રાજ્યમાં હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. એન્ટી સાયકલોનિકલ સરકયૂલેશન તેમજ ભેજનું પ્રમાણ ઘટ્યું છે, તેના પગલે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન આજથી જ શરૂ થઈ ગયું છે. જો કે ખરેખર ગુજરાતમાં ચોમાસુ 17 સપ્ટે.એ વિદાય થવાનું હતું, તેની જગ્યાએ ચોમાસુ લંબાયુ છે. બીજી તરફ નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદ નહીં નડે તેવી સંભાવના વધી જવા પામી છે.
ચોમાસાની વિદાયની લાઈન બિકાનેર, જોધપુર, ઝાલોર અને ભૂજ પરથી પસાર થાય છે. જેના પગલે કહી શકાય કે ગુજરાતમાં બુધવારથી ચોમાસાની વિદાયનો આરંભ થયો છે. આગામી દિવસમાં ગુજરાતમાંથી ચોમાસું હવે સંપૂર્ણ પણે વિદાય લેશે. રાજ્યમાં સરેરાશ 95.13 ટકા વરસાદ થયો છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સપ્તાહે ભારે વરસાદની સંભાવના નથી. અલબત્ત દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે. કચ્છમાં એકંદરે 111.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.59 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 83.66 ટકા, સૌરાષ્ટ્રમાં 113.57 ટકા, દક્ષિણ ગુજરાતમાં 93.21 ટકા વરસાદ થયો છે.