SURAT

સ્કૂલ રિક્ષાની હડતાળે વરસાદનો આનંદ ઝૂંટવી લીધો, વાલીઓએ ભીંજાતા ભીંજાતા વિદ્યાર્થીઓને સ્કૂલે મુકવા જવું પડ્યું

સુરત: આખરે અડધો જૂન મહિનો પૂરો થયા બાદ સુરત શહેરમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. રાત્રિના અંધકારમાં કે વહેલી સવારે ઝાપટું કરીને અલોપ થઈ જતા મેઘરાજા આજે તા. 18 જૂનને મંગળવારને ભીમ એકાદશીની સવારથી મન મુકીને વરસવાનું શરૂ કર્યું છે. એટલે કહી શકાય કે સુરત શહેરમાં ચોમાસું બેઠું છે.

જોકે, પહેલાં જ વરસાદે વાલી અને વિદ્યાર્થીઓને હેરાન કરી મુક્યા હતા. આમ તો પહેલાં વરસાદમાં ભીંજાવાનું સૌ કોઈને ગમતું હોય પરંતુ આજે સ્કૂલ વેન, રિક્ષાની હડતાળના લીધે વાલીઓએ પોતાના ટુ-વ્હીલર પર વિદ્યાર્થીઓને સ્કૂલે મુકવાની ફરજ પડી હતી. વરસતા વરસાદમાં ભીંજાઈને યુનિફોર્મ પહેરેલા બાળકોને સ્કૂલે મુકવા જવાનું વાલીઓ માટે ત્રાસદાયક બન્યું હતું ત્યાર બાદ વરસાદમાં સિગ્નલ પર લાંબો સમય સુધી ઉભા રહીને ભીંજાવાનો પણ નોકરિયાતોને અલગ જ અનુભવનો સામનો કરવો પડ્યો હતો.

સરકાર દ્વારા સ્કૂલ વેન, રિક્ષા ચાલકો માટે નિયમોના કડકાઈથી પાલનના આદેશ થતાં સ્કૂલ વાહનના એસોસિએશન દ્વારા આખાય રાજ્યમાં આજે તા. 18 જૂન માટે એક દિવસીય પ્રતિક હડતાળનો નિર્ણય જાહેર કરાયો હતો. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરવામાં આવતા સ્કૂલ વેન રિક્ષા ચાલકો નારાજ થયા છે અને હડતાળ પર ઉતર્યા છે. સ્કૂલ ઉઘડતા જ સ્કૂલ રિક્ષા વેનની હડતાળે વાલીઓને હેરાન કરી મુક્યા છે. વાલીઓએ વહેલી સવારે વરસાદ વચ્ચે બાળકોને સ્કૂલ છોડવા જવું પડ્યું હતું. નોકરિયાત વાલીઓ રોષે ભરાયા હતા. એક વાલીએ કહ્યું કે વાલીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.

સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે RTO અને રાજ્ય સરકારના નબળા વહીવટના લીધે આજે હડતાળ પાડી છે. છેલ્લા એક વર્ષથી અમે રજૂઆત કરતા હતા પરંતુ ઉકેલ આવ્યો નથી. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, વાલીઓ અને ખાનગી સ્કૂલ વર્ધી ચાલકનો મામલો છે. આ મામલો RTOને લગતો છે. સમસ્યાના સમાધાન માટે RTOને જાણ કરીશું. જેથી ઝડપથી નિકાલ આવે.

Most Popular

To Top