એક દિવસ અમી રોજની જેમ પોતાની દોડવાની પ્રેક્ટીસ કરીને ઘરે આવી અને રડમસ ચહેરે બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠી.દાદીએ પૂછ્યું, ‘શું થયું બેટા, કેમ આજે ચુપચાપ છે?’ અમીએ કહ્યું, ‘કંઈ નહિ દાદી…આજે મૂડ ઓફ છે.કંઈ કરવાનું મન જ નથી થતું.’ દાદાએ પૂછ્યું, ‘કેમ મૂડ ઓફ છે?’ ચલ આજે રજા છે તો તને ગમતી ફિલ્મ જોવા જઈએ.’ અમી બોલી, ‘ના દાદા મારું મન નથી.’ દાદા- દાદી ત્યારે તો કંઈ બોલ્યાં નહિ.સાંજે તેઓ વોક પર ગયાં. અમી ઘરે જ રહી.વોક પરથી આવતાં આવતાં દાદાએ અમીની ફેવરીટ ચોકલેટ લીધી અને દાદીએ આઈસ્ક્રીમ…અને પાવભાજી.
ઘરે આવી અમીને બૂમ પાડી, ‘અમી તારો મૂડ સારો કરવાની ચાવી લઇ આવ્યા છીએ, જલ્દી બહાર આવ.’અમી બહાર આવી અને દાદા દાદીની લાવેલી ચોકલેટ ,આઈસ્ક્રીમ અને પાવ ભાજી જોઇને તેનો મૂડ થોડો સુધર્યો.’ પાવભાજી ખાતાં ખાતાં દાદા બોલ્યા, ‘દીકરા, એક વાત કહેવી છે આ તારો મૂડ કેમ બગડ્યો હતો તે પછી કહેજે…પણ આજે હું જે સમજાવવા માંગું છું તે યાદ રાખજે.આ તમે જેને મૂડ કહો છો તેઓ આધાર હોય છે તમારા મન પર મનગમતું થાય તો મૂડ સારો ..નહિ તો ખરાબ બરાબર ને …’ અમીએ કહ્યું, ‘હા દાદા, આજે સવારે દોડવાની પ્રેકટીસમાં હું રોજ પહેલી આવું છું તેને બદલે ત્રીજી આવી એટલે મારો મૂડ ખરાબ હતો.’
દાદા બોલ્યા, ‘અરે બેટા, આટલી નાની વાત …આજે ત્રીજી આવી… કાલે મન મજબૂત કરી દોડજે તો ચોક્કસ પહેલી આવીશ.આપણું મન આપણી તાકાત પણ છે અને કમજોરી પણ જો મન નબળું પડે તો નાનકડી મુશ્કેલી પણ મોટી સમસ્યા લાગે …મૂડ ખરાબ કરે ..બીજાને પણ ચિંતા કરાવે …અને જો આ મન સ્થિર હોય આપણા કાબૂમાં હોય તો આપણે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીએ…કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરી આપણા મૂડને સારો રાખી શકીએ અને બીજાને દુઃખી ન કરીએ અને જો આપણું મન એકદમ મજબૂત હોય ને ત્યારે આપણે કોઇ પણ મુશ્કેલીનો સામનો કરી જીતી શકીએ…કોઇ પણ પરિસ્થિતિ કે સંજોગને એક તકમાં બદલી શકીએ અને આપણો જ નહિ બધાનો મૂડ સારો રાખી શકીએ.એટલે દીકરા હંમેશા મનની તાકાતને ઓળખ અને મનને મજબૂત બનાવી આગળ વધજે.’ દાદાએ અમીને કયારેય મૂડ ઓફ ના થાય એવી સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.