સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં તે નર્યું જુઠાણું છે. ખરેખર તો એમ. એસ. પી. ખતમ કરવા માટેનું એક ષડયંત્ર છે. ગુજરાતના ખેડૂતો પર ૯૦,૦૦૦ કરોડ કરતા વધુ દેવું છે, ત્યારે ખેડૂતોને તેમની મહેનતની કિંમત આપવી જોઈએ છે. તેવી રજૂઆત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી.
પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર – ભાજપ સરકારની ખેડૂત – ખેતી અને ગ્રામ્ય વિરોધી નીતિના કારણે સતત ખેડૂત અને ખેતી બરબાદ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત બીજી બાજુ પ્રતિહેક્ટર ખેતીનો ખર્ચ ૨૫૦૦૦ રૂપિયા કરતા વધુ થઈ ગયો છે. કેન્દ્રની ભાજપ સરકારની ખેડૂત – ખેતી વિરોધી નિતિના કારણે ખેડૂતની આવક અડધી થઈ ગઈ છે.
ખેતીનો ખર્ચ બમણો થઈ ગયો છે. આ દેશના ખેડૂતો સાથે શું આ સૌથી મોટી છેતરપીંડી નથી ? ડીઝલ, જંતુનાશક દવા, બીયારણ, ખેડૂત ઓજાર, ટ્રેક્ટર પાર્ટસ સહિતમાં સતત ભાવવધારો અને ૧૨ ટકાથી ૧૮ ટકા જીએસટી વસૂલાય રહ્યો છે. ગુજરાતના ખેડૂતો -ખેતી બચાવવા માટે કૃષિના ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા અને ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતીના ઓજારો સહિતની વસ્તુઓ પર જીએસટી નાબુદ કરવી જોઈએ.
પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું હતુ કે ભાજપ સરકારની દરેક યોજના ખેડૂતના હિતના નામે અબજોપતિ – અમીર – ઉદ્યોગગૃહોના ફાયદા માટે જ હોય છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હકીકતમાં ”ખેડૂત ફસા જા” યોજના બની ગઈ અને ખાનગી વિમા કંપનીઓએ ૨ લાખ કરોડ રૂપિયા દેશના ખેડૂતો પાસેથી લૂંટી લીધા.
કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વ સરકારે વર્ષ ૨૦૦૬-૦૭ થી ૨૦૧૩-૧૪માં વચ્ચે ટેકાના ભાવોમાં ૨૦૫ ટકાનો વધારો કર્યો છે. જ્યારે મોદી સરકારે અનાજમાં ૪૪ ટકા અને ઘઉંમાં માત્ર ૪૩ ટકા વધારો કર્યો છે. દેશના અને ગુજરાતના ખેડૂતો સતત દેવાદાર થતા જાય છે. ગુજરાતના ખેડૂતો પર ૯૦,૦૦૦ કરોડ કરતા વધુ દેવું છે, ત્યારે ખેડૂતોને તેમની મહેનતની કિંમત જોઈએ છે. ભીખ નહિ, ત્યારે દેશ અને ગુજરાતના ખેડૂતો -ખેતી બચાવવા માટે કૃષિના ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા અને ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતીના ઓજારો સહિતની વસ્તુઓ પર જીએસટી નાબુદ કરીને ન્યાય આપવા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ માંગ કરી છે.