National

દેશભરમાં 9 લાખથી વધુ લોકોએ કોવિડ વિરૂદ્ધ ‘પ્રિકોશનરી’ ડોઝ લીધો

નવી દિલ્હી : 9 લાખ કરતાં વધુ આરોગ્ય અને ફ્રન્ટલાઈન કર્મીઓ અને કોમોર્બીડવાળા (Comorbid) 60 વર્ષ અને તેનાથી ઉપરના લોકોને સોમવારે તેમની ત્રીજ કોવિડ રસી (Third covid vaccine) મૂકવામાં આવી હતી, એમ આરોગ્ય મંત્રાલયે (Ministry of Health) કહ્યું હતું. દિવસભર લાખો 60 વર્ષ અને તેનાથી વધુ વયના, ફ્રન્ટલાઈન કર્મચારીઓ (Frontline employees) અને આરોગ્યકર્મીઓએ (Health worker) સોમવારે પોતાની ત્રીજી કોવિડ રસી લીધી હતી. ભારતમાં સંક્રમણની વિરૂદ્ધ ‘પ્રિકોશનરી’ ડોઝ (Precision dose) લગાવવાની શરૂઆત થઈ હતી,

દેશમા કેસો જોખમી રીતે વધી રહ્યા છે ત્યારે આ પગલું મહત્વપૂર્ણ છે. હિમવર્ષા, કડકડતી ઠંડી, અમુક જગ્યાએ વરસાદ અથવા ચમકતા સૂર્યનો સામનો કરતાં કેટલાંક લોકો દેશભરમાં રસી કેન્દ્રની (vaccine center) બહાર લાઈનમાં ઉભેલાં દેખાયા હતાં. એક અંદાજ મુજબ 1.05 કરોડ આરોગ્યકર્મીઓ અને 1.0 કરોડ ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને કોમોર્બીડવાળા 2.75 કરોડ વરીષ્ઠ નાગરિકોને ‘પ્રિકોશનરી’ ડોઝ મૂકવામાં આવશે, એમ આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું. 24 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટેની જાહેરાત કરી હતી.


ઈમ્યુનિટી બૂસ્ટર ઝુંબેશ અંતર્ગત 9 લાખ લોકોને રસી આપવામાં આવશે

‘ઈમ્યુનિટી બૂસ્ટર ઝુંબેશ’ શરૂ થઈ ચુકી છે ત્યારે મહાનગરો, શહેરો અને ગામોમાં વૃદ્ધો અને અન્યો સુરક્ષાની અન્ય પરત લઈ રહ્યા હતાં તેવા દ્રશ્યો દેખાયા હતાં. આ ઝુંબેશની શરૂઆત થઈ તે અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના એક આરોગ્ય કેન્દ્ર પર હાજર રહ્યાં હતાં. રાજ્યમાં 9 લાખ પાત્રતા ધરાવતા લોકોને રસી મૂકવામાં આવશે.

મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં નવા કેસોમાં ઘટાડો નોંધાયો

ભારતમાં આજે સતત પાંચમા દિવસે કોરોનાવાયરસના નવા ચેપના એક લાખ કરતા વધુ કેસ નિકળ્યા હતા. સોમવારે રાતના 8.30 કલાક સુધી વિવિધ રાજ્યોમાંથી મળેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં 111225 નવા કેસો નોંધાયા છે અને 248 દર્દીઓના મોત થયા છે જ્યારે કે 36108 લોકો સાજા થયા છે. જો કે હાલમાં સૌથી વધુ ચિંતાજનક બનેલા મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં સોમવારે નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 33470 નવા કેસ મળ્યા છે જ્યારે કે ગઇકાલે ત્યાં 44338 કેસ મળ્યા હતા. ત્યાં સાજા થનાર લોકોનું પ્રમાણ બમણુ થયું છે. દિલ્હીમાં નવા કેસોનો આંકડો સોમવારે ઘટીને 20 હજારની નીચે જતો રહ્યો છે, ત્યાં 19166 નવા કેસ મળ્યા છે જે રવિવાર કરતા 16 ટકા ઓછા હતા. પશ્ચિમ બંગાળમાં 19286 નવા કેસ મળ્યા છે જે રવિવાર કરતા 5001 ઓછા છે.

દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 13.29 ટકા

બીજી બાજુ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા આંકડાઓ મુજબ 179 723 નવા કેસ નોંધાયા હતા જે 204 દિવસમાં સૌથી વધુ છે. જયારે કે 146 નવા મોતની સાથે કુલ મૃત્યુઆંક 483936 પર પહોંચ્યો છે, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધી 4033કેસો થયા છે એમ પણ સરકારના આંકડાઓ જણાવે છે. દૈનિક પોઝિટિવિટી રેટ 13.29 ટકા છે, જ્યારે કે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 7.92 છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

કોરોનાવાયરસના વિશ્વભરમાં 24 કલાકમાં 18.05 લાખ નવા કેસો નિકળ્યા છે જેની સાથે હવે વિશ્વમાં 4.27 કરોડ એક્ટિવ કેસો થયા છે જેમાંથી 1.81 કરોડ સક્રિય કેસો તો ફક્ત અમેરિકામાં જ છે. સૌથી વધુ નવા કેસો અમેરિકામાં 3.08 લાખ જ્યારે બીજા ક્રમે ફ્રાન્સમાં 2.96 લાખ નવા કેસો નિકળ્યા છે. નવા કેસોમાં ત્રીજો ક્રમ ભારતનો છે.

Most Popular

To Top