રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. બીજી તરફ ટેટ- ટાટ પાસ થયેલા 50,000થી વધુ યુવાન યુવતીઓ શિક્ષક બનવાની ચાર વર્ષથી રાહ જોઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ગુજરાત સરકારની શિક્ષણ નીતિ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિને કારણે આજે ગુજરાત શિક્ષણમાં પાછળ ધકેલાયું છે.
ધોરણ 6થી 8માં 8243 વિદ્યા સહાયકોની જગ્યાઓ ખાલી છે. જેમાં ગણિત-વિજ્ઞાનમાં 3324 સામાજિક વિજ્ઞાનમાં 3087 ભાષામાં 1862 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત ધોરણ 1 થી 5 ની લાયકાતવાળા 2188 શિક્ષકો, હાલમાં ધોરણ 6થી 8માં ભણાવવાનું કામ કરે છે. જો તેમને 6થી 8ના મહેંકમમાં ગણવામાં આવે તો ધોરણ 6થી 8માં દસ હજાર કરતા વધુ જગ્યાઓ ખાલી છે.
ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે ધોરણ 1 થી 5માં 5868 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. છેલ્લા ચાર વર્ષમાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે. તો પછી શિક્ષણ કઈ રીતે આપવામાં આવે છે. આજે ૬૦૦૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓને તાળા મારવાનું પાપ ભાજપ સરકાર કરી રહી છે. આ બાબતે સરકાર ગંભીરતાથી વિચારી તાત્કાલિક વિદ્યા સહાયકની ભરતી કરવી જોઈએ. ટેટ પાસ કરેલા 50,૦૦૦થી બેરોજગાર યુવકોને તાત્કાલિક ધોરણે નોકરી મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે ઉભી કરવી જોઈએ.