સુરત : નાના વરાછા હેલ્થ સેન્ટરની પાછળ મની ટ્રાન્સફરનું કામ કરતા યુવકને એક યુવકે 50 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ યુવકે બેગમાંથી રૂપિયા લઇને આવું છે તેમ કહ્યા બાદ ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નાના વરાછા બજાર ફળિયા ખાતે રહેતા અને નાના વરાછા હેલ્થ સેન્ટર પાછળ મોબાઈલ તથા મની ટ્રાન્સફરની દુકાન ધરાવતા મૂળ રાજસ્થાનના વતની વિકાસ બાબુભાઈ શાહ (ઉ.વ.૩૭)ની પાસે એક યુવક આવ્યો હતો. આ યુવકે વિકાસભાઇને રૂા. 50 હજાર ટ્રાન્સફર કરવાના છે તેમ કહ્યું હતું. જેની સામે વિકાસે રૂા. 500 રૂપિયા ચાર્જ લાગશે તેમ જણાવ્યું હતું. અજાણ્યાએ બેંક ડિટેઇલ આપીને રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. વિકાસભાઇએ તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર તો કરી દીધા હતા, આ સાથે જ અજાણ્યાએ કહ્યું કે, બાઇકની ડિકીમાંથી રૂપિયા લઇને આવું છુ કહીને અજાણ્યો ફરાર થઇ ગયો હતો. આ બાબતે વિકાસભાઇએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વિદેશ રહેતા જમીન માલિક-પરિવાર સાથે નજીકના વ્યક્તિ દ્વારા 4.29 કરોડની ઠગાઈ
સુરત : અમેરિકામાં અને સારોલી પાસેના દેવધ ગામમાં બાબલીયુ ફળિયામાં રહેતા લલીતભાઇ જયંતિભાઇ પટેલ તેમજ તેમના પરિવારના સભ્યો અમૃત રણછોડભાઇ પટેલ, ભુલાભાઇ રણછોડભાઇ પટેલ, જંયતિ છગન પટેલ અને તેના પરિવારજનોની માલિકીની જમીન કુંભારીયાના દેવધગામમાં આવેલી છે. આ જગ્યા સારોલી ગામમાં રહેતા ગંગારામભાઇ પરભુભાઇ પટેલે ટાઇટલ ક્લીયર કરાવીને વેચી દેવા જણાવ્યું હતું. આ માટે તેઓએ ગંગારામ પરભુભાઇ પટેલને પાવરઓફ એટર્ની લખી આપી હતી. ગંગારામે આ જગ્યા નરેશભાઇ હરીભાઇ બાબરીયાને રૂા.5.71 કરોડમાં વેચી હતી. પરંતુ ગંગારામે મુળ જમીન માલિકોને માત્ર 1.51 કરોડમાં જ જગ્યા વેચાઇ હોવાનું જણાવ્યું હતું. નરેશભાઇ પાસેથી પુરેપુરી રકમ લીધા બાદ મુળ જમીનના બે માલિકોએ પોતાનો હિસ્સો લેવાની ના પાડતા તેમના હિસ્સાના રૂપિયા બીજા માલિકોમાં વહેંચી દેવામાં આવ્યા હતા. જેમાંથી રૂા. 9.67 લાખના બે ચેકો હતા, આ ચેકો પણ ગંગારામે પોતાના અંગત ઉપયોગમાં લઇને સુધારાનો દસ્તાવેજ કરી નાંખ્યો હતો. આ બાબતે મુળ જમીન માલિક લલીતભાઇને ધ્યાન જતા તેઓએ ગંગારામ પટેલની સામે ગોડાદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.