ગુલાબ વાવાઝોડાની અસરના પગલે (Gulab cyclone effect) રાજ્યના આભ પર ઘેરાયેલા વાદળો હવે વરસવા માંડયા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 190 તાલુકામાં ધમધોકાર વરસાદ (Gujarat heavy rain ) વરસ્યો છે, જેના લીધે રાજ્યના મોટાભાગના ડેમ છલકાયા છે. નદી અને નાળાં ઉભરાઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 1 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી ભારોભાર શક્યતા રહેલી છે. નીચાણવાળા વિસ્તારો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ખસી જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં (Orange and yellow alert in gujarat) આવ્યું છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે.
જ્યારે આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારો હજી કોરા ધાકોર છે.
વલ્લભીપુરમાં ગાજવીજ સાથે વરસાદ, ભાવનગરનો માલણ ડેમ ઓવરફલો થયો
ગુલાબ’ નામનું ચક્રવાતી વાવાઝોડું ઓરિસ્સાના સાગરકાંઠે બે દિવસ પહેલા ટકરાયા બાદ નબળું પડ્યું હતું. જો કે ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે વલ્લભીપુર પંથકમાં મંગળવારે સવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મંગળવારે સવારથી જ કાળાડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વલ્લભીપુર પંથકમાં વરસાદ તૂટી પડ્યો હતો.
અડધો ભાદરવો વીતી ગયા બાદ પણ મેઘરાજાએ વિદાય ન લેતા ખેડૂતોમાં હવે ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે. વલ્લભીપુર પંથકમાં તલ, બાજરી, જુવાર, મકાઈ સહિતના પાકોને આ વરસાદથી ભારે નુકશાની જવાનો ભય સેવાઇ રહ્યો છે. હાલ વરાપની જરૂર છે ત્યારે વરસી રહેલા વરસાદથી ઉજળા પાકનું ચિત્ર પલટાઈ શકે છે. મહુવામાં ગઈકાલે 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે મહુવાનો માલણ ડેમ ઓવરફ્લો થયો હતો. પાણીની આવકમાં સતત વધારો થતા હાલ 298 ક્યૂસેક પાણીનો પ્રવાહ છોડવામા આવી રહ્યો છે.
લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી એટલે વધુ વરસાદ
સેન્ટ્રલ વૉટર કમિશનના વિજ્ઞાનીઓએ વરસાદની પેટર્ન પર કરેલું રિસર્ચ થિયોરિટીકલ એન્ડ એપ્લાઇડ ક્લાઇમેટોલોજીમાં પ્રકાશિત થયું હતું, જેમાં જણાવ્યા મુજબ, લૉ પ્રેશરમાં થતા ફેરફારોને કારણે વરસાદની મંથલી પેટર્નમાં ફેરફારો જોવા મળ્યો છે. હવામાન ખાતાના નિયામકે જણાવ્યું હતું કે આ વખતે સપ્ટેમ્બરમાં લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી હતી, જેને કારણે આ મહિને સારો વરસાદ થયો છે.
સપ્ટેમ્બરમાં રાજ્યમાં ત્રણ ગણો વધુ વરસાદ થયો
સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 110 મિમી જેટલો વરસાદ થતો હોય છે. આ વર્ષે 340 મિમી, એટલે કે સરેરાશથી ત્રણ ગણા ટકા વરસાદ થયો છે. ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે. ભારતીય હવામાન ખાતાની 110 વર્ષ (1901-2010) ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, છેલ્લાં 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.