સુરતઃ ફરી એકવાર સુરત સહિત ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવા સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. આજે સવારથી અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, તેના પગલે સુરત જિલ્લા કલેક્ટરે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે આગામી તા. 24 અને 25 ઓગસ્ટ એટલે કે સાતમ અને આઠમના રોજ અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરતા સુરત જિલ્લા કલેક્ટરે સુરત જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ બે દિવસોમાં સુરત ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત ભાવનગરમાં અતિથી અતિ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરાઈ છે. આ સાથે જ 35 કિ.મી. થી 55 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
સુરતમાં સવા ઈંચ વરસાદ પડ્યો
સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં સવા ઈંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો છે. સૌથી વધુ વેસ્ટ ઝોનમાં 59 મિ.મિ. વરસાદ પડ્યો છે. સવારે વરસાદ વરસવાના લીધે નોકરીયાતો અને સ્કૂલના બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિવસ દરમિયાન ઝરમર વરસાદ પડતો રહ્યો હતો.
નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ
નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સવારે 6 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શ્રાવણ માસના આ વરસાદને કારણે ડાંગરના પાકને ખૂબ જ ફાયદો થશે. લાંબા વિરામ બાદ વરસેલા આ વરસાદને કારણે ડાંગરના પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો માટે આ વરસાદ એક આશીર્વાદ સમાન સાબિત થશે.
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
વલસાડ જિલ્લામાં પણ શુક્રવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના પગલે અહીં વલસાડ સિટી, ધરમપુર, ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.