નવી દિલ્હી: દક્ષિણ-પશ્ચિમ આફ્રિકન દેશ મોઝામ્બિકના (Mozambique) ઉત્તરી કિનારે મુસાફરોથી ભરેલી બોટ ડુબી (Sink the boat) જતાં 90થી વધુ લોકોના મોત (Death) થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે એક માછીમારી બોટ હતી જે લોકોને એક કિનારેથી બીજા કિનારે પહોંચાડવા માટે ફેરવવામાં આવી રહી હતી. નમપુલા પ્રાંત નજીકના એક ટાપુ પર પહોંચવાનો પ્રયાસ કરતી વખતે મોજાંથી અથડાઈને બોટ નિયંત્રણ બહાર ગઈ ત્યારે આ અકસ્માત થયો હતો. મૃત્યુ પામેલાઓમાં ઘણા બાળકો પણ સામેલ છે.
ન્યૂઝ એજન્સી એએફપીએ નામપુલા સ્ટેટ સેક્રેટરી જેમી નેટોના હવાલાથી જણાવ્યું હતું કે બોટ મુસાફરોને લઈ જવા માટે બનાવવામાં આવી ન હતી અને તેમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા, જેના કારણે તે ડુબી હતી. આ દુર્ઘટનામાં 90થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ઘણા બાળકો પણ સામેલ છે. રેસ્ક્યુ ટીમે અત્યાર સુધીમાં પાંચ લોકોને જીવતા બચાવવામાં સફળતા મેળવી છે અને અન્યની શોધખોળ ચાલુ છે. જો કે દરિયામાં ઉછળેલા મોજાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નાટોએ જણાવ્યું હતું કે મોટાભાગના પ્રવાસીઓ એવા હતા જેઓ કોલેરાના ડરને કારણે મેઈન લેન્ડ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સરકારી આંકડાઓ અનુસાર, ઓક્ટોબરથી અત્યાર સુધીમાં મોઝામ્બિકમાં કોલેરના લગભગ 15,000 કેસ સામે આવ્યા છે. દૂષિત પાણીના લીધે 32 લોકોના મૃત્યુ નોંધાયા છે. નમપુલા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત છે. એક તૃતીયાંશ કેસ અહીંથી જ નોંધાયા છે.
તાજેતરના મહિનાઓમાં નમપુલાએ પડોશી કાબો ડેલગાડોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા જોયા છે. તેઓ જેહાદી હુમલાઓથી ભાગી રહ્યા છે. નમપુલા રાજ્ય સચિવ નેટોએ જણાવ્યું કે, બોટ દુર્ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. બચાવી લેવામાં આવેલા પાંચ લોકોમાંથી બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દુર્ઘટના સમયે બોટ મોઝામ્બિક આઇલેન્ડ તરફ જઇ રહી હતી. તે એક નાનો કોરલ ટાપુ છે, જે પૂર્વ આફ્રિકામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન રાજધાની તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આ ટાપુના નામ પરથી દેશનું નામ રાખવામાં આવ્યું છે.