્યારથી કંસને ચટપટી થઇ હતી – સભામાં કેશી નામના દાનવે કહ્યું -પૂતના બાળકોનો ઘાત કરવામાં નિપુણ છે – આ પૂતનાને કેશી તો સતી તરીકે ઓળખાવે છે અને આપણા કુળમાં એ રત્ન છે. વિવિધ રૂપ લઇને વિશ્વને વાંઝિયા બનાવવાનું કાર્ય તે કરી રહી છે.’
પોતાની પ્રશંસા સાંભળીને પૂતના તો ફુલાઇ, તે કંસને પ્રણામ કરે છે અને અહીં પ્રેમાનંદ તેનું વર્ણન કેવી રીતે કરે છે? ‘લાંબા લાંબા હોઠ, ઊંધા પગ, કાળી જીભ’ વાળી પૂતનાને જોઇને અસુરસભા જો ભય પામી ગઇ હોય તો માનવીનું શું ગજું? એટલે કંસની આજ્ઞા લઇને પૂતના ગોકુળમાં જવા તત્પર થઇ. હવે ગોકુળમાં વસુદેવ તો બાળમુકુંદને જશોદા પાસે સૂવડાવીને આવી ગયા – કોઇને કશી જાણ ન થઇ. ચારે બાજુ ઉત્સવ ઉત્સવ થઇ ગયો. બધાં નંદ – જશોદાને ભેટ સોગાદ આપવા તત્પર થયા.
ગોકુળની આસપાસ જેટલાં બાળકો હતાં તે બધાં પૂતનાએ મારી નાખ્યાં – આ વાતની વધામણી કંસને આપી. હવે ગોકુળમાં કોઇ બાળકનો જન્મ થયો છે તેની રક્ષા બહુ થઇ રહી છે એટલે તમે ગોપલોકોને મથુરા તેડાવો તો હું નંદને ઘેર જાઉં. પુરુષો તો બુદ્ધિશાળી હોય છે, સ્ત્રીઓ માયાને વશ થઇ જતી હોય છે. પ્રેમાનંદના જ નહીં – દુનિયાભરમાં સ્ત્રીને ઊતરતી કક્ષાની માનવામાં આવી છે એટલે અહીં પણ પૂતનાને એવો વિશ્વાસ કે સ્ત્રીઓને ભોળવી શકાય – પુરુષોને નહીં. એટલે કંસે નંદબાવાને કર આપવા મથુરા બોલાવ્યા – કંસના દૂત આવીને શું માગે છે? ‘શ્રાવણ મહિનાનો કર લાવો -ગૌરી ગાયોના દૂધમાંથી બનાવેલું ઘી લાવો, દૂધ – દહીં લાવો.’ કેટલી બધી લોકપ્રિય ફિલ્મોમાં પણ ગુંડાઓ આવીને ગ્રામજનો પાસેથી બધું બળજબરીથી પડાવે છે – છેક જાપાની ફિલ્મ‘સેવન સમુરાઇ’, ‘ફાઇવ મેન આર્મી’ થી માંડીને હિંદી ફિલ્મ ‘શોલે’ સુધી આવી બળજબરી જોવા મળશે.
નંદબાવાએ મથુરા જતી વખતે જશોદાને સાવચેત પણ કરી. ‘બાળકને જરા વાર પણ એકલો ન મૂકતા.’ કહીને નંદબાવા ગોપબાલોને લઇને નીકળી પડયા મથુરા જવા -સાથે ઘી – દૂધ – દહીં માખણના ગાડવા ભર્યા. કંસ પાસે જઇને એ બધો કર આપ્યો. ‘બહુત નમે નાદાન’ કહેવત પ્રમાણે તો કંસ ઓળઘોળ થઇ ગયા – ‘અરે તમે તો અમને પુત્રજન્મની વધામણી પણ ન કહી અને ક્ષેમકુશળ રહેજો. બાળક માટે ઘરેણાં, ટોપી, કપડાં આપ્યાં – ગોપબાલોને અનાજપાણી આપ્યાં. આ બધાં પાછળ આશય તો સ્પષ્ટ -જેમ બને તેમ નંદબાવાને અને ગોપબાલોને રોકી રાખું તો પૂતના એનું કાર્ય નિરાંતે કરી શકે.’ આના પ્રતિભાવરૂપે નંદ જે બોલે છે તેમાં જરાય કૂડકપટ નથી. ‘તમારા પુણ્યે અમારે ઘેર બાળક જન્મ્યો. તમે રાજા કહેવાઓ, અમારા દેવ કહેવાઓ – બાળકો મોટાં થઇને તમારી સેવા કરશે.’ કંસે માની લીધું કે હવે પૂતનાએ પોતાનું કાર્ય નિર્વિઘ્ને પતાવી દીધું હશે એટલે નંદબાવાને વિદાય આપી.