National

સંસદનું ચોમાસું સત્ર: ફોન ટેપિંગને લઈ હંગામો, અમિતશાહે કહ્યું- ષડ્યંત્રકારી સફળ નહીં થાય

નવી દિલ્હી: (Delhi) આજથી સંસદનું (Parliament) ચોમાસું સત્ર (Monsoon session) શરૂ થઈ ગયું છે. લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જેવા જ મોદી નવા મંત્રીઓનો પરિચય આપવા માટે ઊભા થયા હતા, ત્યારે વિપક્ષે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થયાના 8 મિનિટ પછી પણ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવતો હતો. પહેલા લોકસભામાં વિપક્ષી દળોના નેતાઓ દ્વારા પીએમ મોદીના સંબોધનમાં વિધ્ન નાંખવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યસભામાં પણ એ જ સ્થિતિ રહી. રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સદનમાં હાજર સભ્યોના વર્તન પર ખુબ વરસ્યા હતાં. દરમ્યાન સંસદના પહેલાં જ દિવસે ફોન ટેપિંગનો મામલો સૌથી વધુ ગૂંજ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા પેગાસસ ફોન હેકિંગ રિપોર્ટ આવવા પર શંકા વ્યક્ત કરી છે. તેમણે તે જારી થવા પાછળ મોટા ષડયંત્ર તરફ ઇશારો કર્યો છે. શાહે સ્પષ્ટ કહ્યુ કે, કેટલાક લોકો દેશમાં લોકતંત્રને બદનામ કરવા ઈચ્છે છે. તેમનો ઇરાદો ભારતની વિકાસ યાત્રાને પાટા પરથી ઉતારવાનો છે. પરંતુ આ ષડ્યંત્રકારીઓ સફળ નહીં થાય. ચોમાસુ સત્ર દેશમાં વિકાસના નવા માપદંડ સ્થાપિત કરશે. 

ફોન ટેપિંગ મામલે હંગામો

દરમ્યાન સત્રની શરૂઆત પહેલાં જ એક એવો મુદ્દો સામે આવ્યો છે જે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પેગાસસ (Pegasus) સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભારતમાં ઘણા પત્રકારો, રાજકારણીઓ અને અન્ય લોકોના ફોન હેક કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય માહિતી ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવારે પેગાસસ ફોન ટેપીંગ મામલે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જાસૂસીના આરોપો ખોટા છે. ફોન ટેપીંગ અંગે સરકારના નિયમો ખૂબ કડક છે. વૈષ્ણવે કહ્યું કે ડેટાનો જાસૂસી સાથે કોઈ સંબંધ નથી. ટેપીંગ ફક્ત રાષ્ટ્રીય હિત અને સુરક્ષાની બાબતોમાં જ કરવામાં આવે છે. વિપક્ષે આ અંગે સંસદમાં હંગામો મચાવ્યો હતો અને આ કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી.

લોકસભામાં આ મુદ્દે જવાબ આપતા સંચાર મંત્રીએ કહ્યું કે સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા પ્રેસ રિપોર્ટોનું આવવું સંયોગ ન હોઈ શકે. હંગામા વચ્ચે વૈષ્ણવે કહ્યુ કે, રવિવારે રાત્રે એક વેબ પોર્ટલ પર ખુબ સનસનીખેજ સ્ટોરી ચાલી. આ સ્ટોરીમાં મોટા-મોટા આરોપ લગાવવામાં આવ્યા. સંસદના સત્રના એક દિવસ પહેલા આ પ્રેસ રિપોર્ટ સામે આવ્યો છે. આ સંયોગ ન હોઈ શકે. 

આ અગાઉ પીએમ મોદીએ સદનની કાર્યવાહી શરૂ થતા પહેલા કહ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર સાર્થક ચર્ચા માટે સમર્પિત થાય. કારણ કે જનતા અનેક મુદ્દાઓ પર જવાબ ઈચ્છે છે. અને આ માટે સરકાર પૂરેપૂરી રીતે તૈયાર છે. દરેક જણ સાથે મળીને બેસીને કામ કરશે, કેમ કે લગભગ દરેકનું વેક્સિનેશન થઈ ગયું છે. સંસદના ચોમાસુ સત્રમાં 2 નાણાકીય સહિત કુલ 31 બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે.

Most Popular

To Top