SURAT

સુરતમાં પીધ્ધડોથી આખી પોલીસ વેન ભરાઈ ગઈ, થર્ટી ફર્સ્ટની રાતે 250થી વધુ દારૂડિયા પકડાયા

સુરત : શહેર પોલીસે 31 ડિસેમ્બર પહેલા દારૂબંધીનો અમલ થાય તે માટે ખાસ કરીને શહેરમા મોડી રાતથી લોખંડી બંદોબસ્ત ખડકી દીધો હતો. એક અંદાજ પ્રમાણે પીધેલા તથા દારૂની બાટલી લઇને આવતા અઢીસો લોકોને પોલીસ લોકઅપમાં ધકેલવામાં આવ્યાં છે.

  • પાંચ પોલીસ મથકના વિસ્તારમાંથી પકડાયેલા દારૂડિયાઓથી આખી બસ ભરાઈ ગઈ
  • પોલીસના લોખંડી બંદોબસ્તને કારણે સંખ્યાબંધ સુરતીઓ સાપુતારા-દમણ જતા રહ્યા
  • કેટલાકે શોખીનોએ ઓલપાડ-કીમ-કામરેજ- નવસારી અને કડોદરાની દિશા પકડી લીધી

થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને સુરત શહેર પોલીસે એક્શન મોડમાં જોવા મળી રહી છે. દારૂ અને ડ્રગ્સનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યા હતા.

જેમાં ઝોન-4 પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 ડિસેમ્બરની સાંજથી 31 ડિસેમ્બરની સવાર સુધીમાં શહેરનાં 5 મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી 250થી વધુ દારૂના નશામાં ફરતા શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા.આ તમામને બસમાં ભરીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લઈ જવાયા હતા.

સુરતીઓ પણ સાનમાં સમજીને શમજીને દારૂ પીવા માટે સુરત શહેર બહાર રવાના થઈ ગયા હતા. જેમાં કેટલાક શોખીનો દારૂની જયાફત માણવા માટે ઓલપાડ-કીમ, અંકલેશ્વર-કામરેજ ભણી જતા રહ્યા હતા. તો બીજી તરફ શોખીનો ઉભરાતા સાપુતારા અને દિવ-દમણમાં હોટલના ભાવ દસ હજારથી પચ્ચીસ હજાર સુધી પહોંચી ગયા છે.

વિજયસિંહ ગુર્જરે 250 લોકોને લોકઅપમા પૂર્યા
શહેર ઝોન-4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા અને અઠવા વિસ્તારમાં દારૂડીયાઓને ડામવા માટે ખાસ ઝુંબેશ ચાલી હતી. જેમાં ગતરોજ સાંજના સમયથી 31 ડિસેમ્બરની સવાર સુધી આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં છાકટા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનેલાઈઝર મશીનના માધ્યમથી તપાસી કરી માત્ર 10 કલાકની આ ઝુંબેશમાં 250થી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.

ત્યારે બીજી તરફ જોઇન્ટ પોલીસ કમિશનર કે. એન. ડામોરે જણાવ્યું કે, છેલ્લા એક અઠવાડિયામાં 56 બુટલેગર સામે પણ કડક પગલાં લેવામા આવ્યાં છે.આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલશે, જેમાં મશીન દ્વારા નશાની તપાસ અને બુટલેગરો સામે કાર્યવાહી કરાશે.

કુરિયર પાર્સલ બોક્સ અ્ને કાપડના બંડલમાં છુપાવીને મોકલાયેલો 2.52 લાખનો દારૂ પકડાયો
શહેરના ખટોદરા વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનારા પર ખટોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. પોલીસે કાપડના પાર્સલમાં છુપાવવામાં આવેલા 1,352 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સાથે રૂપિયા 2,52,590ની મત્તાના જથ્થા પર કબ્જો કર્યો છે.

ન્યૂ યર પાર્ટી માટે દારૂના જથ્થાને કુરિયર પાર્સલ બોક્સમાં અને કાપડના બંડલમાં છુપાવીને મોકલવામાં આવ્યો હતો, જેથી તેની પર કોઈને શંકા નહી જાય. જુની સબ જેલની પાછળ બંદરીયા કંપાઉન્ડમાં આવેલા ઓમ તુરંથના ગોડાઉનમાં આ દારૂનો જથ્થો હોવાની માહિતી મળતાં પોલીસ સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

એસીપી ઝેડ. આર. દેસાઈ જણાવ્યું હતું કે, પોલીસે ઘટનાસ્થળેથી વિજય ખોડાભાઇ દસલાણીયા નામના એક શખસને ઝડપી પાડ્યો છે. આરોપી 29 વર્ષનો છે અને ખોલવડગામ કામરેજ ખાતે રહે છે. વિજય દસલાણીયાએ મહારાષ્ટ્રથી મુંબઇમાં સ્થિત બે એજન્સીઓ મારફતે દારૂ મંગાવ્યો હતો. ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top