નવી દિલ્હી: દિલ્હીના (Delhi) પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાની મુશ્કેલીઓ વધી રહી છે. મની લોન્ડરિંગ (Money laundering) કેસમાં 8 કલાક સુધી EDએ પૂછપરછ કરી હતી ત્યાર પછી તેમની ધરપકડ કરવામાં આવી છે. ED શરાબ ધોટાળામાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. ગુરુવારે EDની ટીમ સિસોદીયાની કેસ અંગે પૂછપરછ કરવા માટે તિહાડ જેલમાં પહોંચી હતી. જણાવી દઈએ કે રાઉજ એવેન્યુ કોર્ટમાં શુક્રવારે સિસોદીયાની જામીન અંગે સુનાવણી થવાની હતી.
CBI બાદ હવે EDએ સિસોદિયા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઈડીની ટીમ તિહાર જેલમાં ધરપકડ માટે ઔપચારિક રીતે દસ્તાવેજી કાર્યવાહી કરી રહી છે. જણાવી દઈએ કે 26 ફેબ્રુઆરીએ CBIએ દિલ્હી લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાને કસ્ટડીમાં લીધા હતા. ધરપકડ બાદ તેને પાંચ દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે કેન્દ્રીય એજન્સીને વધુ બે દિવસના રિમાન્ડ પર મોકલ્યા બાદ તેને શનિવારે (4 માર્ચ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 6 માર્ચે થયેલી સુનાવણીમાં કોર્ટે તેને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. જ્યારે તેની જામીન અરજી પર આવતીકાલે એટલે કે શુક્રવારે સુનાવણી થવાની હતી.
મનીષ સિસોદીયાની EDએ ધરપકડ કર્યા પછી સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે મનીષની પહેલા CBIએ ઘરપકડ કરી પણ તેઓને કોઈ સબૂત ન મળ્યાં રેડ કરતા કોઈ રુપિયા ન મળ્યા. હવે કાલે તેઓની જામીન અંગેની સુનાવણી છે. કાલે તેઓ છૂટી જતે. પણ આજે EDએ તેમની ઘરપકડ કરી છે. આ વાત પરથી તારણ કાઢી શકાય કે મનિષને કોઈ પણ હાલતમાં જેલમાંથી બહાર કાઢવામાં ન આવે તેનું ષડયંત્ર છે. રોજ નવા નવા ખોટા કેસ બનાવવામાં આવી રહ્યાં છે. જનતા જોઈ રહી છે. અને જનતા જ જવાબ પણ આપશે.
આ સાથે જ બીજેપીએ તેમના ટ્વિટ પર અરવિંદ કેજરીવાલને ઘેર્યા છે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વિટ કર્યું – કાલે મનીષ બચી ગયો હોત? તમે આ પહેલાથી કેવી રીતે જાણતા હતા? આ નિવેદનનો અર્થ શું છે? કૃપા કરીને સત્યેન્દ્ર જૈન માટે તમે જે જૂનું પીડિતા કાર્ડ રમ્યું હતું તે જ રમવાનું બંધ કરો – તમે કહ્યું હતું કે ED પાસે તેના પર કાર્યવાહી કરવાનું કોઈ કારણ નથી.
આ ઉપરાંત કેજરીવાલે સિસોદીયા લિખિત એક પત્ર પણ શેર કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે મનીષ સિસોદીયાએ જેલમાંથી દેશના નામે એક પત્ર લખ્યો છે. લખવામાં આવ્યું છે કે બીજેપી લોકોને જેલમાં નાંખવાની રાજનિતિ કરે છે. અમે બાળકોને ભણાવવાની રાજનિતિ કરીએ છીએ. જેલમાં મોકલવું સહેલું છે પણ બાળકોને ભણાવવું મુશ્કેલ છે. રાષ્ટ્ર શિક્ષા આપવાથી આગળ વધે છે જેલમાં મોકવાથી નહિં.