બારડોલી : ગુજરાત પોલીસ દ્વારા મોસ્ટ લિસ્ટેડ (Most listed) બુટલેગરોને (Bootlegers) પકડવા માટે આરોપી દીઠ 25 હજાર રૂપિયાની ઈનામની (reward) જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બારડોલીના બુટલેગર પિન્ટુ પરસોત્તમ પટેલનો પણ સમાવેશ થતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બારડોલીથી (Bardoli) જ ઇનામી બુટલેગર પિન્ટુ પટેલને દબોચી લેતાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા છતી થઈ છે.સ્ટેટ મોનિટરિંગ સેલના અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યા બાદ IPS નિર્લિપ્ત રાય દ્વારા બુટલેગરો પર સકંજો કસવામાં આવી રહ્યો છે. દારૂના અનેક ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ બુટલેગરોને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ અભિયાન હેઠળ લાંબા સમયથી નાસતા ફરતા હોય તેવા બુટલેગરોના CRPCની કલમ 70 મુજબ વોરંટ મેળવવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા કુલ પાંચ બુટલેગરોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં
જે વ્યક્તિ ઇનામી બુટલેગર વિશે માહિતી આપશે તેને આરોપી દીઠ 25 હજાર રૂપિયાનું ઈનામ આપવાનું પોલીસે નક્કી કર્યું હતું. પોલીસ દ્વારા કુલ પાંચ બુટલેગરોનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં બારડોલીના હિદાયતનગરમાં રહેતો પિન્ટુ પરસોત્તમ પટેલનો પણ સમાવેશ થતો હતો.પિન્ટુ સામે રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં દારૂના 32 જેટલા ગુનાઓ નોંધયેલા છે અને 10 ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ ઘણા લાંબા સમયથી પિન્ટુની શોધખોળ કરી રહી હતી. પરંતુ સ્થાનિક પોલીસ આ બાબતે તદ્દન નિષ્ક્રિય જોવા મળી હતી. દરમ્યાન મંગળવારે રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બારડોલીના ધામડોદ લુંભા ખાતે કડોદ રોડ પર બાલાજી પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલા લક્ષ્મી મેડિકલ એન્ડ જનરલ સ્ટોર પરથી ઝડપી લીધો હતો. ત્યારબાદ બારડોલી ટાઉન પોલીસમથકની સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવી આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર ખાતે લઈ ગયા હતા.
અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો
પિન્ટુના માથે ઈનામ જાહેર કરવામાં આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આથી વિસ્તારના અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના નવાપુર ખાતે રહેતા વિશ્વાસ ભીમરાવ ગડરી, દેવેન્દ્ર ઉર્ફે બંસી રામકુલસિંગ પરિહાર ચાંદખેડા, અમદાવાદ, મૂળ રહે.,મથુરા, ઉત્તરપ્રદેશ સુનીલ ઉર્ફે અદો પ્રકાશમલ કેવળરામાણી વડોદરા અને સુનીલ ઉર્ફે ભંવરલાલ મોતીલાલ દરજી ગાંડોલી, જિ.ઉદેપુર, રાજસ્થાનને માથે પણ 25-25 હજારનાં ઈનામ જાહેર કરવામાં આવ્યાં છે.