વ્યારા: સોનગઢ (Songadh) તાલુકામાં બોર્ડર વિલેજ વિકાસ યોજના હેઠળ વિતરણ કરાયેલી ગાય (Cow) અને ભેંસોની ગુણવત્તા અને કિંમતને લઈ સવાલો (Question) ઉઠ્યા છે. પ્રાયોજના વહિવટદારની કચેરી હેઠળ “બોર્ડર વિલેજ વિકાસ યોજના” અંતર્ગત TSP કચેરી સોનગઢ અને જિલ્લા પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૧૬ જેટલા દુધાળા પશુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાયોજના વહિવટદાર, જિલ્લા પશુપાલન અધિકારી અને યોજના સહ તાલુકા વિકાસ અધિકારી સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પણ આશ્ચર્યની વાત એ છે કે, આ લાભાર્થીઓએ પશુનાં વેપારીઓ પાસેથી સરકારે નક્કી કરેલી કિંમત કરતા અલગથી વધુ નાણાં આપી ભેંસો ખરીદી હતી, છતાં એકેય અધિકારીએ આ મામલે સમગ્ર કેમ્પ દરમિયાન કોઇ ફોડ પાડ્યો ન હતો. અહીં સુધી કે પશુઓનાં વીમાની રકમ પણ લાભાર્થીઓ પાસેથી અલગથી વસુલાઈ છે.
તાપી જિલ્લામાં આ વર્ષે ૪૦૦ જેટલાં લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાંથી હાલમાં ૧૬ લાભાર્થીઓને ગાય અને ભેંસનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક પશુનો ૬૦ હજાર યુનિટ ખર્ચ નાબાર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. જેથી ૫૪ હજારની સહાય રાજ્ય સરકાર અને ૬ હજાર લોક ફાળો લાભાર્થીએ આપવાનો રહે છે. અલગથી બીજો કોઇ ચાર્જ લાભાર્થીઓ પાસેથી વસુલવાનો રહેતો નથી, તેવામાં લાભાર્થીઓથી લોકફાળો ૬ હજારને બદલે ૮૫૦૦ લેવાયો છે. વળી આ કેમ્પસમાં લાભાર્થીઓને આપેલી ભેંસોની કિંમત એક લાખથી વધુ વસુલાઈ હોવાની ચોંકાવનારી માહિતી પણ બહાર આવી છે. જેમાં અધિકારીઓ અને વેપારીઓનાં મેળાપીપણાંમાં લાભાર્થીઓ પાસેથી નાબાર્ડે નક્કી કરેલી યુનિટ કોષ્ટ કરતા વધુ રકમ બારોબાર વસુલાઈ રહી છે. લાભાર્થીઓને ઓછુ દુધ આપતી ઘરડી ભેંસો પણ પધરાવી હોવાનો બળાપો પોતે લાભાર્થીઓએ જ કર્યો છે. વેપારીઓ દ્વારા લાભાર્થીઓ પાસેથી નાબાર્ડે નક્કી કરેલી પશુઓની કિંમત કરતા ભેંસોનાં કિસ્સામાં ૩૫થી ૪૦ હજાર અને તેનાંથી વધુ રકમ અલગથી વસુલાઈ રહી છે.
લાભાર્થીઓને 90 ટકાની સહાય સાથે પશુઓ વિતરણ કરાયા છે: જિલ્લા પશુપાલન અધિકારી
રાજ્ય સરકાર દ્વારા પ્રાયોજના વહિવટદારની કચેરી હેઠળ “બોર્ડર વિલેજ વિકાસ યોજના” કાર્યરત છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને 90 ટકાની સહાય સાથે પશુઓ વિતરણ કરવામાં આવ્યા છે, એેમ તાપી જિલ્લા પશુપાલન અધિકારી બી.એ.શાહએ જણાવ્યું હતું.
નાબાર્ડે નક્કી કરેલી કિંમતમાં લાભાર્થીઓને સારી ભેંસો મળી શકે તેમ નથી: પશુ ચિકિત્સક
નાબાર્ડે નક્કી કરેલી કિંમતમાં લાભાર્થીઓને સારી ભેંસો મળી શકે તેમ નથી. સારી ગુણવત્તા વાળી ભેંસોની બજાર કિંમત ૧ લાખથી વધુની હોય છે. માટે નાબાર્ડે નક્કી કરેલી કિંમત કરતા વધુની રકમ લાભાર્થી પાસેથી અલગથી વસુલવામાં આવે છે. અઢીથી ત્રણ હજાર રૂપિયા લાભાર્થીઓ પાસેથી વીમાનાં પણ અલગથી લેવાય છે. જોકે સરકારી આવો કોઇ પરિપત્ર નથી, એમ સોનગઢના પશુ ચિકિત્સક ડો. એચ.બી. પટેલે જણાવ્યું હતું.
પશુ કેમ્પમાં ઘરડી ભેંસ આપવામાં આવી, ઓછુ દૂધ આપે છે: લાભાર્થી
સોનગઢનાં પશુ કેમ્પસમાં અમોને ૯૦ હજારની ભેંસ આપવામાં આવી છે. તે પણ ઘરડી છે. ઓછુ દુધ આપે છે. વીિમાનાં અલગથી ૮૫૦૦ આપ્યા છે. સરકારી સહાય બાદ કરતા અમોને અલગથી વેપારીને રૂ. ૩૫ હજાર ચુકવાનું કહ્યુ હતુ. તે અમોએ ભાઇ પાસેથી ઉધાર લઈને વેપારીને ચુકવ્યા છે. એમ સોનગઢના રાસમાટી ગામના લાભાર્થી સુરજીભાઈ દાનીયાભાઈ ગામીતે જાણાવ્યું હતું.