Gujarat

“કોરોના કાળમાં પૈસા કોઈ કામના નથી” કહી અંકલેશ્વરમાં ઓવરબ્રિજ પરથી આધેડે પૈસા ઉડાવ્યા

અંકલેશ્વર: કોરોનાના સતત વધતા વ્યાપ, ચારેતરફ મૃત્યુ, ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ, ઇન્જેક્શન માટે જીવ બચાવવા લાચારીની દોડ વચ્ચે હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. લોકડાઉન, કરફ્યૂ વચ્ચે વધતા જતા સંક્રમણને લઈ લોકો શારીરિક, આર્થિક, સામાજિક રીતે હવે માનસિક રીતે પણ મનોબળ ખોઇ રહ્યાં છે.

આવો જ કિસ્સો અંકલેશ્વરની વાલિયા ચોકડીના ઓવરબ્રિજ પરથી સામે આવ્યો છે. જ્યાં ઓવરબ્રિજની રેલિંગ પરથી એક આધેડે હાથમાં પૈસા ભરેલી પીળી થેલી સાથે પૈસાનો વરસાદ (RAIN OF MONEY) કરતો વિડીયો વાયરલ (VIDEO VIRAL) થયો છે. ઓવરબ્રિજની રેલિંગ ઓળગી સાઈડના પિલરના ટેકે ઊભેલી વ્યક્તિ પૈસાનો વરસાદ નીચે વરસાવી કહી રહ્યો છે કે, ‘કોરોનાકાળમાં પૈસા કોઇ કામના નથી’. ચલણી નોટો બ્રિજ ઉપરથી નીચે ઉડાડતા ઉડાડતા આ વ્યક્તિ નીચે કૂદવાનો પ્રયાસ કરવા જતાં બ્રિજ પરથી પસાર થતા અન્ય એક વ્યક્તિ અને મહિલાએ તેને પકડી લીધો હતો. જ્યારે બ્રિજ નીચે લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં, તે પણ આધેડને જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. બ્રિજ ઉપરથી આધેડે પૈસા ફેંકતા નીચે ઊભેલી કેટલીક વ્યક્તિઓએ તે ચલણી નોટો વીણી પોતાની ખિસ્સામાં પણ મૂકી દીધા હતા. જો કે, સ્થાનિકોએ આ આધેડને બ્રિજ ઉપરથી નીચે કૂદતા બચાવી લીધો હતો.

આ મામલો પોલીસ ચોપડે ચઢ્યો નથી. વાયરલ થયેલા વિડીયોએ ભરૂચ જિલ્લા સહિત સોશિયલ મીડિયા પર પણ ભારે ખળભળાટ મચાવ્યો છે. કોરોનાના 1 વર્ષના સમયગાળામાં વધતા સંક્રમણ, મૃત્યુ, ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શનઓની અછત, લાખો રૂપિયા અને રઝળપાટ કરવા છતાં કેટલાય કિસ્સાઓમાં જિંદગીઓ નહીં બચાવી શકતાં હવે લોકોની માનસિકતા ઉપર પણ કોરોના હાવી થઈ રહ્યો છે. લોકડાઉન, કરફ્યૂ, વેપાર-ધંધા બંધ, રોજગારી સાથે જીવનની પણ અનિશ્ચિતતાઓ વધી જતાં લોકોમાં તણાવ વધી રહ્યો છે. જે કોરોના કરતાં પણ ઘાતક સાબિત થઈ શકે છે.

Most Popular

To Top