National

ગરમીના લીધે બિહારની શાળાઓમાં 70થી વધુ વિદ્યાર્થીઓ બેભાન, હોસ્પિટલમાં દાખલ કરાયા

બિહાર: બિહારમાં (Bihar) ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ (Students) માટે શાળાએ જવું એ પણ એક મોટી સમસ્યા બની ગઇ છે. કારણ કે કાળઝાળ ગરમીના કારણે બિહારની ઘણી શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બેભાન (Unconscious) થઇ રહ્યા છે. ત્યારે આજે 29 મે ના રોજ કુલ 70 વિદ્યાર્થીઓ ગરમીના કારણે બેભાન થયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ બિહારની બેગુસરાય, મુંગેર, શેખપુરા, જમુઈ અને બાંકા સરકારી શાળાઓમાં કાળઝાળ ગરમીના કારણે 70થી વધુ બાળકો જમીન પર બેભાન થઈ ગયા હતા. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ ઘટના સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો.

વાલીઓનું કહેવું છે કે આકરી ગરમીમાં પણ બાળકોને રજા આપવામાં આવી નથી. જ્યારે અરજી કરવામાં આવે છે ત્યારે જવાબ મળે છે કે શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ કે.કે.પાઠકે શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો નથી. 42 થી 45 ડિગ્રી તાપમાનના કારણે બાળકો શાળામાં જ બીમાર પડી રહ્યા છે. ત્યારે તેમને રજા આપી દેવી જોઇયે.

બેગુસરાયમાં 41થી વધુ વિદ્યાર્થીઓ બેભઅન થયા હતા
બેગુસરાયમાં વધી રહેલી ગરમી વચ્ચે વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા 41થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. બેભાન અવસ્થામાં વિદ્યાર્થીઓને ઉપાડીને પીએચસીમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ સિવાય માનકૌલ ગામની હાઈસ્કૂલમાં એક પછી એક 13થી વધુ બાળકો બેભાન થયા હતા. શિક્ષકોએ સ્થાનિક લોકોની મદદથી આ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

એટલું જ નહીં પણ મુંગેરના ધરહરા બ્લોકની ત્રણ શાળાના પાંચ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. હેમરાજપુર હાઈસ્કૂલમાં પરીક્ષા દરમિયાન એક શિક્ષક પણ બેભાન પણ થઈ ગયા હતા. બાંકા જિલ્લાના શંભુગંજની મિર્ઝાપુર પંચાયત સ્થિત પ્રમોટેડ મિડલ સ્કૂલમાં ભોજન બનાવતી વખતે રસોઈયો બેહોશ થઈ ગયો અને જમીન ઢળી પર પડ્યો હતો.

જમુઈમાં શાળાના વડા અને ત્રણ શિક્ષકો બેભાન
જમુઈની અપગ્રેડ કરેલી શાળામાં ત્રણ બાળકો, નરબાડા અપગ્રેડ મિડલ સ્કૂલમાં એક બાળક, બરહાટ બ્લોકની અપગ્રેડ મિડલ સ્કૂલ ચૌહાણગઢમાં બે, ગર્લ્સ મિડલ સ્કૂલ મલયપુરમાં આઠ છોકરીઓ અને બે શિક્ષકો, અપગ્રેડ મિડલ સ્કૂલ નરસોટામાં એક વિદ્યાર્થીની પણ બેભાન થઇ હતી.

આ સાથે જ લક્ષ્મીપુર બ્લોક હેઠળના મટિયા સ્કૂલના બે બાળકો જમીન પર બેભાન થઈ ગયા હતા. જ્યાં શાળાના શિક્ષકોએ સમયસૂચકતા દાખવી બાળકને ક્લાસ રૂમમાં બેંચ પર સુવડાવીને ભાનમાં લાવ્યા હતા અને બાળકના વાલીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ માતા-પિતા બાળકને પોતાની સાથે લઈ ગયા હતા.

લક્ષ્મીપુર બ્લોકની અપગ્રેડ મિડલ સ્કૂલ ચપ્પરઘુટ્ટોની મુખ્ય શિક્ષિકા મેરીગોરેટી સોરેનની પણ તબિયત પણ બગડી હતી, જેના કારણે તેઓ બેહોશ થઈને જમીન પર પડી ગયા હતા. લક્ષ્મીપુર ઉપરાંત જમુઈ સદરમાં એક શિક્ષક અને ઝાઝામાં બે શિક્ષકો બેભાન થઈ ગયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

બિહારમાં છેલ્લા 12 વર્ષની રેકોર્ડ બ્રેક ગરમી
બિહારમાં લોકો ગરમીથી ત્રસ્ત છે. ત્યારે બિહારમાં છેલ્લા 12 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટી ગયો છે. ઔરંગાબાદમાં મહત્તમ તાપમાન 47.7 ડિગ્રી અને દેહરીમાં 47 ડિગ્રી નોંધાયું હતું. અગાઉ 12 જૂન 2012ના રોજ ઔરંગાબાદનું મહત્તમ તાપમાન 46.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે બક્સર, ઔરંગાબાદ, ગયા, ભાબુઆ અને રોહતાસમાં હીટ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ સીતામઢી, મધુબની, દરભંગા, ભભુઆ, રોહતાસ, ઔરંગાબાદ અને નવાદામાં ગરમ ​​રાત્રિની શક્યતા છે.

Most Popular

To Top