Charchapatra

મોરબી દુર્ઘટના: ભાજપ સરકાર જવાબદાર

નવા વર્ષની શુભ શરૂઆતમાં ગુજરાતના મોરબીમાં અત્યંત કરુણ અશુભ ઘટના બની છે. મોરબી પુલ દુર્ઘટનામાં કુલ 141 નિર્દોષ વ્યકિતનો ભોગ લેવાયો છે. એની ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકની લહેર છવાઇ ગઇ છે. આ દર્દનાક ઘટના માનવસર્જીત બેદરકારીનું પરિણામ છે. મોરબીના ઘરેઘરમાં માતબ છવાઈ ગયો છે. દિવાળીના પાવન પર્વમાં રોશનીના બદલે હૈયાહોળી સળગી રહી છે. આ ઝૂલતા પુલની દુર્ઘટનામાં કુલ નવ વ્યકિતની ધરપકડ થઇ છે. હજુ પણ વધુ ધરપકડ થશે. આ ઘટનાના તમામ જવાબદાર વ્યકિતની સામે કોઇની પણ શેહશરમ રાખ્યા વિના કડકમાં કડક સજા થવી જોઇએ. મોરબી દુર્ઘટના માટે અમારી સરકાર જવાબદાર પક્ષાપક્ષીના રાજકારણ વિના ખુલ્લેઆમ જાહેરમાં કબૂલાત કરનાર પૂર્વ મુખ્યમંત્રી ભાજપના નીતિન પટેલની આ કડવી પણ સત્ય વાતની કદર કરવી જોઇએ. દુર્ઘટનાની નૈતિક જવાબદારીનો અહેસાસ કરાવવા માટે ભાજપ સરકારી આંખ ખોલવા માટે નીતિન પટેલ જરા પણ ડર્યા નથી. યાદ રહે, વડા પ્રધાન મોદીની ગુજરાત યાત્રા દરમિયાન આ ઘટના બની છે.

ભાજપ સરકારની વિકાસયાત્રાના ગીત ગાવાનું હવે બંધ કરો. બહુ થયું. ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસારણ બંધ કરી તાકીદે દોષિતોને સજા કરો. નિર્દોષ માનવીના પરિવારની દશા અત્યંત દયનીય છે. પીડિતોની આંખના આંસુ લૂછવાનું કામ કરો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આ ઘટનાની સઘળી જવાબદારી માથે લઇ તાકીદે રાજીનામું આપે. સમયની આ પુકાર છે. ઘડિયાળના ઉદ્યોગ માટે જાણીતા મોરબીની પ્રજા માટે દુ:ખ સાથે દર્દભર્યા ગીતની પંકિત યાદ આવે છે. ગુજરા હુઆ જમાનાના વકત ફિલ્મના ગીતના શબ્દો છે ‘કોન જાણે કિસ ઘડી વકત કા બદલે મિજાજ’ આ મિજાજ ખરેખર પીડા આપે એવો છે. પીડિતોનાં સ્વજનોના આત્માની મુકિત માટે પ્રભુ પ્રાર્થના.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top