આણંદ : ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)માં છેલ્લા 2 માસમાં 350થી વધારે વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ દ્વારા મહત્તમ રૂ. 32 લાખ સુધી વાર્ષિક પેકેજની નોકરીની ઓફર કરવામાં આવી છે. ચારુસેટના કેરિયર ડેવલપમેન્ટ અને પ્લેસમેન્ટ સેલની રોજગારલક્ષી પ્રવૃત્તિઓ પર આ પરિસ્થિતિની જરાય અસર થઈ નથી. ચારુસેટ કેમ્પસમાં દર વર્ષે વિવિધ કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓને આકર્ષક ઓફર કરવામાં આવે છે.
જેમાં આ વરસે લગભગ 250થી વધારે કંપનીઓ કંપનીમાં જોબ આપવા ઉત્સુકતા દાખવી છે. જેમાં છેલ્લા 2 માસમાં 350થી વધારે વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ થતાં અગાઉ જ નોકરી મળી ગઈ છે. વિદ્યાર્થિનીઓને પણ વિદ્યાર્થીઓની સમકક્ષ ઉચ્ચ પગારધોરણ પ્રાપ્ત થયું છે જેમ કે એમજી મોટર્સ, ટોરેન્ટ પાવરમાં ઇલેક્ટ્રિકલ વિભાગની 3 વિદ્યાર્થિનીઓને જોબ મળી છે. મહામારીમાં લોકોને નોકરીની ચિંતા હોય છે ત્યારે ચારુસેટે વિદ્યાર્થીઓને 100 ટકા પ્લેસમેન્ટ આપ્યું છે. આ વર્ષે મહામારીમાં દર વર્ષની જેમ 1000થી વધારે વિદ્યાર્થીઓને ગમતા ફિલ્ડમાં જોબ મળી છે.
આ અંગે કેળવણી મંડળ, ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ સી.એ. પટેલ, કિરણ પટેલ, અશોક પટેલ, માતૃસંસ્થા કેળવણી મંડળના સીએચઆરએફના સેક્રેટરી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા કેળવણી મંડળ ચારુસેટ સીએચઆરએફના ટ્રસ્ટીઓ, સલાહકારો, હોદ્દેદારો, પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય વિવિધ ફેકલ્ટીના પ્રિન્સીપાલો –ડીન વગેરેએ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યાં હતાં.
કઇ – કઇ કંપની દ્વારા ઓફર કરવામાં આવી છે ?
દેશની જાણીતી કંપનીઓ જેવી કે એમજી મોટર્સ, ટોરેન્ટ પાવર, નિરમા, અદાણી, પોલીકેબ, પેનાસોનિક લાઈફ, TBEA, GSFC, એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ, રોટોમોટિવ, મેક્સિસ રબર વગેરે કંપનીઓમાં ચારુસેટની સિવિલ-મિકેનિકલ-ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને જોબ ઓફર થાય છે. સાથે સાથે મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે ટીસીએસ, ઇન્ફોસિસ, મોટોરોલા, કેપજેમીની, JEAVIO, થોમસન રોઈટર્સ, એમેઝોન વગેરેમાં સરકીટ બ્રાન્ચના વિદ્યાર્થીઓને જોબ ઓફર થાય છે.
ઈન્ટર્નશિપમાં વિદ્યાર્થીઓને ફરજિયાત કંપનીઓમાં ટ્રેનીંગ માટે મોકલવામાં આવે છે
ચારુસેટમાં કોર્સના ભાગરૂપે એન્જીનિયરિંગમાં બીજા-ત્રીજા વર્ષ પછી સમર ઈન્ટર્નશિપમાં વેકેશન દરમિયાન દરેક વિદ્યાર્થીઓને ફરજિયાત ખ્યાતનામ કંપનીઓમાં ટ્રેનીંગ માટે મોકલવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ અનુભવ મળે છે અને પોતાની મનપસંદ ટેક્નોલૉજી અને ફિલ્ડ નક્કી કરી કારકિર્દી બનાવી શકે છે. આ જ રીતે છેલ્લા સેમિસ્ટરમાં દર વર્ષે ડિસેમ્બરથી વિદ્યાર્થીઓ કંપનીમાં ફૂલટાઇમ કોર્સના ભાગરૂપે જતા હોય છે.